Abtak Media Google News
  • એજ્યુકેશન લોનના ડિસ્બર્ઝલમાં ત્રીજા ક્વાર્ટરમાં 110 ટકાનો વધારો થયો

ગુજરાતમાંથી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા સ્ટુડન્ટની સંખ્યા સતત વધતી જાય છે. વિદેશમાં ભણવા માટે બહુ મોટો ખર્ચ આવતો હોવાથી લોકો મોટા ભાગે એજ્યુકેશન લોન પર આધાર રાખે છે. ગુજરાતની બેન્કોએ આપેલા આંકડા પ્રમાણે ત્રીજા ક્વાર્ટરમાં ગુજરાતમાં એજ્યુકેશન લોનનું પ્રમાણ લગભગ ડબલ કરતા પણ વધી ગયું હતું. ગુજરાતના વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય ત્યારે મોટા ભાગે અમેરિકા અને કેનેડાને સૌથી વધારે પસંદ કરે છે. આ ઉપરાંત ન્યૂઝિલેન્ડ, યુકે, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા માટે પણ સારી એવી ડિમાન્ડ છે.

સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી, ગુજરાતના આંકડા પ્રમાણે વિદેશમાં એજ્યુકેશન માટે થયેલી અરજીઓમાં 95 ટકાનો વધારો આવ્યો છે. આ ઉપરાંત એજ્યુકેશન લોનના ડિસ્બર્ઝલમાં ત્રીજા ક્વાર્ટરમાં 110 ટકાનો વધારો થયો છે. વિદેશમાં ભણવા જતા સ્ટુડન્ટ માટે અગાઉ કરતા સ્થિતિ થોડી વધુ સરળ છે. ફોરેન એજ્યુકેશન માટે નવા વિકલ્પો ખુલ્યા હોવાથી વિઝાનું પ્રોસેસિંગ ઝડપથી થાય છે. આ ઉપરાંત વિદેશમાં વધુને વધુ યુનિવર્સિટીઓ ભારતીય વિદ્યાર્થીઓને આવકારવા માટે તૈયાર છે. તેવી જ રીતે વિદેશમાં ગ્રેજ્યુએશન કર્યા પછી કામ મળવાની તક પણ વધી જાય છે.

બેન્કિંગ અધિકારીઓએ કહ્યું કે ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે વધુને વધુ સ્ટુડન્ટ ફોરેન જવા માગતા હોવાથી લોનના ડિસ્બર્ઝલમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે બેન્કો પણ હવે પોતાની એજ્યુકેશન લોનનું સારી રીતે માર્કેટિંગ કરી રહી છે જેથી લોન પ્રોડક્ટનું સારું એવું વેચાણ થાય છે.અમેરિકા, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા પહેલેથી ભારતીયો માટે મનપસંદ દેશોમાં સામેલ હતા. હવે હાયર એજ્યુકેશન માટે સિંગાપોર, જર્મની, ન્યૂઝિલેન્ડ અને નેધરલેન્ડ્સનો પણ ઉમેરો થયો છે. અગાઉ મોટા ભાગે મેડિસિન અથવા એન્જિનિયરિંગના કોર્સમાં સ્ટુડન્ટને રસ હતો. હવે તેઓ સાયકોલોજી, હ્યુમેનિટિઝ, માસ કોમ્યુનિકેશન અને પબ્લિક પોલિસી ભણવા માટે પણ વિદેશી યુનિવર્સિટીમાં જવાનું પસંદ કરે છે.

લોન તરીકે મંજૂર કરાયેલી રકમ પણ 283 કરોડથી વધીને 595 કરોડ થઈ

ગુજરાતમાં ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 સુધી ત્રણ મહિનામાં 6505 સ્ટુડન્ટે વિદેશમાં ભણવા માટે એજ્યુકેશન લોનની અરજી કરી હતી. વર્ષ 2022માં આ ત્રણ ગાળામાં ગુજરાતમાં 3330 લોકોએ અરજી કરી હતી. એટલે કે એક વર્ષમાં જ એજ્યુકેશન લોન માટેની અરજીઓ લગભગ બમણી થઈ ગઈ છે. લોન તરીકે મંજૂર કરાયેલી રકમ પણ 283 કરોડથી વધીને 595 કરોડ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.