Abtak Media Google News

ગુજરાતમાં સૌપ્રથમ ફરિયાદ નિકાલ બાદ ફિડબેક રેટીંગની સુવિધા આપતી સેવાનો આરંભ

ફરિયાદ નિવારણ માટે કોર્પોરેશનની ટોલ ફ્રી સેવાનો આરંભ: નિયત કરાયેલી સમય અવધીમાં હલ નહીં થયેલી ફરિયાદો મ્યુનિ.કમિશનર સુધી પહોંચશે

ફરિયાદીના મોબાઈલમાં એસએમએસ દ્વારા આવેલી પીન નંબર કર્મચારી કે અધિકારીને આપ્યા બાદ જ ફરિયાદનો નિકાલ થયો ગણાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર ફરિયાદ નિકાલ થયા બાદ ફિડબેક રેટીંગ આપતી સુવિધા સેવાનો આરંભ કરવામાં આવ્યો છે. ઓટીપી આધારિત ફરિયાદ નિવારણ સેવાનો આજે સવારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો છે. સાથે સાથે 1800-123-1973 ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. અલગ અલગ વિભાગની ફરિયાદોના નિકાલ માટે કલાકો પણ નિયત કરી દેવામાં આવ્યા છે. નિયત અવધીમાં જો ફરિયાદનો નિકાલ નહીં થાય તો આવી ફરિયાદો મ્યુનિ.કમિશનર સુધી પહોંચશે અને ક્યાં કારણોસર ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો નથી તે અંગે અધિકારીઓને ખુલાસા પુછવામાં આવશે.

આજે સવારે મહાપાલિકાની ઓટીપી આધારિત ફરિયાદ નિવારણ સેવાનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં ડ્રેનેજ શાખાને લગતી અલગ અલગ ફરિયાદોનો 24 થી 48 કલાકમાં પ્રથમ લેવલે નિકાલ કરી દેવો પડશે. જો આ ફરિયાદ બીજા લેવલે પહોંચશે તો 48 થી 72 કલાક સુધીમાં અને ત્રીજા લેવલમાં 72 થી 96 કલાક સુધીમાં તેનો નિકાલ કરી દેવાનો રહેશે. અન્યથા ફરિયાદ મ્યુનિ.કમિશનર સુધી પહોંચી જશે. ફૂડ વિભાગને લગતી ફરિયાદોનો નિકાલ એક જ દિવસમાં કરી દેવાનો રહેશે. બીજા લેવલમાં 2 દિવસ અને ત્રીજા લેવલમાં 3 દિવસમાં ફરિયાદનો નિકાલ નહીં થાય તો અધિકારીઓએ ખુલાસા રજૂ કરવા પડશે. જ્યારે રોશની વિભાગની ફરિયાદ 72 થી લઈ 120 કલાક સુધીમાં નિકાલ કરી દેવાનો રહેશે.

જ્યારે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા અંતર્ગત વોકળા સફાઈ સહિતની ફરિયાદોનો નિકાલ 1 થી 3 દિવસમાં કરવાનો રહેશે. આ ઉપરાંત કચરો નથી ઉપાડ્યો, ખુલ્લા પ્લોટની સફાઈ નથી થતી, વોંકળા સાફ નથી થતાં, સફાઈ કામદારો કામ નથી કરતા, ટીપરવાન નથી આવતી તેવી ફરિયાદોનો નિકાલ 24 થી 96 કલાક સુધીમાં કરવાનો રહેશે. જ્યારે વોટર વર્કસ શાખાને લગતી ધીમા ફોર્સથી પાણી વિતરણ, ઓછો સમય પાણી મળતું હોવાનું, પાણી ન મળ્યું હોવાનું અને દુષિત પાણી મળતું હોવાની ફરિયાદ 1 દિવસમાં અને વધુમાં વધુ 7 દિવસમાં ઉકેલવાની રહેશે. નિયત અવધીમાં જો ફરિયાદ નહીં ઉકેલાય તો તે કમિશનર સુધી પહોંચી જશે.

ફરિયાદ નિકાલ થયા બાદ ફરિયાદીના મોબાઈલ પર એસએમએસ દ્વારા એક પીન નંબર મોકલવામાં આવશે જે કર્મચારી કે અધિકારીને આપ્યા બાદ ફરિયાદનો નિકાલ થયો ગણાશે. ફરિયાદ કરનાર પાસેથી ફીડબેક લેવામાં આવશે જેમાં વેરીપુઅર, પુઅર, ગુડ, સેટીસ્ફાઈડ અને એક્સીલન્સ જેવા 1 થી 5 સ્ટાર રેટીંગ આપવાના રહેશે જેના આધારે ગુણવત્તાનું એનાલીસીસ કરવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓ માટે મોબાઈલ એપ પર સમગ્ર સીસ્ટમની મોનીટરીંગની સુવિધા પણ રાખવામાં આવી છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના હસ્તે આજે મહાપાલિકાની પીન આધારિત ફરિયાદ નિવારણ સેવા તેમજ ટોલ ફ્રી નંબર 1800-123-1973નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ આર. ડવએ જણાવ્યું હતું કે, મહાપાલિકા  શહેરીજનોની સુખાકારી માટે હંમેશા પ્રયત્નશીલ છે. જુદી જુદી શાખાઓને લગતી ફરિયાદોના ત્વરિત નિકાલ માટે અને ફરિયાદનો ખરેખર નિકાલ થયો છે કે કેમ તે અંગેની જાણ ફરિયાદીને મળી રહે તે માટે અદ્યતન પ્રકારની અને ફીડબેક રેટિંગ સહિતની સુવિધાવાળી  સેવા ગુજરાતભરની તમામ મહાપાલિકાઓમાં સૌપ્રથમ વખત લોન્ચ કરવામાં આવી છે.

વર્ષ 2008માં 24 કલાક કોલ સેન્ટરના નં. 0281-2450077 પર મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ અંગેની લોકોની ફરિયાદ નોંધણીની શરૂઆત કરવામાં આવી. સને 2010થી મહાનગરપાલિકાની વેબસાઈટ પર તેમજ સને 2016થી મહાનગરપાલિકાની મોબાઈલ એપ્લીકેશન પરથી પણ ફરિયાદ નોંધણી શરૂ કરવામાં આવી. હાલમાં બાંધકામ, વોટરવર્કસ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, રોશની, ડ્રેનેજ સહિતના 30થી વધારે વિભાગોની અંદાજે 100 કરતા વધુ પ્રકારની વાર્ષિક 2 લાખથી વધારે ફરિયાદો કોલ સેન્ટર પર નોંધી, સંબંધિત વિભાગોને આગળની કાર્યવાહી અર્થે મોકલવામાં આવે છે.

આધુનિક ટેકનોલોજીના ઉપયોગ વડે લોકોની ફરિયાદનુ નિરાકરણ ઝ્ડપથી અને વધારે સારી રીતે કરી શકાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા સમય સાથે તાલ મિલાવવા કટિબદ્ધ છે. આ પ્રયાસના ભાગ રૂપે ટોલ-ફ્રી નંબર 1800-123-1973નો શુભારંભ કરવામાં આવ્યો છે.

લોકોની ફરિયાદોનો સમયસર તેમજ સચોટ નિકાલ થાય તેમજ ખરેખર ફરિયાદ નિકાલ થયા અંગેની ખરા અર્થમાં જાણ લોકોને પણ મળે તે માટે પીન આધારીત ફરિયાદ નિવારણ પધ્ધતિનો શુભારંભ કરવામાં આવી રહયો છે. આ પદ્ધતિમાં જ્યારે લોકોની ફરિયાદનું મહાનગરપાલિકા દ્વારા નિવારણ કરવામાં આવશે ત્યારે ફરિયાદીને એક એસએમએસી દ્વારા પીન નંબર મોકલવામાં આવશે. આ પીન નંબર ફરિયાદીને પોતાની ફરિયાદનો નિકાલ થયા બાદ મહાનગરપાલિકાના કાર્મચારી/અધિકારીને આપવાનો રહેશે જે પીન નંબર સંબધિત અધિકારી પોતાના મોબાઈલમાં દાખલ કરશે, ત્યારબાદ જ ફરિયાદનો ખરા અર્થમાં નિકાલ થયો ગણાશે. આ સમગ્ર પ્રકિયા અમલમાં આવતા, લોકોનો રાજકોટ મહાનગરપાલિકા પરનો વિશ્વાસ વધારે સુદ્રઢ બનશે. આ તકે મેયર ડો.પ્રદિપ આર. ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, તેમજ ડે.કમિશનર ચેતન નંદાણી, મ્યુનિસિપલ સેક્રેટરી ડો.એચ.પી.રૂપારેલીઆ, ડાયરેક્ટર આઈ.ટી. સંજય ગોહિલ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.