Abtak Media Google News

‘વહાલુડીના વિવાહ’ પૂર્વે ‘ચાલો ઘરને સ્વર્ગ બનાવીએ’ વિષય પર સેમિનાર યોજાયો: જાણીતા લેખક-વકતા ડો.ભદ્રાયુ વછરાજાની અને ડો.શૈલેષ સગપરીયાએ સુંદર માર્ગદર્શન આપ્યું

દીકરાનું ઘર આયોજિત વહાલુડીનાં વિવાહની મંગળ ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સમાજ માટે હંમેશા કાંઈક નોખું-અનોખું કરવા પ્રયત્નશીલ આ સંસ્થા દ્વારા ૨૨ વહાલી દીકરીઓ અને તેમના પરીવારમાં સુખ અને સંપ કાયમી જળવાઈ રહે તેવા ઉમદા અભિગમ સાથે ‘ચાલો ઘરને સ્વર્ગ બનાવીએ’ એ વિષય પર સૌરાષ્ટ્ર ગુજરાતના જાણીતા લેખક-વકતા ડો.ભદ્રાયુભાઈ વછરાજાની અને ડો.શૈલેષભાઈ સગપરીયા માર્ગદર્શક સેમીનારનું તાજેતરમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિણયનાં ઉંબરે ઉભેલા ૨૨ નવયુવાન દંપતિઓ તથા તેમની માતાઓ સહિત ઉપસ્થિત નિમંત્રિતો અને સંસ્થાનાં મહિલા કમિટિનાં બહેનોને બંને વકતાઓ દ્વારા સંયુકત કુટુંબનાં લાભાલાભની વાર્તાઓ તથા દ્રષ્ટાંતો સાથે સમજ આપી સંસારને સુખમય બનાવવા દિશા સુચનો કર્યા હતા.  આગામી ૨૨ ડિસેમ્બર ૨૨ દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાવવાનો છે ત્યારે આ લગ્નોત્સવનાં માધ્યમથી પ્રભુતામાં પગલા માંડનાર દરેક દીકરી સંસ્થા પાસેથી માત્ર ભૌતિક સ્વરૂપે સોના-ચાંદીના દાગીના કપડા-લતા અને ફર્નિચર સ્વરૂપે ખુબ મોટો કરીયાવર લઈને સાસરે જવાની તો છે જ પરંતુ તેનાથી વિશેષ કાંઈક એવું શીખીને જાય કે જેના માધ્યમથી દીકરીનું ઘર સ્વર્ગ બની રહે. દીકરીનો સાંવેગિક વિકાસ થાય. દીકરીના માધ્યમથી તેના પરીવારનું અને સમાજ તથા રાષ્ટ્રનું ઘડતર થાય તેવો નમ્ર પ્રયાસ ‘દીકરાનું ઘર’ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો.

વહાલી દીકરીઓને સાસરીયામાં વહાલી થવાની ચાવી આપતા ડો.શૈલેષ સગપરીયાએ જણાવ્યું હતું કે, દીકરી જયારે સાસરે જાય છે ત્યારે તેણે અનુકૂળ થતા, સહન કરતા અને જતુ કરતા શીખવું ખુબ જરૂરી છે. કોઈપણ ઘરને સ્વર્ગ બનાવવા માટે આ પાયાની અને પ્રથમ જરૂરીયાત છે. દરેક દીકરી-જમાઈએ ખાસ સમજવું જોઈએ કે લગ્ન એ ઢીંગલા-ઢીંગલીઓનો ખેલ નથી પરંતુ કુદરતે આપેલું એક અમુલ્ય વરદાન છે અને વરદાનનો આદર કરતા શીખવું જોઈએ. દીકરાનું ઘર આયોજિત આ સેમિનારમાં વકતવ્ય આપતા ડો.ભદ્રાયુભાઈ વછરાજાનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દીકરાનું ઘર દ્વારા આ સેમિનારનું આયોજન એ સમાજ માટે અનુકરણીય અને સ્તુત્ય પગલું છે આજે જયારે વર્તમાન સમયમાં કુટુંબો જ તુટતા જાય છે ત્યારે સંયુકત કુટુંબની રાહ બતાડવી એ ખુબ જ ઉમદા કાર્ય છે. ભદ્રાયુભાઈએ દરેક નવદંપતિને ભવિષ્યમાં દુ:ખી ન થવાના પગલા લગ્ન પહેલા લેવાની શીખ આપી હતી અને જણાવ્યું હતું કે, દરેક પત્નીએ તેના પતિને ભરપુર આદર આપવો જોઈએ અને દરેક પતિએ તેની પત્નીને ભરપુર પ્રેમ આપવો જોઈએ. સુખી લગ્નજીવનની શીખ આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, લગ્નનાં ઉંબરે ઉભેલી દીકરીનું બીજી બધી રીતે ઘડતર કરવાની સાથો-સાથ તેનું સાંવેગિક ઘડતર ઘડવાથી તેનો સંસાર સુખી થવાનું પ્રમાણ ખૂબ વધી જાય છે. બેટી બચાવો, બેટી પઢાઓની સાથો-સાથ બેટીનું નિર્માણ કરવું પણ આજે ખુબ જ જરૂરી બની ગયું છે.

આપણો સંસાર આપણે જ ચલાવવાનો છે અને આપણે જાતે જ સુખી થવાનું છે તે જેટલું વહેલું સમજી શકાય તેટલો ફાયદો વધુ થશે. સંતો અને વડીલો માત્ર સંસાર સુખી થવાના આશીર્વાદ આપી શકે છે. સંસારને સુખી કરવાની ચાવી આપણા પોતાની પાસે જ હોય છે. જરૂર માત્ર તેને શોધીને તેનો યોગ્ય તાળામાં ઉપયોગ કરવાની જ છે. તેવી ઉમદા શીખ બંને વકતાઓએ ૨૨ દંપતીઓ તથા તેમના પરિવારજનોને આપી હતી. બે અલગ-અલગ પરિવારોનાં વાતાવરણ એટલે કે માતા-સાસુ, પિતા-સસરા, ભાઈ-દિયર, નણંદ-બહેનના બદલે આપણા સૌ અને આપણે સૌના અભિગમથી જીવન જીવવું જોઈએ તેથી ઉંડાણપૂર્વકની સમજૂતી પણ વકતાઓ દ્વારા આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેરનાં વિવિધ સમાજનાં શ્રેષ્ઠીઓ શિવલાલભાઈ આદ્રોજા, કૃષ્ણકાંતભાઈ ધોળકિયા, જીતુભાઈ અદાણી, મહેશ્ર્વરભાઈ પુજારી, કોંગ્રેસનાં પ્રદેશ અગ્રણી ગાયત્રીબા વાઘેલા, પૂર્વ ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, સોનમ કલોકનાં જયેશભાઈ શાહ, યુવા ઉધોગપતિ ગ્રીનજભાઈ હરીયા ઉપસ્થિત રહ્યા હતા. દીકરાનું ઘર પરિવાર સાથે જોડાયેલા રાજકોટ શહેરનાં બે જાણીતા મહિલા તબીબો ડો.અમીબેન યોગેશભાઈ મહેતા તેમજ ડો.દર્શનાબેન અતુલભાઈ પંડયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.