Abtak Media Google News

ખેડુતોએ બસ સ્ટેન્ડ પાસે વાહનો રોકી કર્યું ચકકાજામ: ડેમ સાઈટ પર એકઠા થયા જગતાત

રાજુલા નજીક ધારેશ્વર પાસે આવેલ ડેમની સિંચાઈ યોજના હેઠળ આવેલા ૧૩ ગામના ખેડુતો દ્વારા ૮ પાણના પૈસા ભરેલ હોવા છતાં ૩ પાણ જ હજુ સુધી છોડવામાં આવેલ છે અને હાલમાં ડેમમાં ૧૨૫ એમસીએફટી પાણી છે. જેમાં ૭૦ એમસીએફટી પાણી રીર્ઝવ રાખવાનું છે ત્યારે બાકીનું ૫૫ એમસીએફટી પાણી ખેડુતોને એક પાણ માટે છોડવાની માંગણી કરેલ હતી.

જે અંગેની લેખિત મૌખિક રજુઆતો પણ કરેલ હતી અને પાણી છોડવાની માંગ કરેલ હતી અને જો બપોર સુધીમાં પાણી નહીં છોડવામાં આવે તો આ સિંચાઈ યોજના હેઠળના ૧૩ ગામોના ખેડુતો જાતે જ પાણી છોડીને સવિનય કાનુન ભંગ કરશે અને આ ૧૩ ગામના ખેડુતોની સાથે અંબરીશભાઈ ડેર ધારાસભ્ય પણ આગેવાની લઈને સવિનય કાનુન ભંગ કરશે.

આ ચીમકીના અનુસંધાને સરકાર અને ઈરીગેશન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહ નહીં કરવામાં આવતા ખેડુતો દ્વારા પોતાના જીવથી પણ વધારે વ્હાલો પાક બચાવવા માટે ૧૩ ગામના ખેડુતો દ્વારા બપોર બાદ ખેડુતો દ્વારા બસ સ્ટેન્ડ પાસે વાહનો રોકીને ચકકાજામ કરીને નાયબ કલેકટરને રજુઆત કરેલ બાદમાં સૌ ખેડુતો ડેમસાઈટ પર એકઠા થયા હતા.આ તમામ ખેડુતો સાથે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર પણ સામેલ થયેલ ત્યારે આ બનાવ સંબંધે અગાઉથી જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયેલ અને ખેડુતોને સમજાવટપૂર્વક આ ડેમમાંથી દરવાજા ખોલીને પાણી નહીં છોડવા જણાવવામાં આવેલ હતું.

ત્યારે ખેડુતો દ્વારા પોતાના પાકને બચાવવા ગમે તે કરવા જણાવતા અંતે ડીવાયએસપી ચૌધરી દ્વારા ધારાસભ્ય અને ખેડુતોને સમજાવતા અને ઈરીગેશન વિભાગ અને જવાબદાર અધિકારીઓ દ્વારા જે આઠ પાણના પૈસા લઈ લીધા હોય તેની સામે એફ.આઈ.આર કરવામાં આવે તથા ૧૨૫ એમસીએફટી માંથી ૭૦ એમસીએફટી પાણી રીર્ઝવ રાખીને ૫૫ એમસીએફટી પાણી છોડવાની માંગ થઈ હતી.

જે અંગે ડીવાયએસપી દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરીને દિન-૪માં આ અંગેનો યોગ્ય નિર્ણય કરવામાં આવશે તેવી ખાતરી આપતા ખેડુતો દ્વારા આ અંગે ૪ દિવસ રાહ જોવાનું અને જે લોકો કસુરવાર છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને હાલ તુરંત આ આંદોલન ચાર દિવસ માટે સ્થગિત કરવામાં આવેલ છે અને બાદમાં ધારાસભ્ય દ્વારા ઈરીગેશન વિભાગનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ તેના દ્વારા સરકારમાંથી કહેવામાં આવશે તો જ પાણી છોડવામાં આવશે. આમ જો ચાર દિવસ બાદ પણ પાણી નહીં છોડવામાં આવે તો ખેડુતોની માંગ મુજબ ૮ પાણના પૈસા લેતા અધિકારીઓ સામે કાયદેસરની એફઆઈઆર સહિતની કાર્યવાહી કરવામાં આવે જેથી આવનારા સમયમાં આવું ન બને.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.