Abtak Media Google News

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતાં દેશનાં સવા સો કરોડથી વધુની જનસંખ્યાનું જ્યાં ભાવિ ઘડાઇ છે તેવાં લોકશાહીના મહામંદિર સંસદ ભવન દેશનું ભાવિ નિર્માણ કરે છે. લોકતંત્રમાં સંસદની ગરીમા અને કાર્યક્ષમતાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. આ વર્ષે 18 જુલાઇથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઇ ચુક્યું છે. આ સત્રમાં ખૂબ જ મહત્વના વિધયકો લાવવાનું સરકારે કર્યું છે. સંસદની કાર્યવાહી કોઇ સંજોગોમાં અવરોધ ન પામે તે માટે સરકારે અગાઉથી જ તમામ મુદ્દાઓ ઉપર સર્વપક્ષીય ચર્ચા માટે તૈયારી બતાવી હતી. સામાન્ય રીતે ચર્ચા જ શાસક અને વિપક્ષ વચ્ચે ચર્ચાસ્પદ અને ખેંચતાણનો મુદ્દો બને છે.

સરકારે આ વખતે સંસદની કાર્યવાહીમાં કોઇ અવરોધ ન આવે તે માટે સામેથી ચર્ચા માટેની તૈયારી કરી લીધી હતી. 10 ઓગષ્ટ સુધી ચાલનારા આ સત્રમાં મોટા ભાગે નિર્ધારિત કામગીરી પૂરી થાય તેવું સરકારનું આયોજન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અને અભિગમથી સંસદના સત્રની કાર્યક્ષમતા સૌથી વધુ રહ્યું હોવાનું રેકોર્ડ બન્યો છે. લોકતંત્રમાં સંસદ જેટલી સરળતા, તરલતા અને પૂર્ણકાલિન ચાલે તેટલો દેશનો વિકાસ ઝડપી બને. સામાન્ય રીતે સંસદમાં ચાલતી કાર્યવાહીની એક-એક મિનિટની જો ગણતરી કરવામાં આવે તો સંસદના સંચાલન માટે એક-એક મિનીટનો ખર્ચ 2,60,000 રૂપિયા થાય છે.

સંસદની એક-એક સેક્ધડની કિંમત થવી જોઇએ. શાસક અને વિપક્ષના પ્રત્યેક સભ્ય પર દેશના ભવિષ્યની જવાબદારી હોય છે અને ગૃહમાં થતી વિચારણાં, ચર્ચા અને કાયદાના સર્જનથી દેશનું ભવિષ્ય નિર્ધારિત થાય છે. ભારતનું લોકતંત્ર હવે સંપૂર્ણપણે પરિપક્વ બનું ચુક્યું છે. રાજકીય પક્ષો, રાજકીય નેતાઓથી લઇને છેવાડાના મતદારો હવે દેશના ભવિષ્યની ચિંતા અને ખેવના કરતા થયાં છે. લોકતંત્રમાં શાસકની સ્વાયતતા જેટલી જ વિપક્ષની મજબૂત અંક અને મનોસ્થિતિ જરૂરી હોય છે.

શાસક પક્ષ સામે જવાબદાર વિપક્ષની અનિવાર્યતા લોકતંત્રમાં સર્વોપરી ગણવામાં આવે છે ત્યારે સંસદના સત્ર દરમિયાન વારંવાર થતી ઉગ્ર ચર્ચાથી સારા નિષ્કર્ષ આવી શકતા હશે પરંતુ માત્રને માત્ર રાજકીય શક્તિ બતાવવા માટે હોબાળો, દેકારો કરીને ગ્રહમાં એવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે કે જેમાંથી ના છૂટકે સંસદ સ્થગનની ફરજ પડે. આ પરિસ્થિતિને લોકતંત્રની બલિહારી ગણવી કે નબળાઇ તે વિચારવાનો વિષય છે.

સંસદની કાર્યવાહી રોકી રાખવાથી શું ફાયદો થાય તે તો જેણે ગૃહ અટકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોય તેને જ તેના લાભ, ગેરલાભ અને રાજકીય પરિમાણોની સમજ હોય. એક મિનીટના 2,60,000 રૂપિયાનું ખર્ચ કરીને જે સંસદને ચલાવવામાં આવતી હોય તેની એક-એક પલ દેશ માટે ખૂબ જ ઉપયોગી અને નિર્ણાયક હોય તો સામાન્ય જન સમજે છે. તેવી સુઝબૂઝ ચુંટાયેલા પ્રતિનિધિઓએ રાખવી જોઇએ.

સંસદનું સત્ર કેટલું ફળદાયી નિવડ્યું તેની નોંધ દેશના રાજકીય તજજ્ઞોની જેમ સમગ્ર વિશ્ર્વના રાજકીય સમિક્ષકો માંડતા હોય છે. અત્યારે ગૃહની કાર્યવાહી લાઇવ પ્રસારણ થાય છે. અને પ્રત્યેક ગતિવિધીની દુનિયામાં નોંધ લેવાઇ છે. ત્યારે ગૃહમાં સરકારની ગતિવિધી નવા કાયદાની સમિક્ષા અને તેની ખામીઓની ચર્ચા અને સુધારણાં માટે વિપક્ષ પાસે વિરોધ અને રાજકીય હઠ કરવાનો પૂરેપૂરો અધિકાર છે.

પરંતુ આ અધિકારમાં કોઇથી અતિરેક ન કરાય. સંસદની કાર્યવાહી કેટલી ચાલે છે ? કેટલા ટકા ફળદાયી નિવડી તે શાસક પક્ષ માટે જ જશની વાત નથી. સંસદની કાર્યક્ષમતામાં વિપક્ષની સકારાત્મકતાને પણ મુખ્ય પરિમાણ ગણવામાં આવે છે. સંસદની કાર્યવાહી અટકી જાય કે, અટકાવી દેવાય તો શાસક પક્ષની જેમ વિપક્ષ પણ જવાબદાર ગણાય, અરે માત્ર વિપક્ષ જ નહીં પણ છેવાડાના મતદારને પણ ક્યાંકને ક્યાંક એવો વસવસો થાય કે, તેમણે લોક પ્રતિનિધિ ચૂંટવામાં ક્યાંકને ક્યાંક ચૂક રાખી દીધી છે. સંસદ સ્થગન લોકતંત્રની બલીહારી નહીં પણ નબળી કળી જ ગણાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.