Abtak Media Google News

વેનપુર, હેનીકેર લાઝર, બાવરીયા અને એડીલેમેસ્ટર નોન આલ્કોહોલીક બિયરનાં નમુના ફેઈલ

શહેરમાં નોન આલ્કોહોલીકનાં નામે વેચાતા બિયરમાં આલ્કોહોલની હાજરી મળી આવતાં પરિક્ષણમાં નમુનાં નાપાસ થયાનું જાહેર કરવામાં આવ્યું છે. શ્રાવણ માસમાં જન આરોગ્યનાં હિતાર્થે આરોગ્ય શાખા દ્વારા અલગ-અલગ જગ્યાએથી ૭ ખાદ્ય સામગ્રીનાં નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આરોગ્ય શાખા દ્વારા તાજેતરમાં શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાંથી  નોનઆલ્કોહોલીકનાં નમુના લેવામાં આવ્યા હતા જે પૈકી ૪ નમુના પરીક્ષણમાં નાપાસ જાહેર થયા છે. વાણીયાવાડી મેઈન રોડ શિવશકિત ટ્રેડર્સમાંથી લેવાયેલ વેમપુર બિયરમાં આલ્કોહોલની હાજરી મળી આવી હતી. આ ઉપરાંત એફએસએસઆઈનો લોગો ન હતો અને ઈન્પોર્ટરનું નામ કે સરનામું ન હોવાથી નમુનો નાપાસ જાહેર થયો છે જયારે હેનીકેર લાઝર બિયરમાં એફએસએસઆઈનો લોગો અને લાયસન્સ દર્શાવેલું ન હતું, ઈન્પોર્ટરનું નામ, તારીખ દર્શાવેલી ન હતી. ૩-વિશ્વાનગર મેઈન રોડ પર ગુરુકૃપા સેલ્સમાંથી બાવરીયા નોન આલ્કોહોલીક મેલ્ટ ડ્રિંકસ અને હેડીલીમેસ્ટર પ્યોર મેલ્ટનાં નમુના, એફએસએસઆઈનાં લોગો કે નામ ન હોવાનાં કારણે પરીક્ષામાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે.

આજે યુનિવર્સિટી રોડ પર શિવશકિત હાઉસીંગ સોસાયટીમાં એક સ્થળેથી કાચો સંભારો, નાનામવા રોડ પર શ્રી બાલાજી ગાંઠીયા એન્ડ ફરસાણમાંથી ગાંઠીયાની લુસ ચટણી, ગુરુકૃપા ભેળ હાઉસમાંથી મીઠી ચટણી, હરી નમકીન એન્ડ સ્વીટસમાંથી પૌવા, નાણાવટી ચોકમાં જૈન ગાંઠીયા જલેબીમાંથી પપૈયાનો સંભારો, ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગબજાર સર્કલ પાસે સ્વાદમ મારવાડી રેસ્ટોરન્ટમાંથી લુઝ રબડી લાડુ, જવાહર ચોકમાં ગેલેકસી સિનેમા પાસે જોકર ગાંઠીયામાંથી લુઝ પપૈયાનાં સોસનો નમુનો લઈ પરીક્ષણમાં મોકલવામાં આવ્યો છે. કાલાવડ રોડ, સદર, નિર્મલા રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડમાં ૩૬ રેકડીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૨૧૧ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો અને નોટીસ ફટકારવામાં આવી છે.

શ્રાવણ માસનાં ચાર સોમવાર અને જન્માષ્ટમીમાં કતલખાના બંધ રાખવા કોર્પોરેશનનું જાહેરનામું

જાહેરનામાનો ભંગ કરનાર સામે બીપીએમસી એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરાશે

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થઈ રહ્યો છે ત્યારે શ્રાવણ માસનાં ચારેય સોમવાર અને જન્માષ્ટમીનાં દિવસે મહાપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારનાં કતલખાના બંધ રાખવા તથા માસ, મટન કે મચ્છીનું વેચાણ કે સ્ટોરેજ કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આજે જાહેરનામું પ્રસિઘ્ધ કર્યુ છે જેમાં શ્રાવણ માસનાં ચાર સોમવાર એટલે કે ૫ ઓગસ્ટ, ૧૨ ઓગસ્ટ, ૧૯ ઓગસ્ટ અને ૨૬ ઓગસ્ટ ઉપરાંત ૨૪મી ઓગસ્ટ એટલે કે જન્માષ્ટમીનાં દિવસે મહાપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારનાં કતલખાના બંધ રાખવા, માસ, મટન, મચ્છીનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે જો કોઈ વ્યકિત જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે બીપીએમસી એકટ ૧૯૪૯ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.