Abtak Media Google News

શ્રીમદ્ ભાગવત કથા-દશમ સ્ક્રંધ બાલલીલામાં આજે ગૌચારણલીલા મનોરથ દર્શનનો લ્હાવો મળશે

રાજકોટ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી ચોકડી સામે આવેલ શિવ પાર્કના મેદાનમાં શ્રી દ્વારકેશ ભવન હવેલીના સેવા ઉપક્રમે યોજાયેલ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠેથી સંપ્રદાયના સુપ્રસિઘ્ધ કથાકાર શાસ્ત્રી સતિષકુમાર શર્મા દરરોજ બપોરે ૩ થી સાંજના ૭ સુધી પુષ્ટિ પરિભાષામાં ભાગવતના ૧૦માં સ્કંધની કૃષ્ણની બાલલીલાઓનું રસપાન કરાવે છે. શહેરના સેંકડો વૈષ્ણવો, ભાવિકો દુર દુરના વિસ્તારોમાંથી પધારીને દિવ્ય કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે.

ગઈકાલ કથાના ચતુર્થદિને કથા શ્રવણ માટે પધારેલા વૈષ્ણવ શ્રેષ્ઠી અને સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા પૂ.પા.ગો.૧૦૮ પ્રબોધકુમારજી મહારાજ સ્વ.કરકમળોથી સાલ ઓઢાડીને સ્નેહભર્યા આવકાર સાથે સન્માન કર્યું હતું. કથાવિરામ બાદ સાંજે શ્રી દ્વારકેશ ભવન હવેલીમાં છાકલીલા મનોરથ દર્શનમાં વૈષ્ણવો વિશાળ સંખ્યામાં ઉમટી પડયા હતા. આજે ગુરુવારે સાંજે કથા વિરામ બાદ ગૌચારણ લીલા મનોરથના દિવ્ય દર્શનનો ભાવિકોને લાભ મળશે.

ગઈકાલે કથાના ચતુર્થદિને વ્યાસપીઠેથી ૧૦માં સ્કંધમાં ભગવાન કૃષ્ણની ભાવલીલાઓ, રહસ્યલીલાઓનું આઘ્યાત્મિક દર્શન કરાવતા શાસ્ત્રીજીએ કહ્યું કે, જેનું મન અપવિત્ર હોય તેને ભગવાન દર્શન દેતા નથી. યૂતના જયારે કનૈયા પાસે આવી ત્યારે તેમણે આંખો બંધ કરી દીધી…એ જ પ્રમાણે તૃણાવર્તનો શ્રી કૃષ્ણએ કરેલ વધ પણ રહસ્યમય છે. તૃણાવર્ત‚પી વંટોળિયો આવવાથી મનની ચંચળતા વધે છે. તૃણાવર્તએ હજોગુણનું પ્રતિક છે. તેને બે પુત્રો કામ અને બીજો ક્રોધ છે. જીવ જયારે સંસારનું સૌંદર્ય નિહાળવામાં રત બને એટલે આંખમાં તૃણાવર્ત છે એમ માનવું.

ગઈકાલે કથાપ્રવાહ દરમ્યાન વ્યાસપીઠેથી કેટલાક પ્રેરક વિધાનો શ્રોતાઓ સમક્ષ રજુ થયા છે. જે સમજી શકાય એવી સરળ ભાષામાં અત્રે રજુ કર્યા છે. જીવનમાં હંમેશા ઈશ્વર સાથે આસ્થાનું અનુસંધાન રાખો, શ્રીકૃષ્ણ શરણમ્ મમ કુળદાયી મંત્ર છે. માનવજીવને દુ:ખની દોરીથી બાંધી લેનારા મુખ્ય ત્રણ હિતશત્રુઓ છે. શોક, ભય અને મોહ, જયાં શબ્દની સીમા પુરી થાય છે ત્યાંથી ભાવતી સીમા શરૂ થાય છે. ભકતને નિર્ણય કરે એ ભગવાન, મહાપ્રભુજીએ ભગવાનને જોવાતી નવી દ્રષ્ટિ આપી છે, વૈષ્ણવ દેહ સેવામાં ઘસાય છે ત્યારે જ વૈષ્ણવતા પ્રગટે છે. આસહિત છે ત્યાં આવિષ્કાર નથી. ભગવત સેવાથી વધીને ભવસાગરને કિનારે પહોંચાડનારી બીજી કોઈ માર્ગદર્શક દીવાદાંડી નથી. બીજાને આનંદ આપે તે નંદ અને યશ આપે તે યશોદા હોય છે, ભ્રમ અને માન્યતાના વાદળોને દુર કરીને ભાગવત સત્યના સુરજને બહાર લાવે છે. ભાગવત અઘ્યાત્મ દીવો છે જે માનવીના અજ્ઞાનના અંધકારને નિવૃત કરે છે. ભાગવતમાં સંકિર્ણતા નથી. વિચારોનું ઉંડાણ અને ભાવનાઓનું માધુર્ય છે અને ચરિત્રોના આચરણની ઉંચાઈ છે. શ્રી કૃષ્ણ કલ્પવૃક્ષ છે તેની નીચે બેસનારની સર્વ મનોકામના પુરી થાય છે.

રાજકોટને પ્રાપ્ત થયેલ આ ભાગ્યાધિન આયોજનમાં સહકારી અગ્રણી વિઠ્ઠલભાઈ રાદડીયા પરીવાર, ગોવિંદભાઈ રાણપરીયા, એપલ બેસનવાળા સુખાભાઈ કોટડીયા, કાંતિભાઈ સુદાણી, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, ચીમનભાઈ લોઢીયા, હસુભાઈ ડેલાવાળા વગેરે વૈષ્ણવ મહાનુભાવો વિવિધ સેવા સ્વરૂપે સહયોગ આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.