Abtak Media Google News

ફ્લેટ વિથ ફર્નિચર આવાસ યોજનાનું પીએમના હસ્તે ખાતમુહૂર્ત થયા બાદ ૧૦ દિવસમાં તેના પણ ફોર્મ વિતરણ શરૂ કરાશે

વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના દરેક નાગરિકને સુવિધાસભર ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અલગ-અલગ આવાસ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મહાપાલિકા દ્વારા ૧૯ હજારથી પણ વધુ આવાસ બનાવવામાં આવ્યા છે.આગામી ૧લી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે મહાપાલિકાની ફર્નિચર સાથે ફ્લેટ વાળી આવાસ યોજનાનું ખાતમુહુર્ત કરવામાં આવનાર છે. કમુરતા ઉતરતાની સાથે એટલે કે આગામી એકાદ પખવાડિયામાં કોર્પોરેશન દ્વારા અલગ-અલગ કેટેગરીના ૩૧૦૦થી વધુ આવાસ માટે ફોર્મ વિતરણ કરી દેવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વાવડી અને મવડી વિસ્તારમાં મહાપાલિકા દ્વારા ઇડબલ્યુએસ-૧ અને ઇડબલ્યુએસ-૨ કેટેગરીના લાભાર્થીઓ માટે ૨૩૦૪ આવાસ બનાવવામાં આવ્યા છે. જ્યારે મવડી અને વિમલનગર વિસ્તારમાં  એમ.આઈ.જી. કેટેગરીના લાભાર્થીઓ માટે જે ૧૨૬૮ આવાસ બનાવવામાં આવ્યા હતા તે પૈકી હાલ ૮૦૦ આવાસ હજી ખાલી પડયા છે. કુલ ૩૧૦૦ થી પણ વધુ આવાસ માટે આગામી એક પખવાડિયામાં લાભાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવા માટે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે.

ઇડબલ્યુએસ-૧  કેટેગરીના લાભાર્થીને ત્રણ લાખમાં ૩૦ ચોરસ મીટર કારપેટ ધરાવતું આવાસ આપવામાં આવશે.જ્યારે ઈ.ડબ્લ્યૂ.એસ.-૨કેટેગરીના લાભાર્થીને ૫.૫૦ લાખમાં ૪૦ ચોરસ મીટર કારપેટ ધરાવતો ફ્લેટ આપવામાં આવશે.એમ. આઈ.જી.પ્રકારના લાભાર્થીઓ માટે કુલ ૧૨૬૮ આવાસ વિમાલનગર અને મવડી વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે. ૬૦ ચોરસ મીટર કારપેટના ફ્લેટની કિંમત ૨૪ લાખ રૂપિયા છે. અને ત્રણ રૂમની સગવડતા આપવામાં આવે છે.અગાઉ આ આવાસ યોજના માટે ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા પરંતુ માત્ર ૭૦૦ જેટલી જ અરજીઓ આવી હતી.જેમાં ૪૪૦ અરજી જ માન્ય રાખવામાં આવતા હાલ ૮૦૦ જેટલા ફ્લેટ ખાલી પડયા છે.જેના માટે પણ ટૂંક સમયમાં ફોર્મ વિતરણ કરવામાં આવશે .

શહેરના સ્માર્ટ સિટી એરિયા એવા રૈયા ટીપી સ્કીમ નંબર ૩૨ માં  પરશુરામ મંદિર પાસે ૧૧૪૪ આવાસ બનાવવામાં આવશે. નવી ટેકનોલોજીથી તૈયાર થતાં આ આવાસમાં લાભાર્થીને ફલેટ સાથે ફર્નિચર પણ આપવામાં આવશે આગામી ૧લી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આ યોજનાનું દિલ્હીથી ભૂમિપૂજન કરવામાં આવનાર છે.ભૂમિપૂજનના દસ દિવસમાં આ આવાસ યોજના માટે પણ ફોર્મ વિતરણ શરૂ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.