Abtak Media Google News

યુવા સંશોધક બાયો સાયન્સ ભવનમાં પીએચ.ડી કરી રહ્યા છે

એન.એમ.પાડલિયા ફાર્મસી કોલેજ, અમદાવાદ ખાતે ત્રણ દિવસીય (૨૯મી પ્લાન્ટ સાયન્સિસ એકેડેમીની સાયન્ટિસ્ટ મીટ) અને (એગ્રોબાયોટેકનોલોજી અને ફાર્માસ્યુટિકલ સાયન્સમાં ડ્રગ ડિસ્કવરી અને ડેવલપમેન્ટ)ની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ મળી હતી. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ સાથે ગ્લોબલ એગ્રોબાયોટેક અને ફાર્મા રિસર્ચ ફાઉન્ડેશન, અમદાવાદ (ગુજરાત) તથા પ્લાન્ટ સાયન્સ એકેડેમી, ભારતનું સંયુકત કોલોબ્રેશન હતું. જેમાં દેશ-વિદેશમાંથી આવેલા સંશોધકો જેવા કે સિંગાપુર, મલેશિયા, ફિલીપાઈન્સ, જર્મની તથા ભારતનાં અન્ય રાજયો જેવા કે પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિસ્સા, કેરાલા, કર્ણાટક, છતીસગઢ, આસામ તથા ઉતરાખંડથી આવેલા સંશોધકોએ પોત-પોતાનું રિસર્ચ વર્ક રજુ કર્યું હતું. જેમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં બાયોસાયન્સ ભવનના પીએચડીનાં યુવા સંશોધક સાવન દોંગાની પસંદગી થઈ હતી અને પોસ્ટર પ્રેઝન્ટેશન એવોર્ડમાં પ્રથમ ક્રમથી નવાજવામાં આવ્યા હતા. જેનો વિષય પર્યાવરણીય પ્રદુષણ અને આબોહવા પરિવર્તન હતો. સાવન દોંગા બાયોસાયન્સ ભવનનાં પ્રોફેસર એસ.વી.ચંદાના માર્ગદર્શન હેઠળ પોતાનું પીએચડી કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નીતિન પેથાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, બાયોસાયન્સ ભવનનાં અધ્યક્ષ પ્રો.એસ.પી.સિંઘ તેમજ તેમના માર્ગદર્શક એસ.વી. ચંદા તથા અન્ય પ્રાઘ્યાપકોએ અભિનંદન પાઠવ્યા હતા. આજના આધુનિક સમયમાં દિવસેને દિવસે બહારના ફાસ્ટ ફુડનો ઉપયોગ વધી રહ્યો છે, જેના પરીણામે આપણે અનેક નવી બિમારીઓને નોતરી છે જેને અનુલક્ષીને સાવન દોંગાએ પોતાનું રિસર્ચ વર્ક રજુ કર્યું હતું.

તેમણે જણાવ્યું છે કે, આપણા રોજિંદા જીવન વ્યવહારમાં રોજબરોજનાં ખોરાકમાં ઉપયોગમાં લેવાતા ફળો તથા શાકભાજી ખુબ જ અગત્યનો આહાર છે, પરંતુ આપણે જે ફળો અને શાકભાજીનો ઉપયોગ કરી બાદમાં તેના છાલ અને ઠળિયા ફેકી દઈયે છીએ તે પણ એટલો જ અગત્યનો ભાગ ભજવે છે. આ છાલ અને ઠળિયાનો જો આપણે પુન:ઉપયોગ કરી તેમાંથી મળતા તત્વોનો જો આયુર્વેદિક રીતે દવા બનાવીને ઉપયોગમાં લેવામાં આવે તો રોજબરોજનાં રસોઈનાં વપરાશ બાદ ફળો અને શાકભાજીનો જે કચરો ઉત્પન્ન થાય છે તેના નિકાલનો પ્રોબ્લેમ પણ દુર થઈ શકે અને તેના દ્વારા થતું પ્રદુષણ પણ અટકાવી શકાય. તેમનું આ રિસર્ચ વેસ્ટમાંથી બેસ્ટ સુત્રને સાર્થક કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.