Abtak Media Google News

Table of Contents

રાજકોટ કોર્પોરેશનના કર્મચારીઓની અનેકવિધ પડત્તર માંગણીઓને લઇને આજે કર્મચારી પરિષદ યુનિયન દ્વારા ડીએમસી અનિલ ધામેલીયાની ચેમ્બરમાં રામધૂન યોજવાનો આંદોલાત્મક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. દરમિયાન વિજીલન્સ પોલીસે કોર્પોરેશનના કર્મચારીઓ અને યુનિયનના નેતાઓ સાથે ગુંડા અને અસામાજીક તત્વો સાથે જેવું વર્તન કરવામાં આવે તેવું બેહુદું વર્તન કરતા ભારે હંગામો મચી ગયો હતો. રોષે ભરાયેલા કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. તમામ શાખાઓ બંધ કરી કર્મચારીઓને બહાર કાઢ્યા હતા અને તાળાબંધી કરી હતી. જો વિજીલન્સ પોલીસ સામે કોઇ કાર્યવાહી કરવામાં નહિં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને જરૂર પડશે તો પાણી વિતરણ અને સફાઇ જેવી આવશ્યક કામગીરી પણ ખોરવી નાંખવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પડત્તર પ્રશ્ને ડીએમસી અનિલ ધામેલીયાની ચેમ્બરમાં રામધૂન બોલાવવાની જીદે ચડેલા કર્મચારીઓ અને યુનિયનના નેતાઓને વિજીલન્સ પોલીસે ધક્કા મારી તગડ્યા: કાંઠલા પકડી લેતા મામલો ગરમાયો

Clash Between Vigilance Police-Employees In Rajkot Corporation: Strike
Clash between Vigilance Police-Employees in Rajkot Corporation: Strike

કર્મચારીઓ સાથે ગુંડા જેવું વર્તન કરનાર વિજીલન્સ પોલીસ સામે કોઇ કાર્યવાહી નહિં કરાય તો આવશ્યક સેવાઓ પણ ખોરવી નાંખવાની કર્મચારી યુનિયનના નેતાઓની ચીમકી

ડીએમસી હાય હાય…. ડીએમસી ચોર છે જેવા ઉગ્ર સૂત્રોચ્ચારો પોકારાયા મ્યુનિ.કમિશનરની ચેમ્બરમાં રજૂઆત કરવા ન જવા દેતા યુનિયન દ્વારા તમામ શાખાઓને બંધ કરાવાયા: કર્મચારીઓની ઓચિંતી હડતાલથી અરજદારો હેરાન-પરેશાન

કર્મચારીઓના હિતના પ્રશ્ર્નોના નિરાકરણ અર્થે કમિશનર દ્વારા 30 નવેમ્બર સુધીમાં કમિટીની બેઠક બોલાવવામાં આવશે. તેવી બાંહેધરી આપી હતી. સાથોસાથ દર માસના પ્રથમ શનિવારે યુનિયન અને વહિવટી તંત્ર વચ્ચે મિટીંગ બોલાવવામાં આવશે. તેવી પણ બાંહેધરી આપી હતી પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા આજે રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી પરિષદ દ્વારા ડીએમસીની ચેમ્બરમાં રામધૂનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. યુનિયનના હોદ્ેદારો અને કર્મચારીઓને વિજીલન્સ પોલીસે ડીએમસી અનિલ ધામેલીયાની ચેમ્બરમાં જતા અટકાવ્યા હતા અને બહાર જ રામધૂન બોલાવવાનું કહ્યું હતું. જેના વિરોધમાં કર્મચારીઓએ ડીએમસી હાય હાય….ડીએમસી ચોર છે,

Clash Between Vigilance Police-Employees In Rajkot Corporation: Strike
Clash between Vigilance Police-Employees in Rajkot Corporation: Strike

કર્મચારી એકતા જીંદાબાદ જેવા સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. ડીએમસીના બદલે મ્યુનિ.કમિશનરની ચેમ્બરમાં રામધૂન બોલાવવાની ઘોષણા કરી કર્મચારીઓનું ટોળું મ્યુનિ.કમિશનરની ચેમ્બર તરફ ધસી ગયું હતું. આ વેળાએ કર્મચારીઓ અને વિજીલન્સ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગુંડાઓ સાથે જેવું વર્તન કરવામાં આવે તેવું વર્તન વિજીલન્સ પોલીસે કોર્પોરેશન કર્મચારીઓ અને યુનિયનના હોદ્ેદારો સાથે કર્યું હતું. ધક્કા મારીને અને કાંઠલા પકડીને તમામને બહાર કાઢતા મામલો વધુ બીચકાયો હતો. રોષે ભરાયેલા કર્મચારીઓએ વિજળીક હડતાલનો શસ્ત્ર ઉગામ્યું હતું. કર્મચારીઓ ત્રણેય માળે અલગ-અલગ વિભાગમાં ધસી ગયા હતા અને કામ કરી રહેલા કર્મચારીઓને બહાર કાઢી ચેમ્બરને બંધ કરી દીધી હતી.

ત્યારબાદ તમામ કર્મચારીઓ કોર્પોરેશનના પરિસરમાં એકત્રિત થઇ ગયા હતા. જો કર્મચારીઓ અને યુનિયનના હોદ્ેદારો સાથે બેહુદું વર્તન કરનાર વિજીલન્સ પોલીસ સામે કોઇ કાર્યવાહી કરવામાં નહિં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ જલદ બનાવવામાં આવશે અને જરૂર જણાશે તો પાણી વિતરણ ખોરવી નાંખવા અને સફાઇ કામગીરી બંધ કરી દેવા સહિતની આવશ્યક સેવાઓ અટકાવી દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. બીજી તરફ આજે મેયર સહિતના મુખ્ય તમામ પાંચેય પદાધિકારીઓ કોર્પોરેટર જીતુભાઇ કાટોડીયાના પુત્રના લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હોવાના કારણે કર્મચારીઓ અને મ્યુનિ.કમિશનર વચ્ચે મધ્યસ્થી કરી શકે તેવું કોઇ ન હોવાના કારણે મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

મ્યુનિ.કમિશનર અને યુનિયનના હોદ્ેદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી

યુનિયનના નેતાઓ કમિશનર ચેમ્બરની બહાર નીકળી ગયા: નવી લડત માટે વ્યૂહરચના

વિજીલન્સ પોલીસના ખરાબ વર્તનથી નારાજ કોર્પોરેશનના કર્મચારીઓ આજે વિજળીક હડતાલ પર ઉતરી ગયા હતા. આંદોલનનો ઝડપી અને સુખદ નિવેડો આવે તે માટે મ્યુનિ.કમિશનર આનંદ પટેલે યુનિયનના 10 હોદ્ેદારોને મળવા બોલાવ્યા હતા. આ વેળાએ ભારે ગરમા-ગરમી થવા પામી હતી.

યુનિયનના નેતાઓ કમિશનર ચેમ્બરની બહાર નીકળી ગયા હતા અને આગામી દિવસોની નવી લડતની વ્યૂહરચના ઘડવા માંડ્યા છે. યુનિયનના હોદ્ેદાર અમિત ચોલેરા અને જયેન્દ્રભાઇ મહેતાએ ઉંચા અવાજે કમિશનર સમક્ષ એવી માંગણી કરી હતી કે હવે પડત્તર પ્રશ્ર્નો બાજુમાં રહ્યા પરંતુ કર્મચારીઓ સાથે ગુંડા જેવું વર્તન કરનાર વિજીલન્સ પોલીસ સામે શું પગલાં ભરવામાં આવશે. તે જણાવો. ત્યારબાદ જ ચર્ચા કરવામાં આવશે.

યુનિયનના હોદ્ેદારોની વાત કરવાની છટ્ટાથી નારાજ મ્યુનિ.કમિશનરે રજૂઆત કરવાની ભાષામાં વાત કરો તેવું જણાવતા મામલો બીચકાયો હતો. અમિત ચોલેરાએ કહી દીધું હતું કે મારે કોઇ રજૂઆત કરવી નથી તમારે કરવી હોય તો કરી શકો છો. તેવું કહેતા તમામ હોદ્ેદારો એકસાથે કમિશનર ચેમ્બરની બહાર નીકળી ગયા હતા. જો કે, એકાદ કલાક બાદ મ્યુનિ.કમિશનરે ફરીથી તેઓને મંત્રણા માટે બોલાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

માંગણીઓ સંતોષવાની બાંહેધરી અપાતા બપોરે હડતાલ સમેટાય

વિજિલન્સ પોલીસ અને કર્મચારીઓએ ભવિષ્યમાં ઘર્ષણ નહીં સર્જાય તેવી પણ ખાતરી આપી

કોર્પોરેશનમાં આજે વિજિલન્સ પોલીસ અને કર્મચારીઓ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયા બાદ વીજળીક હડતાલનું પહેલા આપવામાં આવ્યુ હતું. દરમિયાન બપોરે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે યુનિયનના હોદ્દેદારો સાથે ફરી એકવાર બેઠક કરી હતી જેમાં તમામ પડતર પ્રશ્નો ઉકેલવાની બહેન ધરી આપવામાં આવતા કર્મચારીઓ બપોરે ફરી કામે ચડી ગયા હતા કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માટે હવે દર મહિને એકવાર બેઠક યોજવામાં આવશે.

સાથોસાથ પડતર પ્રશ્નોનો પણ ઝડપથી નિવેદ આવે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવી ખાતરી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવી હતી બીજી તરફ વિજિલન્સ પોલીસ અને કર્મચારીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં બંને પક્ષોએ થોડી થોડી પોતાની ચોક હોવાનું કબૂલ્યું હતું સાથોસાથ ભવિષ્યમાં આવું કોઈ ઘર્ષણ થશે નહીં તેની ખાતરી પણ આપી હતી ટૂંકમાં કોર્પોરેશનમાં ત્રણ કલાક હડતાલ રહ્યા બાદ બપોરે ફરી કર્મચારીઓ કામે વળગી ગયા હતા.

કર્મચારી પરિષદના પ્રમુખ કશ્યપ શુક્લના આગેવાની હેઠળ તમામ યુનિયન લીડરને સાથે રાખી કર્મચારી સમુદાયના પ્રાણ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા બાહેંધરી આપવામાં આવી છે

તેમજ આજરોજ બનેલી આકસ્મિક ઘટના સંજોગોમાં બન્ને પક્ષે દિલગીરી વ્યક્ત કરવામાં આવી છે. હડતાલ પૂર્ણ જાહેર કરાયેલ છે.બપોર બાદ ઓફિસ રાબેતા મુજબ ચાલુ થઈ હતી. સાથે દર માસના પ્રથમ અઠવાડિયાના શક્ય પહેલા શનિવાર યુનિયન અગ્રણી સાથે મિટિંગ કરવામાં આવશે. એક નોડલ ઓફિસરની નિમણુક કરી કર્મચારીના પ્રશ્નો બાબતે સત્વરે નિરાકરણ લાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.