Abtak Media Google News

રાજ્ય સરકારે સમગ્ર અભિયાનની જવાબદારી કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીને સોંપી

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ઉત્સાહી મંત્રીઓનો સમાવેશ કરાયો છે અને નવા મંત્રીઓ લોક કલ્યાણ માટે તત્પર હોવાનો પુરાવો રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ આપી સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં માર્ગો તૂટેલા હોય તેની તસવીરો સાથેની વિગતો વોટ્સએપ કરવા અપીલ કરી છે ત્યારે ખાડાનગરીઓમાં નાગરિકોએ જાગવાનો સમય પાકી ગયો છે અને જ્યાં જ્યાં તૂટેલા છે ત્યાંનો ફોટો અને વિગત મોકલી પ્રજા તંત્રનો કાન આમળી શકશે.

રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ રાજ્યની જનતાને ખાડા ખબડા વાળા રોડની જગ્યાએ સુવિધાયુક્ત રોડ મળે તે માટે અનોખી પહેલ કરી પોતાનો વોટ્સએપ નંબર ૯૯૭૮૪૦૩૬૬૯ પ્રજા માટે જાહેર કર્યો છે.

હવે જ્યારે રાજ્ય સરકારે આવી જાહેરાત કરી છે ત્યારે સવાલ એવો પણ ઉઠ્યો છે કે, જ્યારે પ્રજા વારંવાર રોડ-રસ્તા અંગે રજૂઆતો કરતી હોય તે સંજોગોમાં પણ રજૂઆતોનો કોઈ નિકાલ થઈ શકતો નથી ત્યારે શું ફક્ત એક ફોટો મોકલવાથી આ સમસ્યાનો નિકાલ આવશે કે કેમ?

સમગ્ર રાજ્યમાં જ્યાં – જ્યાં રસ્તાઓ તૂટેલા હોય ત્યાંના જાગૃત નાગરિકો આ વોટ્સએપ નંબર ૯૯૭૮૪૦૩૬૬૯ ઉપર જે તે રોડના ફોટોગ્રાફ્સ અને રસ્તાની સંપૂર્ણ માહિતી પીનકોડ નંબર સાથે મોકલવા અનુરોધ કર્યો છે. આ અભિયાન અંતર્ગત રાજયમંત્રી રોડની હકીકતની સ્થિતિથી વાકેફ બની વહેલામાં વહેલી તકે માર્ગની મરામત કરાવશે.

રાજ્યમંત્રીએ જ્યારે સોનેરી મોકો આપ્યો છે ત્યારે રોડ-રસ્તાની સાચી હકીકત ગાંધીનગર સુધી પહોંચાડવા અત્યારે જ આ વોટ્સએપ નંબર ૯૯૭૮૪૦૩૬૬૯  સેવ કરી ફટાફટ તમારા ગામ, શહેર, શેરી, મહોલ્લાના માર્ગોની સ્થિતિથી માર્ગ મંત્રીને અવગત કરાવો તો જ રસ્તાઓની કાયાકલ્પ થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.