Abtak Media Google News

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વરસાદનો સંભવત: અંતિમ રાઉન્ડ

સુરત અને ઉમરપાડામાં અઢી ઈંચ ખાબકયો

સાવરકુંડલામાં સવા, રાજુલામાં એક અને લીલીયામાં અડધો ઈંચ વરસાદ

નેઋત્યનું ચોમાસુ હવે ધીમે ધીમે વિદાય લેવા તરફ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વરસાદનો સંભવત: અંતિમ રાઉન્ડ ચાલી રહ્યો છે. ગઈકાલે સુરત, વલસાડ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. સુરતમાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો તાલાલામાં બે ઈંચ અને જૂનાગઢ સિટીમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાના અહેવાલો મળી રહ્યાં છે. આગામી ચાર દિવસ સુધી રાજયમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.

Advertisement

આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૮ જિલ્લાના ૪૬ તાલુકાઓમાં વરસાદ વરસ્યા હોવાના અહેવાલો મળી રહ્યાં છે. સૌથી વધુ વરસાદ સુરત સિટીમાં ૬૧ મીમી અર્થાંત અઢી ઈંચ જેટલો વરસી ગયો છે. સપ્ટેમ્બર માસમાં રાજયમાં સરેરાશ ૨૧.૬૦ મીમી જેટલો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ સોમવારે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં ૩ મીમી, જૂનાગઢ શહેરમાં ૩૯ મીમી, મેંદરડામાં ૨૬ મીમી, ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં ૫ મીમી, તાલાલામાં ૪૩ મીમી, અમરેલી શહેરમાં ૩૬ મીમી, જિલ્લાના બગસરામાં ૪ મીમી, ખાંભામાં ૧૫ મીમી, લાઠીમાં ૮ મીમી, લીલીયામાં ૧૫ મીમી, રાજુલામાં ૨૧ મીમી અને સાવરકુંડલામાં ૩૧ મીમી જેટલો વરસાદ પડયો હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

જયારે ભાવનગર જિલ્લાના મહુવામાં ૪ મીમી, પાલીતાણામાં ૩ મીમી, ઉમરાળામાં ૧૦ મીમી અને વલ્લભીપુરમાં ૩ મીમી વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં ૧૧૧ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે તો સમગ્ર રાજયમાં આજ સુધીમાં ૧૦૫.૬૯ ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરતમાં ૬૧ મીમી, ઉમરપાડામાં ૫૭ મીમી, વાસંદામાં ૪૪ મીમી, સુબીરમાં ૪૨ મીમી, ઓલપાડમાં ૨૯ મીમી, કપરાડામાં ૨૩ મીમી, કામરેજમાં ૨૨ મીમી, ડાંગમાં ૧૭ મીમી વરસાદ પડયો છે. વડીયાના ઢુઢીયામાં વિજળી પડતા એક વ્યક્તિનું મોત નિપજયુ છે જયારે ધારીમાં ઘાસના ગોડાઉનમાં વિજળી ખાબકતા ઘાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.