Abtak Media Google News

ચિંતા ન કરતા, કોરોનાનું ઝેર “ઓસરી” ગયું છે!!

હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણકે કોરોનાનું ઝેર ધીમે ધીમે ઓસરી રહ્યું છે. અગાઉ બે લહેરમાં કોરોનાએ રીતસરનો આતંક મચાવ્યો હતો. ખાસ કરીને બીજી લહેરમાં તો કોરોનાએ મોતનું તાંડવ મચવ્યું હતું. પણ હવે રાહતના સમાચાર આવ્યા છે. કોરોના ધીમે ધીમે ગાયબ થતો જઈ રહ્યો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે ભારતમાં કોરોના સ્થાનિક કક્ષાએ નીચા સ્તરે પહોંચ્યું છે. આ તબક્કો એવો છે કે જેમાં થોડા ઘણા કેસો આવતા જ રહેશે. માટે લોકોએ વાયરસ સાથે જીવવાનું શીખવુ પડશે. કોવેક્સિનને મંજૂરી આપવા પર, તેઓએ કહ્યું કે તેઓને એકદમ વિશ્વાસ છે કે ડબ્લ્યુએચઓનું તકનીકી જૂથ કોવેક્સિનને તેની અધિકૃત રસીઓમાંથી એક બનવા માટે સંતુષ્ટ થશે અને તે સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં થઈ શકે છે.

સ્વામીનાથને કહ્યું કે ભારતના વિવિધ ભાગોની વસતીની વૈવિધ્યતા અને રોગપ્રતિકારકતાની સ્થિતિને જોતાં પણ આ કોવેકસીન સફળ રહેશે તેવું કહી શકાય. સ્વામીનાથને જણાવ્યું હતું કે, દેશમાં હાલ નીચા સ્તરે તથા મધ્યમ સ્તરે સંક્રમણ ચાલી રહ્યું છે. આશા છે કે 2022ના અંત સુધીમાં 70 ટકા લોકોનું રસીકરણ થઈ જશે અને પછી દેશમાં સામાન્ય સ્થિતિ આવી શકે છે.

રેમડેસીવીર અને એચસીક્યુ દર્દીને બચાવવામાં કોઈ ભૂમિકા ભજવતી નથી : WHO

સારવાર માટે રેમડેસિવીર, એચસીકયું અથવા ઇવરમેકટિન જેવી દવાઓના ઉપયોગ અંગે, તેમણે કહ્યું કે, અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી કે આ દવા વાઈરસથી સંક્રમિત લોકોમાં મૃત્યુદર અથવા રોગચાળો ઘટાડવામાં અથવા વાસ્તવમાં લોકોને ચેપ લાગતા અટકાવવા માટે કોઈ ભૂમિકા ભજવતી નથી. તેથી સારવાર અથવા નિવારણ માટે આ દવાઓના ઉપયોગ માટે ભલામણો કરી શકાય તેવા કોઈ આધાર નથી. રેમડેસિવીર મૃત્યુદર ઘટાડતું નથી, તે અમુક દર્દીઓને  નજીવો ફાયદો કરી શકે છે. ચોક્કસપણે રેમડેસિવીર વધુ કામ કરતું નથી.  મધ્યમ અથવા ગંભીર રીતે બીમાર દર્દીઓને ડેક્સામેથાસોન અને ઓક્સિજન એ બે આવશ્યક છે જે જીવન બચાવે છે.

બાળકો ઝપેટમાં આવવાની શકયતા ખૂબ ઓછી 

ડબ્લ્યુએચઓએ જાહેર કર્યું કે બાળકોમાં કોવિડના વ્યાપ અંગે સ્વામીનાથને કહ્યું કે માતા -પિતાએ ગભરાવાની જરૂર નથી. સેરો સર્વે ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. અન્ય દેશોમાંથી આપણે જે શીખ્યા છીએ તેની અમલવારી પણ કરી રહ્યા છીએ. કોરોનામાં બાળકોને સદભાગ્યે ખૂબ જ હળવી બીમારી હોય છે અને થોડી ટકાવારી છે જે વધુ બીમાર પડે છે. પરંતુ તકેદારીના ભાગરૂપે બાળકોના માટે હોસ્પિટલો તૈયાર કરવી, બાળરોગની સઘન સંભાળ ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.