Abtak Media Google News

કોરોનાને નાથવા માટે એકમાત્ર શસ્ત્ર વેક્સિન છે. સરકારે કોરોનાની ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે જડબેસલાક તૈયારી કરી છે. ત્રીજી લહેર પૂર્વ રાજ્યમાં 100 ટકા વેક્સિનેશનના લક્ષ્યાંક સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. ત્યારે આગામી 31મી જુલાઈ સુધીમાં રાજ્યમાં વેપારીઓએ કોરોનાની વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આગામી 31મી જુલાઈ સુધીમાં લઈ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. વેક્સિન નહીં લેનાર વેપારીઓ 1લી ઓગષ્ટથી દુકાનોના શટર ખોલી શકશે નહીં.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા કેટલીક છુટછાટો આપવામાં આવી છે. અગાઉ સરકાર દ્વારા 30મી જુન સુધીમાં વેપારીઓ, વ્યવસાયિક એકમોના સંચાલકો અને સ્ટાફે કોરોનાની વેક્સિન લેવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન કેન્દ્ર સરકાર ગુજરાતને પુરતા ડોઝની ફાળવણી કરવામાં ન આવતા વેક્સિનની અછતના કારણે આ મુદત 10મી જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી. ત્યારબાદ મુદતમાં ફરી અત્યારે વધારો કરી 31મી જુલાઈ સુધીમાં વેપારીઓએ વેક્સિનનો એક ડોઝ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે વધુ એક વખત એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે, વેપારીઓએ 31મી જુલાઈ સુધીમાં કોરોનાની વેક્સિનનો એક ડોઝ ફરજિયાત લઈ લેવાનો રહેશે. અન્યત્ર તેઓને દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વેપારીઓ પાસેથી વેક્સિન લેવા માટે હવે રોકડા 10 દિવસ હાથમાં રહ્યાં છે. જો કે વેક્સિનનો પર્યાપ્ત જથ્થો હજી ઉપલબ્ધ નથી આવામાં મુદતમાં વધારો કરવામાં આવે તેવી પણ સંભાવના જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.