Abtak Media Google News

ગ્રામ્ય વિસ્તારની ૧૦૦૦ સરકારી શાળાઓમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના રેઇન વોટર હોર્વેેસ્ટિંગ પ્રોજેકટનો અમલ કરનાર વડોદરા જિલ્લો દેશમાં પ્રથમ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વર્ષા જલનિધિ પ્રોજેકટ અને નર્મદા આધારિત ડભોઇ તાલુકાની પાણી પુરવઠા યોજના: કુલ રૂ.૧૬૯ કરોડથી વધુ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન

વર્ષા જલનિધિ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની ૧૦૦૦ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનો અમલ કરનાર વડોદરા ભારતનો પ્રથમ જિલ્લો બન્યો છે. વરસાદી જળ સંગ્રહ માટેનો આ પ્રોજેક્ટ ગુજરાતના અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણા રૂપ બનશે તેમ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી ડિજિટલ માધ્યમથી વર્ષા જલનિધિ પ્રોજેક્ટના ઈ-લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી ડિજિટલના માધ્યમથી વડોદરા જિલ્લાની સરકારી શાળાઓમાં અંદાજે રૂા. ૬ કરોડથી વધુના ખર્ચે વરસાદી પાણીના જળ સંચય માટેના વર્ષા જલનિધિ પ્રોજેક્ટ અને નર્મદા યોજના આધારિત ડભોઈ તાલુકાની પાણી પુરવઠા યોજનાના અંદાજે કુલ રૂા. ૧૨૪ કરોડના કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂા. ૪૩ કરોડથી વધુના કામોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ  રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને શિક્ષણ મંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ વડોદરાની પ્રજાને અને વહીવટીતંત્રને જળ સંચયના નવા આયામો સિદ્ધ કરવા બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ વચ્ચે પણ જાન હૈ તો જહાન હૈના મંત્રને વડોદરાએ સાકાર કર્યો છે. જળ વિના જીવન શક્ય નથી, જળ જ જીવન છે. તેમ સાચા અર્થમાં પીવાના પાણીની ચિંતા કરી છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ ગઈકાલે મન કી બાત કાર્યક્રમમાં વડોદરા જિલ્લાએ વર્ષા જલનિધિ પ્રોજેક્ટ અંતર્ગત ૧૦૦૦ સરકારી શાળાઓમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. તેનો ઉલ્લેખ કરીને આ પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી. વરસાદી પાણી પ્રભુનો પ્રસાદ છે. ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત જળ સંચયના કામો કરી રહ્યું છે. ગુજરાતને પાવર ક્ષેત્ર સરપ્લસ અને હવે વોટર ક્ષેત્રે પણ સરપ્લસ રાજ્ય બનાવવાના નક્કર પગલાં હાથ ધર્યા છે.

તેમને કહ્યું હતું કે, ગુજરાતની પ્રજાએ પણ પાણીના સંચય માટે અનેક રીતે સહયોગ કર્યો છે. કોરોના સંક્રમણમાં પણ લોકડાઉનના સમયમાં જળ સંચયના કામો અવિરત ચાલુ જ રહ્યા હતા. જેમાં લાખો લોકોને રોજગારીની સાથે લાખો ઘન મીટર માટી પણ બહાર કાઢીને તળાવો ઊંડા કરવામાં આવ્યા છે. જળ સંચય ક્ષેત્રે વડોદરા જિલ્લાએ સમગ્ર દેશને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વરસાદી પાણીને જમીનમાં ઉતારવાથી આ વિસ્તારમાં પાણીના જળસ્તર ઊંચા આવશે વર્ષો પહેલા પણ વરસાદી પાણીને જમીનમાં ઉતારવાના અવશેષો મળી આવ્યા છે, આપણે આજે આ નૂતન પ્રથાને તેની સાથે જોડી દીધી છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડોદરામાં ગટરના પાણીને શુદ્ધ કરીને રિયુઝ વોટરનો પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. ગંદા પાણીને રિયુઝ કરવાથી આ પાણીનો ઉપયોગ ઉદ્યોગો અને ખેતીમાં કરી શકાશે, તેથી શુદ્ધ પાણીની બચત થશે. ગુજરાતમાં દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવા માટે ૧૦ જેટલા ડિસિલિનેશન પ્લાન્ટ  સ્થાપવાની કામગીરી ચાલી રહી છે. વિકાસ માટે પાણી જરૂરી છે. પાણીના કારણે વિકાસ અટકવો ન જોઈએ તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.