Abtak Media Google News

મહિલા દૂધ ઉત્પાદક મંડળીના ચિલિંગ પ્લાન્ટ અને બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરાશે : મુખ્યમંત્રી મહિલા સહકાર સંમેલનને સંબોધશે

આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મોરબીની મુલાકાતે આવવાના છે. તેઓ અહીં . ૧૨ કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન એસપી કચેરીનું લોકાર્પણ તેમજ મહિલા દૂધ ઉત્પાદક મંડળીના ચિલિંગ પ્લાન્ટ અને બિલ્ડીંગનું ખાતમુહૂર્ત પણ કરશે. સાથોસાથ તેઓ મહિલા સહકાર સંમેલનને પણ સંબોધશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે મોરબી પધારવાના છે. તેઓ પરશુરામ પોર્ટરી ગ્રાઉન્ડ ખાતે બનાવેલા હેલિપેડ ઉપર હવાઈ માર્ગેથી સવારે ૯:૪૫ કલાકે આવી પહોંચશે. ત્યાંથી તેઓ નવનિર્મિત એસપી કચેરીએ પહોંચીને ૧૦ કલાકે કચેરીનું લોકાર્પણ કરશે. આ કચેરી રૂ. ૧૨.૭૧ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જેમાં એસપી, ડીવાયએસપી, હેડક્વાર્ટર, ડીવાયએસપી એસસી એસટી સેલ સહિતની ઓફિસો તેમજ પાસપોર્ટ વેરિફિકેશન માટેનો વિભાગ, નાગરિક સુવિધા કેન્દ્ર, વિશ્વાસ પ્રોજેકટ હેઠળનો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ આવેલ છે. ઉલ્લેખનીય છે કે હવે મોરબીમાં એક જ પરિસરમાં કલેક્ટર, ડીડીઓ અને એસપીની કચેરી થઈ જતા અરજદારોને સરકારી કામો માટે ઘણી સરળતા રહેશે.

Untitled 1

એસપી કચેરીના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક મંડળીના ચિલિંગ પ્લાન્ટ અને બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરશે. અહીં રૂ. ૧૦ કરોડના ખર્ચે આ બન્ને કામો કરવામાં આવનાર છે. ત્યારબાદ મુખ્યમંત્રી અહીં આયોજિત મહિલા સહકાર સંમેલનમાં સંબોધન પણ કરવાના છે. બાદમાં ૧૨:૧૫ વાગ્યા આસપાસ મુખ્યમંત્રી મોરબીથી હવાઈ માર્ગે પરત જવા રવાના થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.