Abtak Media Google News

પ્રાણવાયુના એક લીટરના ભાવ 47% વધ્યા 

કોરોના ઘાતકી બનતા દરરોજ સેંકડો લોકોના પ્રાણ છીનવી રહ્યો છે. પરિસ્થિતિ ખૂબ વણસતી જઈ રહી છે. કોવિડ મહમારીના આ યુદ્ધમાં મોટા અને મજબૂત અસ્ત્ર સમાન ગણાતા એવા ઓક્સિજન અને રેમડેસીવીર ઈન્જેક્શનોના જથ્થાની ભારે અછત ઊભી થઈ છે. ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જઈ રહી છે તો બીજી તરફ ઓક્સિજનની ભારે અછત છે. આ જ કારણસર કોરોના ગ્રસ્તદર્દીઓના મોતનો આંકડો વધ્યો છે. આવી ભયાવહ પરિસ્થિતિમાં લોકો ઝુઝી રહ્યા છે ત્યારે ઓક્સિજનના ભાવમાં ઉછાળો થયો છે. સારવારની સાથે જીવ બચાવવો પણ મોંઘો થઈ ગયો છે. છેલ્લાં 15 દિવસમાં ઓક્સિજનના ભાવમાં 47 ટકાનો વધારો થયો છે.

ઓક્સિજન ઉત્પાદકો અને તેને ભરનારાઓ તેમજ વહેંચણીકારોએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ઓક્સિજનના ભાવ 25 થી 30 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર પર પહોંચી ગયા છે. અમદાવાદ સ્થિત ઓક્સિજન રિ-ફિલરે જણાવ્યું કે, આ વધારા પહેલા કિંમતો રૂ. 17 થી રૂ. 22 જેટલી હતી. જે હવે 47%ના ઉછાળા સાથે રૂ. 25 થી 30એ પહોંચી ગયા છે. દર ક્યુબિક મીટર દીઠ રૂ. 11.5 થી વધારીને રૂ. 16.50 કર્યા છે.

હાલના સમયમાં ઓક્સિજનની જે માંગ વધી છે તેને પહોંચી વળવા ઉત્પાદન પણ વધારવામાં આવ્યું છે અને આ માટે કામદારોને વધુને વધુ કામે લગાડી દેવામાં આવ્યા છે. કામદારો હાલ એકને બદલે ત્રણ શિફ્ટમાં એમ 24 કલાક કામ કરી રહ્યા છે. આથી  તેમના પગાર સહિતના ખર્ચમાં પણ ઉત્પાદકોને વધારો આવ્યો છે. આથી તમામ ખર્ચને પહોચી વળવા ઓક્સિજનના ભાવમાં વધારો કરવો પણ જરૂરી બન્યો છે તેમ ઉત્પાદકોએ જણાવ્યું છે.

શ્રી રામ ઓક્સી ગેસના સ્થાપક ચેતન પટેલે જણાવ્યું  કે, અમે સોમવારથી ભાવમાં ક્યુબિક મીટર  ચાર્જ દીઠ 15.2 રૂપિયા કરી દીધા છે. આ અગાઉ  આ ભાવ રૂ .13.2 હતા. અમે હવે ઔદ્યોગિક એકમોને છોડી અમારા આખા પુરવઠાને તબીબી આવશ્યકતાઓ તરફ વાળ્યા છે. અને ઔધોગિક પુરવઠો બંધ જ કરી દીધો છે. ઉદ્યોગ માટેની કિંમતો પણ જુદી જુદી છે જે માંગ અને પુરવઠા દ્વારા ચલાવાય છે. પ્રાથમિક ઉત્પાદકો દ્વારા પૂરા પાડવામાં આવતા લિક્વિડ ઓક્સિજનના ભાવમાં વધારા ઉપરાંત રી-ફિલર્સમાં પરિવહન અને મજૂર ખર્ચમાં પણ વધારો જોવા મળ્યો છે. આથી કિંમત વધારાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.