Abtak Media Google News

સરકારથી પણ ઉપર જઈને હોસ્પિટલના અધિક્ષકે જાતે બનાવ્યો નિયમ 

ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ટેસ્ટનો ડર હોવાનું જાણવા છતાં મનઘડત નિયમ લાગુ કરવાથી દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ ઓપીડી વગર જ હોસ્પિટલે ધક્કો ખાઈને જઈ રહ્યા છે પરત 

અબતક, ભૌમિક તળપદા, પડધરી : પડધરીમાં ટેસ્ટિંગના ટાર્ગેટ પુરા કરવા સરકારી હોસ્પિટલે સરકારથી પણ ઉપર જઈને પહેલા ફરજીયાત કોરોના ટેસ્ટ, ત્યાર પછી જ ઓપીડી કરવાનો ફતવો બહાર પાડતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. હોસ્પિટલ તંત્રના આવા અમાનવીય નિર્ણયને પગલે તેના ઉપર સમગ્ર તાલુકામાંથી ફીટકાર વર્ષી રહી છે.

પડધરી તાલુકાની જનતા માટે પડધરી સેન્ટરમાં આવેલી સરકારી હોસ્પિટલ આશીર્વાદરૂપ છે. કોરોનાના કપરા કાળમાં આ સરકારી હોસ્પિટલમાં કબીલેદાદ કામગીરી થઈ હતી. અંત સુધી બધું ઠીક રહ્યા બાદ હવે આ સરકારી હોસ્પિટલના તંત્રના મનમાં શુ પાપ ફૂટ્યું કે પ્રજાની પાયાની એવી આરોગ્ય સવલત પ્રજા પાસેથી છીનવી લેવા માટેનો કારસો ઘડી નાખ્યો.

પડધરી આરોગ્ય વિભાગને દરરોજનો કોરોના ટેસ્ટનો ટાર્ગેટ ગામડે ગામડે જઈને ફરીને પૂરો ન કરવો પડે તે માટે જાતે જ નિયમ બનાવી નાખવામાં આવ્યો કે જે લોકોએ સરકારી હોસ્પિટલમાં ઓપીડી કરાવવી હોય તેમને પહેલા ફરજીયાતપણે કોરોના ટેસ્ટ કરાવવો પડશે.  સરકારી હોસ્પિટલના તંત્રના આવા તખલઘી નિર્ણયને પગલે લોકો સરકારી હોસ્પિટલની આરોગ્ય સેવાનો લાભ લેતા જ બંધ થઈ ગયા છે.

સ્થાનિક તંત્ર બરાબર રીતે જાણે છે કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ટેસ્ટ અંગે હજુ પણ લોકો ભય ધરાવે છે. છતાં પણ ફરજિયાત ટેસ્ટિંગનો નિયમ લાગુ કરતા દરરોજ મોટી સંખ્યામાં લોકો ઓપીડી કરાવ્યા વગર જ હોસ્પિટલે ધક્કો ખાઈને પરત જઈ રહ્યા છે. દરરોજ મોટાભાગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં પૈસા ખર્ચી નિદાન તથા સારવાર કરાવી રહ્યા છે. આ દ્રશ્ય નરી આંખે દેખાતું હોવા છતાં પણ સરકારી હોસ્પિટલના તંત્રએ નિયમ ન હટાવી માનવતાને શર્મશાર કરી દીધી છે.

બેઠા બેઠા ટાર્ગેટ પૂરો કરવો હોવાથી આરોગ્ય સ્ટાફે આવું કારસ્તાન ચાલુ કર્યું

પડધરી તાલુકામાં કોરોના ટેસ્ટિંગની કામગીરી કરવા આરોગ્યના સ્ટાફે ગામડે ગામડે જવું પડતું હોય છે. ઉપરી કક્ષાએ દરરોજની કોરોના ટેસ્ટની કામગીરીનો રિપોર્ટ પણ મોકલવાનો હોય છે. જેમાં ટેસ્ટ ઓછા દર્શાય તો આરોગ્ય સ્ટાફને ઠપકો પણ મળે છે અને નોટિસ પણ મળે છે. ઉપરી કક્ષાએથી કોઈ દંડનિય કાર્યવાહી ન થાય અને ટેસ્ટ માટે ગામડે ગામડે ભટકવું ન પડે તેનો રસ્તો આરોગ્ય સ્ટાફે શોધી લીધો છે. તેઓએ સરકારી હોસ્પિટલમાં બેઠા બેઠા જ ટેસ્ટનો રોજનો ટાર્ગેટ પૂરો થઈ જાય તે માટે સમગ્ર ષડયંત્ર રચ્યું હોવાનું જણાય આવે છે.

ખાનગી હોસ્પિટલોને ખટાવવાનો કારસો ? 

સ્થાનિક આરોગ્ય તંત્રએ એક કાંકરે બે પક્ષી મારવા ભેજું વાપરી ઓપીડી માટે કોરોના ટેસ્ટ ફરજીયાત બનાવવાનો તખલઘી નિર્ણય બનાવી નાખ્યો હતો. જેથી આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે નજીકના સબંધ ધરાવતા ખાનગી હોસ્પિટલો પણ ખાટી જાય. તંત્રના ફરજીયાત ટેસ્ટના નિર્ણયથી આવું જ થયું. દર્દીઓ ટેસ્ટ ન કરાવવો પડે એટલા માટે સરકારી હોસ્પિટલમાં આવતા જ બંધ થઈ ગયા અને ખાનગી હોસ્પિટલમાં જવા લાગ્યા

જો આવો નિયમ રાખવો હોય તો હોસ્પિટલને તાળા મારી દયો : ગ્રામજનો

ગામના જાગૃત નાગરિકોએ એવું  જણાવ્યું કે જો હોસ્પિટલ દ્વારા ઓપીડી પૂર્વે ફરજીયાત કોરોના ટેસ્ટનો નિયમ યથાવત રાખવામાં આવશે. તો તાલુકાનું કોઈ વ્યક્તિ ઓપીડી માટે ત્યાં જવાનું નથી. હવે જો આ હોસ્પિટલમાં કોઈ દર્દી આવવાનું જ ન હોય તો તેનું કામ શુ? માટે જો હવે હોસ્પિટલે આ નિયમ યથાવત જ રાખવો હોય તો તેને તાળા મારી દયો. જેથી અહીંના તબીબો અને સ્ટાફને નવરા બેસવા પણ હોસ્પિટલ સુધી આવવું ન પડે. ઘરે બેઠા જ પગાર મળી જાય.

હોસ્પિટલના અધિક્ષક બોલ્યા કે ડીડીઓ અને સીડીએચઓએ મૌખિક સૂચના આપી છે આવું કરવાની

અબતકની ટીમે આ મામલે હોસ્પિટલના અધિક્ષક એવા મહિલા તબીબનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે ફરજીયાત કોરોના ટેસ્ટનો કોઈ પરિપત્ર તો આવ્યો નથી. પણ એક મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય આરોગ્ય અધિકારીએ દર્દીઓના ફરજિયાત ટેસ્ટ કરવાનું જણાવ્યું હતું. અધિકારીઓએ કહ્યું એટલે અમે ફરજિયાત ટેસ્ટ કરી રહ્યા છીએ.

ડીડીઓ અને સીડીએચઓ બન્નેએ કહ્યું કે અમે આવી કોઈ સૂચના આપી નથી

અબતકની ટીમે પડધરી સરકારી હોસ્પિટલના અધિક્ષકના જવાબની ખરાઈ કરવા ડીડીઓ અને સીડીએચઓ બન્નેનો સંપર્ક સાધ્યો હતો. જેમાં ડીડીઓએ જણાવ્યું કે અમે ફરજિયાત જેવું કશું જ કહ્યું નથી. જરૂર પડ્યે દર્દીઓના ટેસ્ટ કરાવવાનું કહ્યું છે. જ્યારે સીડીએચઓ તો આ સમગ્ર મામલાથી અજાણ જ હતા. આમ બન્ને અધિકારીઓના જવાબથી માલુમ પડ્યું કે પડધરી સરકારી હોસ્પિટલના મહિલા અધિક્ષકે આપેલો જવાબ પાયાવિહોણો હતો.

અંતે સ્ટાફે વટાણા વેરી દીધા, તાલુકાના ટેસ્ટિંગનો આંકડો ઝીરો આવે તો અમને નોટિસ મળે, એટલે આવો નિયમ બનાવ્યો

આ સમગ્ર મામલે અબતકની ટીમ તપાસ કરી રહી હોય આ દરમિયાન પડધરી તાલુકાના આરોગ્ય સ્ટાફના એક વ્યક્તિએ સામેથી સમજાવટ માટે અબતકની ટીમનો સંપર્ક કર્યો હતો. જેમાં તેને વટાણા વેરી દીધા હતા અને જણાવ્યું હતું કે તાલુકામાં કોરોના ટેસ્ટિંગ ઝીરો થાય તો અમને ઉપરથી નોટિસ મળે છે. ટેસ્ટિંગનો ટાર્ગેટ પૂરો કરવા માટે સરકારી હોસ્પિટલમાં ફરજીયાત ટેસ્ટિંગનો નિયમ બનાવવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.