Abtak Media Google News

જો કોરોના સંક્રમણની બીજી લહેર યથાવત રહે તો ન્યાયમંદિરોના 

કપાટ ફરી વાર બંધ કરવા પડશે: ચીફ જસ્ટિસ વિક્રમ નાથ 

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથને સોમવારે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું છે કે, કોર્ટની કામગીરીમાં ફરી એકવાર અવરોધ ઊભો થાય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. જે રીતે કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે તેના પરિણામે કદાચ ફક્ત અર્જન્ટ કેસની સુનાવણી જ હાથ ધરવાનો નિર્ણય લેવો પડે તો નવાઈ નહીં.

અગાઉ લોકડાઉનના કારણે લાંબા સમય સુધી ન્યાય મંદિરના કપાટ બંધ અવસ્થામાં રહ્યા હતા. અનેકવિધ રજુઆતો બાદ ન્યાયમંદિરના કપાટ ફિઝીકલી ખુલ્યા હતા. કેસોના ભરાવાને દુર કરવા ન્યાયતંત્ર સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહ્યું છે પરંતુ જે રીતે કોરોના સંક્રમણની બીજી લહેર તીવ્ર બની છે તેને ધ્યાને રાખીને ફરી એકવાર ન્યાય મંદિરના કપાટ બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઇ છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું છે કે, હાલ ન્યાય મંદિર ખાતે વ્યવસ્થા ગોઠવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે બાર એસોસીએશન તેમજ રજીસ્ટ્રી શાખા સાથે આ અંગે પરામર્શ પણ કરી રહ્યા છીએ. જો આવી જ રીતે સંક્રમણ વધતું રહ્યું તો ન્યાય મંદિર ખાતે ફક્ત અર્જન્ટ કેસોની સુનાવણી હાથ ધરવામાં આવશે. તમામ અદાલતોમાં ફીઝીકલ હિયરીંગ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ કોરોના સંક્રમણની પરિસ્થિતિ યથાવત રહી તો ચોક્કસ ફરી એકવાર વર્ચ્યુઅલ હિયરિંગ તરફ વળવું પડે તેવી શક્યતા પણ હાલના તબક્કે સેવાઇ રહી છે. વિક્રમ  નાથે ઉમેર્યું હતું કે, બાર એસોસીએશન તેમજ રજીસ્ટ્રી શાખા પાસે તેમનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે જે મળ્યા બાદ જ કોઇ ચોક્કસ નિર્ણય લઇ શકાશે.

ગત વર્ષના માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ વધતાં હાઇકોર્ટના કપાટ ફિઝિકલ હિયરિંગ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. સાથોસાથ રાજ્યભરની નીચલી અદાલતો પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તમામ અદાલતોમાં ફક્ત ડિજિટલ હિયરિંગ જ શરૂ રાખવામાં આવી હતી. કોરોના સંક્રમણ ઘટતા ફરી એકવાર ન્યાય મંદિરના કપાટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જો કે, કોરોના સંક્રમણ વધુ તીવ્ર બને તો ફરી એકવાર ન્યાય તંત્ર ના કપાટ બંધ થાય તેવી ભીતિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.