Abtak Media Google News

Niraj Chopra 1 1 ભારતનું નીર… નીરજ ચોપડા… કે જેણે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. 7 ઓગસ્ટના રોજ જાપાન ખાતે આયોજિત ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ગઇકાલે વતન પરત ફરેલા નીરજ ચોપડાનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હરિયાણા સરકાર સહિત વિવિધ વિભાગ દ્વારા ઇનામોની વણજાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા(AFI)એ મોટી જાહેરાત કરી છે. 7 ઓગસ્ટના દિવસને નેશનલ જ્વેલીન થ્રો દિવસ તરીકે ઉજવાશે તેમ નક્કી કરવામાં આવ્યું છે.

23 વર્ષીય નીરજ ચોપરા શનિવારે ટોક્યોમાં 87.58 મીટરના અંતરે ભાલો ફેંકીને ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનારો બીજો ભારતીય બન્યો છે. ચોપરા અને અન્ય રમતવીરોના સન્માન સમારોહ દરમિયાન, એએફઆઈના આયોજન પંચના અધ્યક્ષ લલિત ભનોટે જણાવ્યું કે, ભારતભરમાં ભાલા ફેંક રમતને પ્રોત્સાહન મળે, રમતવીરો આગળ આવે તેમને પ્રોત્સાહિત કરવા માટે દેશમાં હવેથી 7 ઓગસ્ટને રાષ્ટ્રીય ભાલા ફેંકવાના દિવસ તરીકે ઉજવવામાં આવશે.

આવતા વર્ષથી સંબંધિત એકમો દ્વારા ભાલા ફેંક રમતનું અને આ રાષ્ટ્રીય દિવસની ઉજવણીનું આયોજન કરશે. આ દિવસે રાજ્યોમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત આંતર-જિલ્લા સ્પર્ધાઓ થશે. આ માટે સરકાર જ ભાલા પૂરા પાડશે. આગામી વર્ષોમાં, અમે આ સ્પર્ધાને રાષ્ટ્રીય સ્પર્ધા બનાવવા માટે વિસ્તૃત કરીશું તેમ એએફઆઈના આયોજન પંચના અધ્યક્ષ લલિત ભનોટે જણાવ્યુ છે.

આ અંગે પ્રતિક્રિયા આપતા નીરજ ચોપડાએ કહ્યું કે મને આનંદ છે કે AFI આગામી દિવસોમાં મારી સિદ્ધિને યાદ રાખવા માટે અને ભાલા ફેંક રમતણે પ્રોત્સાહિત કરવા માટે કામ કરી રહ્યું છે. જો મારી સિદ્ધિ આ દેશના યુવાનો એથ્લેટિક્સ,અને ખાસ કરીને ભાલા ફેંકવાની રમત સાથે જોડાય તો મને ખુશી થશે. જો બાળકોને ભાલા ફેંક રમત સાથેની અન્ય સવલતો મળે તો મને આશા છે કે તેઓ રમતમાં જોડાશે અને તેમને પ્રોત્સાહિત કરવામાં મને આનંદ થશે. તેઓ પણ ભવિષ્યના મેડલ વિજેતા બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.