Abtak Media Google News

ભાજપ પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ અને મોરબી જીલ્લાના પ્રદેશ સંરચના અધિકારી પ્રશાંત વાળાનું વાંકાનેર ખાતે કાશ્મીર અને કલમ ૩૭૦ વિષય પર પ્રવચન યોજાયું

ભાજપા પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ અને મોરબી જીલ્લાના પ્રદેશ સંરચના અધિકારી પ્રશાંત વાળાનું વાંકાનેર ખાતે કાશ્મીર અને કલમ ૩૭૦ વિષય પર પ્રવચન યોજાયું હતું. ભાજપાના રાષ્ટ્રીય એકતા અભિયાન અંતર્ગત વાંકાનેર શહેર ભાજપા દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં યુવાનો, મહિલાઓ તથા શહેરનાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રશાંત વાળાએ વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, આઝાદીના ૭૨ વર્ષ બાદ કાશ્મીરના લોકોને સાચી આઝાદી હવે પ્રાપ્ત થઇ છે.કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫એ હટાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સરદાર વલ્લભભાઈ પટેલ, ડો.બાબાસાહેબ આંબેડકર અને ડો.શ્યામાપ્રસાદ મુખરજીનું સપનું પૂર્ણ કર્યું છે.અંગ્રેજોની ભાગલા પાડો ને રાજ કરોની નીતિનું વિષફળ એટલે પાકિસ્તાન અને કોંગ્રેસની અંગ્રેજ માનસિકતા આધારિત નીતિનું વિષફળ એટલે કાશ્મીરનો વિવાદ. વાળાએ જણાવ્યું હતું કે, કાશ્મીર પ્રશ્ન એ નેહરુની અંગ્રેજ માનસિકતા અને શેખ અબ્દુલ્લા પ્રત્યેના રહસ્યમય પ્રેમનું દુષ્પરિણામ છે.સરદાર વલ્લભભાઈ પટેલ,ડો.બાબાસાહેબ આંબેડકર અને ડો.શ્યામાપ્રસાદ મુખરજી કાશ્મીરને ખાસ દરજ્જો મળે તેના સખ્ત વિરોધી હતાં.ડો.આંબેડકરે બંધારણસભાની ડ્રાફ્ટ કમિટીનો રીપોર્ટ જયારે ૨૧ ફેબ્રુઆરી,૧૯૪૮ના દિવસે બંધારણસભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્ર પ્રસાદને સોંપ્યો ત્યારે તેમાં કાશ્મીરને ખાસ દરજ્જો આપવાની કે શેખ અબ્દુલ્લાને કાશ્મીરના વડાપ્રધાન બનાવવાનો કોઈ ઉલ્લેખ નહોતો.કાશ્મીરને ખાસ દરજ્જો આપવા માટે નેહરુ અને શેખ અબ્દુલ્લા વચ્ચે ચર્ચા થઇ,નેહરુ તૈયાર હતા પરંતુ તેમણે અબ્દુલ્લાને કહ્યું કે તમે ડો.આંબેડકરને અને સરદારને મનાવી લો.

શેખ અબ્દુલ્લાએ જયારે આ પ્રસ્તાવ ડો.આંબેડકર સમક્ષ મુક્યો ત્યારે ડો.આંબેડકરે મક્કમતાથી જવાબ આપતા કહ્યું હતું કે, મી.અબ્દુલ્લા,તમે ઈચ્છો છો કે ભારત કાશ્મીરનું રક્ષણ કરે, કાશ્મીરની સીમાઓની સુરક્ષા કરે,કાશ્મીરમાં રોડ-રસ્તા બનાવે.અનાજ પૂરું પાડે અને કાશ્મીરને ભારત સમકક્ષ દરજ્જો મળે પરંતુ તમે નથી ઈચ્છતા કે ભારત અને ભારતના કોઈપણ નાગરિકને કાશ્મીરમાં કોઈ અધિકાર મળે.તમે ઈચ્છોછો કે ભારત સરકારને કાશ્મીરમાં મર્યાદિત સતા મળે.તમારા આ પ્રસ્તાવને માન્ય રાખવો તે દેશ સાથે દગાબાજી ગણાશે અને દેશના લોકોનો વિશ્વાસઘાત થયો ગણાશે.હું ભારતના કાયદામંત્રી તરીકે દેશહિત વિરુદ્ધનું કોઈ પણ કાર્ય કરીશ નહી. આ કાર્યક્રમમાં વાંકાનેર ભાજપા અગ્રણી જીતુભાઈ સોમાણી, શહેર ભાજપા પ્રમુખ દિનુભાઈ વ્યાસ, જીલ્લા મંત્રી શ્રીમતી સંગીતાબેન વોરા,સંગઠન સહ-સંરચના અધિકારી જશુબેન પટેલ,પૂર્વ શહેર પ્રમુખ વિનુભાઈ કટારીયા, શહેર મહામંત્રીઓ, નગરપાલિકાના પદાધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.