Abtak Media Google News

કામગીરી માટે ૨૬ ડોકટરોની ટીમ કાર્યરત

હાલના સમયમાં કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં દેશભરમાં લોકડાઉનની અમલવારી ચાલુ છે. આ સમયમાં શહેરના શાકભાજીના તમામ ફેરિયાઓનું થર્મલ સ્કેનિંગ કરાવવું જરૂરી છે. આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, લોકો પોતાની રોજીંદી જીવન જરૂરિયાતની શાકભાજી, ફ્રુટ વિગેરે છુટક ફેરિયા પાસેથી ખરીદી કરે છે. આ ફેરિયાઓ દુર સુધીના વિસ્તારમાંથી અને સામાન્ય રીતે પછાત વિસ્તારમાંથી શાકભાજી વેચવા આવતા હોય છે,  અને પોતાના ધંધાના કારણે અનેક લોકોના સંપર્કમાં આવતા હોય છે. ગુજરાતના અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં શાકભાજીના ફેરિયાઓમાં કોરોના પ્રસરેલ હોય તેવું જાણમાં આવેલ છે. તેથી અગમચેતીના ભાગરૂપે રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાં શાકભાજી વહેચતા ફેરીયાઓનું તાત્કાલિક ધોરણથી થર્મલ સ્કેનિંગ કરાવવાની કામગીરી શરૂ કરાવવામાં આવેલ છે. આ કામગીરી માટે ૨૬ ડોક્ટરોની ટીમને કાર્યરત કરવામાં આવેલ છે. અત્યારસુધીમાં લગભગ ૧૨૮ જેટલા લારીવાળાઓનો સંપર્ક કરેલ છે. તેમજ ૧૪૫ લોકોનું થર્મલ સ્કેનિંગ કરેલ છે અને તેઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવેલ છે. તેમજ શાકભાજીનું વેચાણ કરતા ૦૮ લોકોને શરદી, ઉધરસના ચિહ્ન જણાતા તેમને આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવેલ છે.  અંતમાં ઉદયભાઈ કાનગડએ જણાવેલ છે કે, આ શાકભાજીના ફેરિયાઓને પ્રાથમિક મેડીકલ ચેકઅપ કરવા તથા કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા ક્યાં પ્રકારની સાવચેતી રાખવી તે અંગે માર્ગદર્શન આપવા સબંધક અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.