Abtak Media Google News

કહેવાતા જીવદયાપ્રેમી મુકેશ પટેલ અને અલ્તાફ ચીચોદરાનું ગૌશાળાના માંડવા બંધ કરાવવાનું શર્મનાક આવેદન: સ્ટેન્ડિંગ ચેરમેન લાલઘુમ

મકરસક્રાંતિના તહેવારમાં ફાળો એકત્ર કરવા માટે ગૌશાળાઓ દ્વારા શહેરના રાજમાર્ગો પર માંડવા નાખવામાં આવ્યા છે ત્યારે આ માંડવા કાઢી નાખવા અને મંજુરી વગર માંડવા ખડકી દેનાર સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે કહેવાતા જીવદયાપ્રેમી મુકેશ પટેલ અને અલ્તાફ ચીચોદરાએ આજે મ્યુનિસિપલ કમિશનરને શર્મનાક આવેદનપત્ર પાઠવ્યું હતું.

જેનાથી શહેરભરમાં ફિટકાર વરસી રહ્યો છે. આ આવેદનથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ લાલઘુમ થઈ ગયા છે. તેઓએ કડક ભાષામાં એસ્ટેટ ઓફિસર અને ડીએમસીને એવા આદેશો આપી દીધા છે કે ગૌશાળાના સંચાલકોને કોઈપણ પ્રકારનું કનડગત મહાપાલિકા થવી જોઈએ નહીં.

શહેરના અલગ-અલગ રાજમાર્ગો પર ગૌશાળાઓ દ્વારા મકરસક્રાંતિના ફાળા એકત્ર કરવા માટે લગાવવામાં આવેલા મંડપ નથી ટ્રાફિકને અડચણરૂપ થતો કે નથી રોડ-રસ્તાને કોઈ નુકસાની થતી છતાં કહેવાતા જીવદયાપ્રેમી મુકેશ પટેલ અને અલ્તાફ ચીચોદરાએ આજે મ્યુનિ.કમિશનરને લોહીયાળ આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ગૌશાળાઓ કોની મંજુરીથી માંડવા નાખ્યા છે અને ફાળો ઉઘરાવે છે તેવા સવાલો કર્યા હતા. આવા આવેદનથી શહેરભરમાં તેઓની સામે ફિટકાર વરસી રહ્યો છે.

દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે આ આવેદનના પ્રતિઉતરમાં જણાવ્યું હતું કે, મકરસક્રાંતિમાં દાનનો મહિમા રહેલો છે. રાજકોટમાં અનેક ગૌશાળાઓ જે સેવાકીય પ્રવૃતિ કરે છે અને દર વર્ષે રાજમાર્ગો પર માંડવા નાખી ફાળો એકત્ર કરે છે તેનાથી ટ્રાફિકને પણ કોઈ અડચણ થતી નથી અને રાજમાર્ગોને પણ નુકસાન થતું નથી.

ત્યારે આવી ગૌશાળાઓનો વિરોધ કરવો વ્યાજબી નથી. તેઓએ આજે સવારે એસ્ટેટ ઓફિસર બી.બી.જાડેજાને ટેલીફોન પર એવી સ્પષ્ટ સુચના આપી દીધી હતી કે ગૌશાળાના માંડવા અંગે કોઈપણ પ્રકારની રજુઆત આવે તો તેને ધ્યાનમાં લેવાની નથી અને મહાપાલિકા દ્વારા ગૌશાળાના સંચાલકોને કોઈપણ પ્રકારની હેરાનગતિ થવી જોઈએ નહીં. આ અંગે તેઓએ સેન્ટ્રલ ઝોન કચેરીના ડીએમસીને પણ સુચના આપી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.