Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના અર્થતંત્રને ૫ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાની દિશામાં થઈ રહેલા આયોજનમાં કૃષિ ક્ષેત્રના વિકાસ, આર્થિક તરલતા, નિકાસ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે હવે દેશની ઉત્પાદકતા વધારવાની ખાસ આવશ્યકતા છે તેવા સંજોગોમાં કેન્દ્ર સરકારની પ્રોડકશન લીંક ઈન્સેટીવ સ્કીમ એટલે કે, ઉત્પાદકતા, પ્રોત્સાહન યોજના થકી દેશના ઉદ્યોગ જગતને વધુને વધુ ઉત્પાદકતા માટે પ્રોત્સાહન કરીને સરકાર એક કાંકરે અનેક નિશાન તાકવાના બહુવિધ અભિગમના રૂપમાં મક્કમ પગલે આગળ વધી રહી છે. તબક્કાવાર વિકાસને વેગવાન બનાવવા માટે હવે રાષ્ટ્રની ઉત્પાદકતા વધારીને આયાત-નિકાસના સંતુલનમાં અત્યાર સુધી આપણે મોટાભાગે આયાત પર નિર્ભર રહેતા આવતા હતા. હવે આયાત-નિકાસનું સંતુલન અને નિકાસ વધારવા માટે તબક્કાવાર પ્રયોજન થકી દેશને વધુ મજબુત બનાવવામાં આવશે.

સરકારની ઉત્પાદકતા પ્રોત્સાહન અને નીતિથી લઘુ અને નાના એકમોથી લઈ મહાકાય ઉત્પાદન એકમો સહિતનું સમગ્ર ઉદ્યોગ જગત પોતાની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકે તે માટે સમગ્ર દેશમાં માહોલ ઉભો થઈ રહ્યો છે. જો ઉત્પાદન વધે તો વિદેશી હુડીયામણનું ભારણ ઘટે, ડોલર સામે રૂપિયાની નબળાઈનો લાભ મળે, રૂપિયામાં રોકાણ અને ડોલરમાં આવક થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયો ડોલર સામે નીચા સ્તરે હોવા છતાં આવકનો ગુણોતર વધારે ફાયદો પહોંચાડે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યારે ભારતના અર્થતંત્રના પ્રવાહ સકારાત્મક પવન ફૂંકનારા બની રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર સરકારની ઉત્પાદક પ્રોત્સાહન યોજના સૌથી વધુ ગુજરાતના વિકાસશીલ ઉદ્યોગો માટે પીઠબળ સાબીત થશે. ગુજરાતના કૃષિ, ટેક્ષટાઈલ્સ, ઓટો મોબાઈલથી લઈને આઈટી ક્ષેત્રની તમામ ઔદ્યોગીક એકમો માટે સરકારની ઉત્પાદકતા પ્રોત્સાહક યોજના આશિર્વાદરૂપ બનશે.

કેન્દ્ર સરકારે ૫ ટ્રીલીયન અમેરિકન ડોલરની અર્થ વ્યવસ્થા ઉભી કરવા માટે આયાતનું ભારણ ઘટાડવા માટે જે લક્ષ્ય રાખ્યું છે તેને ઉત્પાદક પ્રોત્સાહન યોજના વધુ બળવતર બનાવશે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે હવે ભારતનું મહત્વ વધતું જાય છે. ભારતના એવા અનેક ક્ષેત્રો છે કે જેના ઉત્પાદનમાં વધારો કરવાથી ચીનમાંથી કરવામાં આવતી આયાતમાં ૪૦ ટકાથી વધુ ઘટાડો કરી શકાય. કૃષિ, ફાર્માસ્યુટીકલ, ટેક્ષટાઈલ્સ, આઈટી ક્ષેત્ર અને ઘરેલું ઉત્પાદન કરતા એવા ૪૦થી વધુ ક્ષેત્રો છે જેમાં નજીવી ટકાવારીથી ઉત્પાદન વધારવામાં આવે તો ચીન સહિતના ભારત માટેના નિકાસકાર દેશો પાસેથી આપણે ઓછામાં ઓછી માલની આયાત કરવી પડે. અત્યારે સરકારે ઉત્પાદકતા પ્રોત્સાહન યોજનાના અમલ માટે કમરકસી છે તે દેશના અર્થતંત્ર માટે ફાયદાકારક સાબીત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.