Abtak Media Google News

‘નલ સે જલ યોજના’ હેઠળ આખા ગામને મળે છે ૨૪ કલાક પીવાનું પાણી

દરેક ઘરમાં શૌચાલય અને નળ જોડાણ આખા ગામમાં ભૂગર્ભ ગટર યોજના

જિલ્લાનું પાણીદાર ગામ એટલે કાલાવડ તાલુકાનું રીનારી ગામ જ્યાં તમામ ઘરમાં નળ જોડાણ, ખુલ્લામાં શૌચમુક્ત અને ભૂગર્ભ ગટરની સુવિધા સાથે આદર્શ ગ્રામ બન્યું છે. જામનગર જિલ્લામાં હંમેશા પાણીની તકલીફ જોવા મળી છે. કુદરતી રીતે જામનગર જિલ્લો સૌરાષ્ટ્રનો એવો જિલ્લો છે, જયાં પાણીની તંગીથી લોકો ખૂબ ત્રસ્ત રહેતા હોય છે પરંતુ, સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવા માટે અનેક પેટા જૂથ યોજનાઓ, સૌની યોજના થકી હવે સૌરાષ્ટ્રનો પાણી પ્રશ્ન એ ભૂતકાળ બની ગયો છે.

ભૂતકાળમાં સૌરાષ્ટ્રનું નામ સાંભળતા જ પાણીની તંગી વેઠતો પ્રદેશ આંખ સામે તરવરતો, નર્મદાના નીરથી સૌરાષ્ટ્ર આજે પાણીની તંગીના બદલે પાણીથી તરબોળ પ્રદેશ બન્યો છે. આ પાણી લોકોના ઘરે-ઘરે નળ દ્વારા પહોંચે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નલ સે જલ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. જામનગર જેવા પાણીની ફરિયાદ કરતા જિલ્લામાં પણ આ યોજનાનો લાભ થકી આ જિલ્લાના ગામો પાણીદાર બન્યા છે, જેમાંના કાલાવડ તાલુકાના રીનારી ગામની વાત કરીએ તો, કાલાવડ થી ૧૧ કિલોમીટર દૂરનું આ રીનારી ગામ પાણીદાર બન્યું છે. ગામનાં લોકો ૨૪ કલાક ઘરઆંગણે પાણી મેળવી રહ્યા છે. સામાન્ય રીતે પાણી માટે લોકોના મુખેથી ફરિયાદ સાંભળવા જ મળતી હોય છે ત્યારે રીનારી ગામના લોકો કહે છે કે, અમે પાણી મેળવીને ખૂબ સંતુષ્ટ છીએ.

Img 20201221 Wa0051

૬૫૦ લોકોની વસ્તી ધરાવતું  અમારું રીનારી ગામ બે વર્ષ પહેલા પાણીની તકલીફથી પીડાતું હતું. વળી પાણી જે આપવામાં આવતું, તેમાં પણ પાઈપલાઈન વ્યવસ્થા અને ઊંચાણવાળા વિસ્તારના કારણે અનેક પ્રશ્નો રહેતા. સતત પાણીથી અસંતોષ અને  પાણી માટે સતત મોટર ઉપર નિર્ભર રહેવાને કારણે ગામલોકોના વીજ બિલ પણ ખૂબ મોટા આવતા હતા. આ શબ્દો છે રીનારી ગામના મહિલા સરપંચ જયાબેન અકબરીના.

જયાબેન કહે છે કે, ગત વર્ષે હું ગામના સરપંચ પદે નિયુક્ત થઇ, એક મહિલા તરીકે પાણીની તકલીફ કેટલી ગંભીર છે તે વિશે હું સારી રીતે વાકેફ હતી અને આ પ્રશ્નના નિવારણ માટે અમે  વાસ્મોના સહકાર થકી ગામને નલ સે જલ યોજનાનો લાભ અપાવ્યો. વાસ્મો દ્વારા રીનારી ગામમાં પાણીની પાઈપલાઈનની સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. ત્યારબાદ ગામલોકોએ સહકાર સાથે આ યોજનાનો મહત્તમ લાભ ગામના ઘરે-ઘરે પહોંચે તે માટે દ્રઢ નિર્ધાર સાથે કામગીરી શરૂ કરી. આ વિશે ગામના ધર્મેશભાઈ અકબરી કહે છે કે, અગાઉ ગામમાં પાણી વિતરણ થતું તેનાથી ખૂબ જ અસંતોષ હતો, સાથે જ ગામના ઉંચાણવાળા વિસ્તારો ના ઘરોને તો મોટર ચાલુ કરવા છતાં પાણી પહોંચતું જ ન હતું. નલ સે જલ યોજના સાથે અમે જોડાયા ત્યારે આ પ્રશ્નને પણ નિવારી અને ગામના ઘરે ઘરે એક સરખા પ્રમાણમાં પાણી પહોંચે તે માટેની વ્યવસ્થા કરવા અમે ગ્રામ લોકોએ ગામને સાત વિભાગમાં વહેંચી અને પ્રથમ દરેક ઘરને ભૂગર્ભ ગટર સાથે જોડી રોડના લેવલીંગ કર્યા. પ્રોપર લેવલીંગના કારણે આજે ગામના સૌથી ઊંચાણવાળા વિસ્તારથી લઈને સૌથી નીચાણવાળા વિસ્તારમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી પહોંચે છે અને ચોવીસ કલાક લોકોના ઘરે પાણી પહોંચવાથી લોકો ખૂબ ખુશ છે.

Img 20201221 Wa0047

રીનારી ગામમાં વસતા ૬૫ વર્ષીય વૃદ્ધા દિવાળીબેન અકબરી કહે છે કે, પહેલા અમે ગામના પાદરેથી પાણી ભરીને ગામમાં લાવતા, વર્ષો સુધી આ રીતે પાણીની તકલીફ બાદ પાણીની લાઈન ગામમાં આવી, છતાં પણ તે પાણી અમને પૂરતું મળી રહે તે રીતે અમારા સુધી પહોંચતું ન હતું. પાદરેથી, નદી કાંઠેથી પાણી ભરી અને અમારે ઘરે લાવવું  પડતું. ક્યારેય વિચાર્યું નહોતું કે, અમારા ઘરે આમ નળ ખોલતાં પાણી આવશે. નરેન્દ્રભાઈ મોદીની આ યોજનાથી અમારા ગામમાં ઘરે-ઘરે ૨૪ કલાક પાણી મળી રહે છે. આમ અમારા ગામમાં પાણીનું ખૂબ સુખ છે, જે માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ખુબ ખુબ આભાર.

હાલ રીનારી ગામના દરેક ઘર ભૂગર્ભ ગટર સાથે જોડાયેલા છે, સાથે જ ઘરે-ઘરે શૌચાલયની વ્યવસ્થા છે. આમ રીનારી ગામ સો ટકા ખુલ્લામાં શૌચમુક્ત, સો ટકા ભૂગર્ભગટર જોડાણ ધરાવતું અને સો ટકા પાણીના નળ કનેક્શન સાથે આદર્શ ગ્રામ તરફ અગ્રસર થઈ રહ્યું છે. ગાંધીજીના વિચારો સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને આવશ્યક સ્ત્રોતોનો જરૂરિયાત પૂર્વકનો ઉપયોગને આ ગામ જીવન મંત્રો માનીને જીવી રહ્યું છે.

વગર મોટરે પહેલા માળે પણ પહોંચે છે પાણી

વર્ષોથી ઉંચાણવાળા વિસ્તારમાં પોતાનું ઘર હોવાને કારણે પાણીની તંગી વેઠતા ૫૧ વર્ષીય શારદાબેન કમાણી કહે છે કે, ગામમાં લાઈન હોવા છતાં પણ અમારા ઘરે ક્યારેય પાણી પહોંચતું જ નહીં, સતત મોટર ચાલુ રાખવા છતાં પણ પાણીનું ટીપું પણ દેખા ન દેતું, આ યોજનાથી અમારી બધી હાલાકીનો અંત આવ્યો છે. અમારા ઊંચાણવાળા વિસ્તારના ઘરમાં પણ પાણી પુરતા પ્રમાણમાં તો આવે જ છે, સાથે મોટર વગર અમે એક માળ ઉપર ના ટાંકે પણ પાણી પહોંચાડી શકીએ તે રીતે અમને પાણી મળી રહે છે. આ માટે વડાપ્રધાનના વિચાર અને મુખ્યમંત્રીના સહકાર માટે ખુબ આભારી છીએ.

દરેક નળ કનેક્શન સાથે પાણીના મીટર; બગાડ થતો નથી

સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ પર પાણીના કારણે ગંદકી જોવા મળતી હોય છે જેના કારણે મચ્છરોનો ત્રાસ થતો હોય છે પરંતુ કાલાવડનું રીનારી ગામ એવું ગામ છે કે જ્યાં તમને રસ્તા સંપૂર્ણ સ્વચ્છ જોવા મળશે અને આ જ કારણોસર ગત વર્ષે જ્યારે જામનગર જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં પણ ડેન્ગ્યુનો કહેર ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયો હતો ત્યારે આ ગામ ડેન્ગ્યુના એક પણ કેસ વગર શાંતિથી અને સ્વસ્થતાપૂર્વક જીવી રહ્યું હતું. દરેક નળ જોડાણ સાથે મીટર જોડાયેલા હોવાથી પાણીનો બગાડ થતો નથી.

હવે મોટર પણ ચાલુ કરવી પડતી નથી, બચે છે વીજળી

વીજળી બિલની તકલીફ અંગે ખુલીને વાત કરતાં રીનારી ગામના ભગવતીબેન અકબરી કહે છે કે, અમારા ગામમાં પહેલા પાણીની એટલી તકલીફ હતી કે,  લાઈન દ્વારા પૂરતું પાણી મળતું નહીં એટલે સતત મોટર ચાલુ રાખવી પડતી. વળી બોરમાંથી પાણી લેવા પણ મોટરનો જ ઉપયોગ થતો હોવાથી ખૂબ મોટા વીજળી બીલો અમ ગામલોકોને ભોગવવા પડતાં. આજે આ બધી જ તકલીફ દૂર થઇ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ નલ સે જલ યોજનાથી અમારા ગામમાં પાણીની જે તંગી હતી તે દૂર થઈ અને ૨૪ કલાક ઘરબેઠા પાણી મળવાથી હવે વીજળી બિલ પણ ખૂબ ઓછું આવે છે અમારે હવે મોટર ચાલુ કરવી પડતી જ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.