Abtak Media Google News

આ વર્ષે એક પણ કેટેગરીમાં ભારતીય ફિલ્મની પસંદગી ન થઈ: એશ્વર્યા રાય, દિપીકા પાદુકોણ, સોનમ કપુર, કંગના રનૌત અને હુમા કુરેશી ફેશન બ્રાન્ડસનું કરશે પ્રમોશન: ટીવી એકટ્રેસ હિના ખાન રેડ કાર્પેટ પર કરશે ડેબ્યુ

૧૯૪૬થી શરૂ થયેલા કાન ફિલ્મ ફેસ્ટિવલને આ વર્ષે ૭૨ વર્ષ પૂરાં થયાં છે. આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલ આજથી શરૂ થઈને ૨૫ મે સુધી ચાલશે. જેમાં વિશ્વભરની ૨૧ ફિલ્મ્સ વચ્ચે સ્પર્ધા જામશે. વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મ્સ તથા સ્ટાર્સના જમાવડાની વચ્ચે બોલિવૂડ સેલેબ્સની સાથે ફિલ્મ્સની દાવેદારી પણ દર વર્ષે વધતી જતી હોય છે. જોકે, નવ વર્ષમાં પહેલી જ વાર એક પણ ભારતીય ફિલ્મ કાન ફિલ્મ ફેસ્ટિવલની એક પણ કેટેગરી માટે પસંદ થઈ નથી.

ઈન્ડિયન પેવેલિયન સિવાય આ વખતે અનેક બોલિવૂડ એક્ટ્રેસ ફેશન બ્રાન્ડ્સના પ્રમોશન માટે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે. જેમાં ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, કંગના રનૌત, હુમા કુરૈશીનો સમાવેશ થાય છે. તો ટીવી એક્ટ્રેસ હિના ખાન રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરવાની છે. દીપિકા ૧૬ મે, ઐશ્વર્યા રાય ૧૯ મેએ આવે તેવી શક્યતા છે. સોનમ કપૂર ૨૦-૨૧ મેએ આવશે. તો હુમા પણ ૧૯-૨૦ મેએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે.

કાન ફિલ્મ ફેસ્ટિવલની ‘પામ ડી ઓર’, ‘અન સર્ટેન રિગાર્ડ’, ‘કેમરા ડી ઓર’, ‘શોર્ટ ફિલ્મ’ જેવી કેટેગરીમાં એક પણ ભારતીય ફિલ્મને સ્થાન મળ્યું નથી. ૯ વર્ષમાં આ પહેલી વાર બન્યું છે કે રેડ કાર્પેટ પર બોલિવૂડ સેલેબ્સ તો હશે પણ સ્પર્ધામાં ભારતીય ફિલ્મ જ નહીં હોય.

જોકે, સત્યજીત રેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ કોલકાતાના ત્રણ પૂર્વ વિદ્યાર્થીઓની શોર્ટ ફિલ્મ, ઈન્ડિયન અમેરિકન શેફ વિકાસ ખન્નાની ફિલ્મ ‘ધ લાસ્ટ કલર’ ભારતની હાજરી જાળવી રાખશે. નાગપુરી ફિલ્મ ‘ફુલમનિયા’ તથા ‘લોહરદગા’નું સ્ક્રીનિંગ ૧૫ મેના રોજ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાશે.

આજે  ફેસ્ટિવલની શરૂઆત અમેરિકન ઝોમ્બી કોમેડી ફિલ્મ ‘ધ ડેટ ડોન્ટ ડાય’થી થશે. આ ફિલ્મના ડિરેક્ટર જીમ જાર્મુશ છે. અંતિમ દિવસે એટલે કે ૨૫ મેના રોજ ફ્રેંચ કોમેડી ફિલ્મ ‘ધ સ્પેશિયલ’નું પ્રીમિયર યોજાશે. આ ફિલ્મનું ડિરેક્શન ઓલિવિયર નકેશે તથા એરિક ટોલેડાનોએ કર્યું છે. આ વખતે ફેસ્ટિવલમાં ૨૧ ફિલ્મ્સ વચ્ચે સ્પર્ધા યોજાશે. જેમાં ૧૮ ફિલ્મ ‘અનસર્ટેન રિગાર્ડ’ કેટેગરીમાં તથા ૧૪ શોર્ટ ફિલ્મ્સનો સમાવેશ થાય છે.

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ વર્ષના ઓફિશિયલ એવોર્ડ્સ પણ ખાસ છે. ‘પામ ડી ઓર એવોર્ડ’ ફ્રેંચ એક્ટર એલન ડેલનને આપવામાં આવશે. સ્વતંત્ર એવોર્ડ કેટેગરીનો ‘ડિરેક્ટર્સ ફોર્ટનાઈટ એવોર્ડ’ અમેરિકન ફિલ્મમેકર જ્હોન કાર્પેન્ટરને આપવામાં આવશે. તો ‘પિયરે એન્ઝેનેક્સ એક્સલન્સ ઈન સિનેમેટોગ્રાફી’ના એવોર્ડ માટે ફ્રેન્ચ સિનેમેટોગ્રાફર બ્રૂનો ડેલબોનલની પસંદગી કરવામાં આવી છે.

સેલિબ્રિટી શેફથી ફિલ્મમેકર બનેલા ભારતીય મૂળના વિકાસ ખન્ના પણ કાન ફિલ્મ ફેસ્ટિવલના પહેલાં દિવસે રેડ કાર્પેટ પર જોવા મળશે. વિકાસ ૨૦૧૫થી સતત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લે છે. તે ઓસ્કર વિનર જૂલિયન મૂરની સાથે ‘લાઈફ થ્રૂ અ ડિફરન્ટ લેન્સ’ વિષય પર માસ્ટર ક્લાસ લેશે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં વિકાસની ડિરેક્ટર તરીકે ડેબ્યૂ ફિલ્મ ‘ધ લાસ્ટ કલર’નું સ્ક્રીનિંગ યોજાશે. જે ૧૬મેના રોજ ’મર્ચે ડૂ ફિલ્મ સેક્શન’માં થશે.

કાન ફેસ્ટિવલમાં ભાગ લેનારી ભારતીય ફિલ્મો 

૨૦૧૦ – ઉડાન (અન સર્ટેન રિગાર્ડ કેટેગરી)

૨૦૧૧ – ધ ગ્રેટેસ્ટ લવ સ્ટોરી એવર ટોલ્ડ

૨૦૧૨ – મિસ લવલી (અન સર્ટેન રિગાર્ડ કેટેગરી)

૨૦૧૩ – મોનસૂન શૂટઆઉટ (આઉટ ઓફ કોમ્પિટિશનમાં)

૨૦૧૩ – બોમ્બે ટોકિઝ (સ્પેશિયલ સ્ક્રીનિંગ)

૨૦૧૪ – તિતલી (અન સર્ટેન રિગાર્ડ કેટેગરી)

૨૦૧૫ – મસાન અને ચૌથી કૂટ (અન સર્ટેન રિગાર્ડ કેટેગરી)

૨૦૧૬ – ગૂઢ (સિને ફાઉન્ડેશન)

૨૦૧૭ – આફ્ટરનૂન ક્લાઉડ્સ (સિને ફાઉન્ડેશન)

૨૦૧૮ – મંટો (અન સર્ટેન રિગાર્ડ કેટેગરી)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.