Abtak Media Google News

લાલકૃષ્ણ અડવાણી અનિચ્છા દર્શાવશે તો ગાંધીનગર લોકસભા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અથવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મેદાનમાં ઉતારવાની વ્યુહ રચના

લોકસભાની ચુંટણીમાં ગુજરાતની ૨૬ બેઠકો માટે મુરતીયા પસંદ કરવા ભાજપ દ્વારા છેલ્લા બે દિવસથી અલગ-અલગ લોકસભા ક્ષેત્રમાં જઈ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વારાણસી બેઠક સાથે ગુજરાતની કોઈપણ એક બેઠક પરથી લોકસભાની ચુંટણી લડે તે વાત લગભગ ફાઈનલ માનવામાં આવી રહી છે ત્યારે આજે એવી વાત વહેતી થઈ છે કે નરેન્દ્ર મોદી વડોદરા લોકસભા બેઠક પરથી ચુંટણી જંગમાં ઝંપલાવશે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચુંટણી મેદાનમાં ઉતરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉતરપ્રદેશની વારાણસી બેઠક સાથે ગુજરાતની વડોદરા લોકસભા બેઠક એમ બે બેઠકો પરથી ચુંટણી લડયા હતા અને બંને બેઠકો પરથી તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા હતા જોકે પાછળથી તેઓએ વડોદરા સીટ ખાલી કરી આપી હતી. આ વખતે પણ નરેન્દ્રભાઈ મોદી વારાણસી ઉપરાંત ગુજરાતની કોઈ એક બેઠક પરથી ચુંટણી લડી તેવું મનાઈ રહ્યું છે. વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપનું ભારે ધોવાણ થઈ ગયું હતું.

લોકસભાની ચુંટણીમાં સૌરાષ્ટ્રમાં ફરી ભાજપ તરફી માહોલ બનાવવા માટે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ બેઠક પરથી વડાપ્રધાન લોકસભાની ચુંટણી લડે તેવું મનાઈ રહ્યું છે ત્યારે આજે સવારે વડોદરા લોકસભા બેઠકના નિરીક્ષકોએ એવું નિવેદન આપ્યું હતું કે, બની શકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ વખતે પણ વડોદરા બેઠક પરથી લોકસભાની ચુંટણી લડી શકે.

બીજી તરફ રાજયના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હાલ મધ્યપ્રદેશના ગર્વનર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓને પણ લોકસભાની ચુંટણીના મેદાનમાં ઉતારવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે. વર્ષોથી ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચુંટણી લડતા અને સતત વિજેતા બનતા પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી આ વખતે લોકસભાની ચુંટણી લડવા માટે ઈચ્છુક નથી.

જો તેઓ ચુંટણી લડવા માટે અનિચ્છા વ્યકત કરશે તો ગાંધીનગર બેઠક પરથી ભાજપ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અથવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહને ચુંટણી જંગમાં ઉતારી શકે છે. હાલ તમામ વાતો જો અને તોના સમીકરણો વચ્ચે ચાલી રહી છે જોકે એક વાત ફાઈનલ માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની કોઈપણ એક લોકસભા બેઠક પરથી ચુંટણી લડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.