Abtak Media Google News

વિશ્ર્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું સોશિયલ મીડિયાના માધ્યમથી સંબોધન

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ફેઇસબૂકના માધ્યમથી સંબોધન કરતાં વિશ્વવ્યાપી મહામારી કોરોના-કોવિડ-૧૯ સામે સૌ સાથે મળીને વિજયી થઇશું એવો વિશ્વાસ વ્યકત કર્યો છે. તેમણે વિશ્વભરમાં વસેલા ગુજરાતી ભાઇઓ-બહેનો પરિવારજનોને સંબોધતાં ગુજરાતે આ વાયરસના સંક્રમણ અને વ્યાપને વધતો અટકાવવા કેળવેલી સજ્જતા અને આગોતરા સમયબદ્ધ આયોજનની પણ વિસ્તૃત ભુમિકા આપી હતી.

તેમણે જણાવ્યું કે, આજે આખું વિશ્વ કોરોનાની મહામારીના ઝપેટમાં છે, ત્યારે આપણા સૌ માટે આ એક ચિંતાનો વિષય છે. મને અલગ-અલગ જગ્યાઓથી અને વિવિધ માધ્યમો દ્વારા તમારા સંદેશાઓ મળતા રહે છે. હું તમારી ચિંતાને સમજી શકું છું કેમ કે, લાગણીના તારથી જોડાયેલા સૌ ગુજરાતીઓને એકબીજા માટેની ચિંતા થાય એ પણ સ્વભાવિક છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, ભારતમાં કોરોનાનો પ્રકોપ શરૂ થયો તે પહેલાં દુનિયાના ઘણા દેશોમાં આ પ્રકોપ થઇ ચૂક્યો હતો. આ કેસ સ્ટડીને કારણે જ ભારતે અગમચેતીના ઘણા પગલાઓ હિંમતથી લીધા છે. ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા માટે પ્રખ્યાત એવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતભરમાં લોકડાઉન જાહેર કરી દીધું છે.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આ પ્રકારની પરિસ્થિતિનો અંદાજો ૧૫ માર્ચથી જ ગુજરાતે પબ્લિક અવેરનેસથી શરૂ કરી દીધો હતો. પબ્લિક પ્લેસિસ બંધ કરી દીધા, પબ્લિક ટ્રાન્સપોર્ટને સેનેટાઇઝ કર્યા અને ગુજરાતના ૬ જિલ્લાઓમાં તો લોકડાઉન પણ શરૂ કરી દીધું હતું.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું ત્યારે ગુજરાત વધુ સારી રીતે તૈયાર હતું. ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા અને આરોગ્ય માળખું પહેલેથી મજબૂત છે અને તેને જ કારણે ચીનનો પણ આપણે રેકોર્ડ તોડીને માત્ર ૭ દિવસોમાં ૨૨૦૦ બેડની માત્રને માત્ર કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ તૈયાર કરી શક્યા.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં ૧૦૦-૧૦૦ બેડની એમ લગભગ ૩૦૦૦ બેડની વ્યવસ્થાઓ પણ ઊભી કરી દીધી. આજે ૩૧ ખાનગી હોસ્પિટલો જે વાત્સલ્ય, મા અમૃત્મ જેવી યોજનાઓમાં સરકારની સાથે છે તેમાં પણ ૪૦૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતે લગભગ ૯,૫૦૦થી ૧૦,૦૦૦ જેટલા બેડની આગોતરી વ્યવસ્થા કરી છે. જેમાંથી ૧૦૦૦ બેડ વેન્ટિલેટરથી સજ્જ છે. ગુજરાતમાં ટેસ્ટિંગ, ટ્રિટમેન્ટ, કોરેન્ટાઇન, કલ્સટર કોરેન્ટાઇનની સુવિધાઓ હોવાને કારણે રાજ્યમાં કોરોનાના ફેલાવાને સિમિત રાખવામાં આપણે અંશત સફળ પણ થયા છીએ. અત્યારે ટેસ્ટિંગની સંખ્યામાં ઘરખમ વધારો કર્યો છે અને તેનો લાભ પણ આપણે લઇ રહ્યા છીએ એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, હવે આપણે વેન્ટિલેટર પણ ગુજરાતમાં જ બનાવીએ છીએ. એન-૯૫ માસ્ક, થ્રી-લેયર માસ્ક, પીપીઈ કિટ પણ ગુજરાતમાં બનાવવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતની ફાર્મા કંપનીઓ પણ સમ્રગ વિશ્વમાં કોરોના સામે લડવાની પ્રાથમિક દવાઓ બનાવીને પૂરી પાડી રહી છે. આમ ગુજરાત પોતાનું ધ્યાન તો રાખી રહ્યું છે સાથે જ ભારતની ચિંતા કરીને અન્ય દેશોને પણ મદદ કરવા માટે ગુજરાત તત્પર છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમના માધ્યમથી લગભગ સવા ૩ કરોડ લોકોને મહિના ભરનું અનાજ, દાળ, ચોખા, ખાંડ વગેરે આપણે પૂરૂ પાડી ચૂક્યા છીએ. હવે બીજા સવા ૩ કરોડ લોકો જે એપીએલ કાર્ડ ધારક હતા એવા લોકોને પણ ૧૩મી એપ્રિલ તારીખથી અનાજ વિતરણ અને ફૂડ બાસ્કેટનું ડિસ્ટ્રિબ્યુશન શરૂ કર્યુ છે.

છેવાડાની જગ્યાઓમાં પણ અસરકારક રીતે અનાજ પહોંચાડવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં કોઇ માણસ ભૂખ્યુ ન સૂવે, કોઇ ગરીબ માણસ ભોજન વગરનું ન રહે, અન્ન વગરનો ન રહે તેના માટે અન્નબ્રહ્મ યોજના પણ લાગું કરી દીધી છે એમ તેમણે જણાવ્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ વિશ્વભરમાં વસતા ગુજરાતી ભાઇઓ-બહેનોને વિશ્વાસ આપ્યો કે, આપ સૌ ગુજરાત માટે ચિંતિત છો. ત્યારે તમારા સગા-વ્હાલા, સ્વજનો અને સાડા છ કરોડ ગુજરાતીઓની ચિંતા ગુજરાતની સરકાર કરી રહી છે. તમારે કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતે ભૂતકાળમાં અનેક વિપત્તીઓનો સામનો કર્યો છે ત્યારે સૌ ભેગા મળીને કોરોનાની આ વિપત્તીમાં પણ આપણે વિજયી થઇને બહાર આવીશું જ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.