Abtak Media Google News

પત્રમાં મંદિર સુરક્ષાના ડીવાયએસપીની બોગસ સહી: સુરક્ષામાં છીંડા

ઝેડ પ્લસ સુરક્ષા ઘરાવતા પ્રથમ આદિ જયોતિલીંગ સોમનાથ મંદિર સુરક્ષામાં છીંડા જેવી ગંભીર બાબત સામે આવી છે. શ્રાવણ માસ દરમ્યાન મંદિરનું કવરેજ કરવા જવા માટે સોમનાથ મંદિર-પરીસરમાં પત્રકારોને મનાઇ ફરમાવવામાં આવી છે. તેમ છતાં મિડીયા સેન્ટરના બોગસ લેટર અને મંદિર સુરક્ષાના ડીવાયએસપીની ખોટી સહી સાથેનો લેટર બનાવી લેભાગુ શખ્સ મોબાઇલ સાથે મંદિરમાં પ્રવેશ કરી ફરી રહયો હતો. જે અંગે જવાબદાર પોલીસ તંત્રનું ઘ્યાન દોરવામાં આવતા સ્ટાફમાં દોડઘામ મચી હતી.

આ અંગે જવાબદાર પોલીસ વિભાગ અને ટ્રસ્ટને પુછતા બંન્નેએ મૌ સેવી લઇ તપાસ કરી કાર્યવાહી કરવાની લુલી વાતો કરી રહયા છે. ઝેડ પ્લસ સુરક્ષા ઘરાવતા સોમનાથ મંદિરની સુરક્ષામાં છીંડા હોવાની સાબિતી આપતી ગંભીર ઘટના શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સામે આવી છે. જેની જાણવા મળેલ વિગતોનુસાર કોરોના મહામારીને લઇ બિનજરૂરી ભીડ એકત્ર ન થાય તે માટે શ્રાવણ માસ માટે સોમનાથ મંદિરએ અમુક પ્રતિબંઘો સાથેના નિયમો જાહેર કર્યા છે. જેમાં શ્રાવણ માસમાં મંદિરના કવરેજ માટે પત્રકારોને મનાઇ ફરમાવવામાં આવી છે.

ડીજીટલ મીડિયાના માઘ્યમથી તમામ પત્રકારોને મંદિરના દર્શન-આરતી સહિતના કાર્યક્રમોના ફોટા-વિડીયો સમયસર મળી રહે તેવી વ્યવસ્થા અમલી બનાવેલ છે. કોરોનાની ગંભીરતાને ઘ્યાને રાખી આ નિયમ અને વ્યવસ્થાને પત્રકારોએ પણ સ્વીકારી સહકાર આપેલ હતો. શ્રાવણ માસના પ્રથમ દિને સોમનાથમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટયુ હતુ.

એવા સમયે તકનો લાભ લઇ ગીર સોમનાથ મિડીયા સેન્ટરનો સોમનાથ મંદિરના ડીવાયએસપીની સહીવાળો બોગસ મંજૂરી વાળો પત્ર લઇ એક લેભાગુ શખ્સ દ્રારા મંદિરમાં મોબાઇલ સાથે પ્રવેશ કરી અન્ય લોકોને પણ પોતાની સાથે લઈ જઈ વીઆઇપી દર્શન કરાવી રહેલ હતો. જેમાં પ્રવેશદ્રાર પરના નાના કર્મચારીઓ પર રોફ જમાવી રહયો હોવાની ચર્ચાઓ શરૂ થઇ હતી.

આ શખ્સ મોબાઇલ સાથે મંદિરમાં ફરતો હોવા અંગે જવાબદાર પોલીસ અઘિકારીઓનું ઘ્યાન દોરતા ઘડીભર દોડઘામ મચી ગયેલ હતી અને એ જ સમયે લેભાગુ શખ્સ મંદિર છોડી જતો રહયો હતો. જો કે, આ મામલે મંદિરના ડીવાયએસપી ઉપાઘ્યાયને પૂછતા તેઓએ આવી કોઇ મંજૂરી ન આપી હોવાનું જણાવેલ હતું. પરંતુ મંદિર સુરક્ષાની ચેકિંગ વ્યવસ્થા પર આ લેભાગુ શખ્સ દ્વારા સ્થાનિક સુરક્ષા કર્મચારીને બોગસ લેટર બતાવી આપેલ અને મિડીયા કર્મીના નામે પ્રવેશ મેળવેલ જે બોગસ લેટર પણ સુરક્ષા વિભાગ પાસે મોજુદ છે.

સુરક્ષાની દ્રષ્ટિએ અતિ ગંભીર બાબત તો એ છે કે, આ બોગસ લેટરમાં મંદિર સુરક્ષાના મુખ્ય અધિકારી એવા ડીવાયએસપી ઉપાધ્યાયની બનાવટી સહી કરેલ છે. આ ગંભીર બાબતે જયારે જિલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠીએ તપાસ કરાવી લેભાગુ શખ્સ સામે નિયમોનુસાર કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.