Abtak Media Google News

લોકસભાની ચુંટણીની આચારસંહિતાની કડક અમલવારી: મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસક નેતા, વિપક્ષી નેતા અને ફાયર બ્રિગેડ ચેરમેનની ગાડીઓ જમા લેવાઈ: ચારેય વિધાનસભા વિસ્તારમાં ટીમો દ્વારા બેનરઝંડીઓ ઉતારવાની કામગીરી

૧૭મી લોકસભાની ચુંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રવિવારે સાંજથી દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જેની મહાપાલિકા દ્વારા કડક અમલવારી શ‚ કરી દેવામાં આવી છે. આચારસંહિતાના પગલે આજે મેયર સહિતના તમામ પદાધિકારીઓએ પોતાને મળેલી સરકારી ગાડીઓ જમા કરાવી દીધી હતી. આ ઉપરાંત શહેરમાં ચારેય વિધાનસભા વિસ્તારમાં રાજમાર્ગો પર લાગેલી રાજકીય પક્ષોના બેનરો, સ્લોગનો અને ઝંડીઓ હટાવી દેવામાં આવી હતી.

Advertisement

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ લોકસભાની ચુંટણીની આચારસંહિતા અમલમાં આવતાની સાથે જ મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા, ફાયર બ્રિગેડ સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ અને મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે પોતાને હોદાની રૂએ ફાળવવામાં આવેલી સરકારી મોટરકાર જમા કરાવી દીધી હતી. હવે જયારે ચુંટણીની આચારસંહિતા ઉઠશે ત્યારે ફરી પદાધિકારીઓને સરકારી ગાડીઓની ફાળવણી કરી દેવામાં આવશે.

મહાપાલિકા દ્વારા અલગ-અલગ ૮ ટીમો બનાવી ગઈકાલ સાંજથી જ શહેરની ચારેય વિધાનસભા બેઠકના મુખ્ય રાજમાર્ગો પર લગાવવામાં આવેલા રાજકીય પક્ષોના સ્લોગન, પોસ્ટરો અને ઝંડીઓ ઉતારી લેવામાં આવી હતી. રાજમાર્ગો પરથી ૩૪ સ્લોગન, ૮૨ બેનરો અને ૩૪૩ ઝંડીઓ સહિત કુલ ૪૫૯ વસ્તુઓ દુર કરવામાં આવી હતી. બપોર બાદ પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.