Abtak Media Google News

ટિકિટ ચેકિંગ સ્ટાફની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે રેલવેએ ૧ કરોડ ૨૧ લાખનો દંડ વસુલ્યો

રાજકોટ રેલ મંડળના અપર મંડલ રેલ પ્રબંધક એસ. એસ. યાદવ દ્વારા વાણિજય વિભાગના રેલ કર્મીઓને ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા. પ્રશાસન તરફથી ટિકિટ ચેકિંગ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી દર મહિને સારી કામગીરી કરનાર ટિકિટ ચેકરોનો સન્માનિત કરવાની પરંપરા છે.

રાજકોટ મંડળ રેલ પ્રબંધક પી.બી.નિનાવે દ્વારા જણાવાયું કે, “તાજેતરમાં ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા કરાયેલા ઉત્કૃષ્ટ કાર્યને કારણે રાજકોટ રેલ મંડળને નવેમ્બર ૨૦૧૮માં ટિકિટ વગરના કે અનિયમિત ટિકિટના કુલ ૧૭૮૬૫ મામલામાંથી ૧ કરોડ ૨૧ લાખ રૂપીયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. જેમાં ટિકિટ વગરના ૭૧૫૨ કેસમાં લગભગ ૬૮ લાખ રૂપિયા ઉચ્ચ કલાસમાં યાત્રા કરવાના ૧૦૨૯૬ કેસમાંથી લગભગ ૫૩ લાખ રૂપિયા અને લગેજ ટિકિટના ૪૨ કેસમાંથી ૧૮૨૬૫ રૂપિયાનો દંડ વસુલી રાજસ્વ પ્રાપ્ત થયો હતો.

આ શાનદાર પ્રદર્શન માટે મુખ્ય ટિકિટ નિરીક્ષક કે.સી.ગુર્જર તેમજ સ્ટાફને પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો. સાથે જ નવેમ્બરમાં બેસ્ટ પરફોર્મર ટિકિટ ચેકરના સન્માનથી એચ. જે. ભટ, બી. બી. બુદેલા, એસ. એમ. માશર, એમ. એ. સોલંકી, નીતાબા જાડેજા, કે. એન. જોબનપુત્રા, આર. જે.  મીના તથા કિરણ ઓઝાને સન્માનીત કરાયા.

આ ઉપરાંત ડીઆરએમ રાજકોટના ટવીટર એકાઉન્ટ પર આવેલ મુસાફરોની ફરિયાદને તુરંત હાથ પર લેવા બદલ ટિકિટ નિરીક્ષક જી.એચ.તેરઈયા તથા કંટ્રોલ ઓફિસમાં કાર્યરત વાણિજય વિભાગના પર્યવેક્ષક એચ. કે. ગોસાઈને પણ પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા. આ દરમિયાન રાજકોટ મંડળના વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવ તથા અસલમ શેખ ઉપસ્થિત રહ્યાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.