Abtak Media Google News

લોકતંત્રમાં વિરોધ, સત્યાગ્રહ, આંદોલન એ નાગરિકોનો અધિકાર છે પણ આંદોલનનો ઉન્માદ સરકારી અને જાહેર સંપત્તિના નુકશાનનું કારણ ન બનવું જોઈએ

કૃષિ આંદોલનમાં પંજાબના ખેડૂતોએ સવિશેષ ઉન્માદ મચાવ્યો હોય તેમ રાજ્યમાં ગઈકાલ સુધીમાં ૧૫૦૦ જેટલા ટેલીકોમ ટાવર દેખાવકારોએ ધરાશાયી કરી દેતા ટેલીકોમ નેટવર્ક ઠપ્પ થઈ જવા પામ્યું છે. ટેલીકોમ ટાવરનો વિદ્યુત કનેકશનો કાપી નાખતા સિગ્નલ ખોરવાઈ ગયા હતા. રાજ્યમાં કેટલીક જગ્યાએ કેબલ નેટવર્કના વાયરો તોડી નાખ્યા હતા. કૃષિ બીલથી કોર્પોરેટ જગતને ફાયદો થયાની ભ્રમણા સાથે આંદોલનકારીઓએ મુકેશ અંબાણીની જીઓ અને ગૌતમ અદાણીના નેટવર્ક સામે રોષ ઠાલવ્યો હતો. જો કે, મુકેશ અંબાણીની રિલાયન્સ અને અદાણી કંપનીઓ ખેડૂતો પાસેથી ખેતીની જણસ ખરીદવાના ધંધામાં ક્યાંય હિસ્સેદાર નથી. પંજાબમાં ગઈકાલ સુધીમાં ૧૪૧૧ ટાવરોને નુકશાન પહોંચાડ્યું હતું. આ આંકડો ૧૫૦૦ સુધી થવા જઈ રહ્યો છે.

આંદોલન દરમિયાન જલંધરમાં જીઓની ફાઈબર કેબલના બંડલો સળગાવી નાખ્યા હતા. રાજ્યમાં જીઓના ૯૦૦૦થી વધુ ટાવર કામ કરી ર્હયાં છે. અનેક જગ્યાએ મોબાઈલ ટાવરની વિદ્યુત લાઈનો કાપી નાખવામાં આવતા કંપની મેનેજમેન્ટે જનરેટની મદદથી કામ ચલાઉની ફરજ પડી હતી. પંજાબના મુખ્યમંત્રીએ શુક્રવારે જ ખેડૂતોને જાહેર સંપતિને નુકશાન ન પહોંચાડવા અપીલ કરી હતી. જો કે પોલીસે પણ હજુ સુધી કોઈ પગલા લીધા નથી. પંજાબના ટાવર એસોસીએશને જણાવ્યું હતું કે, ૧૬૦૦ જેટલા ટાવર આંંદોલન કારીઓની ઝપટમાં આવી ગયા છે. અદાણી અને અંબાણી પર ખેડૂતો રોષ વ્યકત કરી રહ્યાં છે. ત્યારે આંદોલન દરમિયાન જાહેર સંપતિને નુકશાન પહોંચાડનારા સામે આકરી કાર્યવાહીની ન્યાયપાલિકાએ હિમાયત કરી છે. તેવા સંજોગામાં પંજાબના આ તોફાની તત્વો સામે કેવા પગલા લેવાશે તેના પર મીટ મંડાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.