Abtak Media Google News

ઋત્વિજ પટેલને લાફો મારવાની ઘટના કોંગ્રેસનું ષડયંત્ર હોવાનો ભાજપનો આક્ષેપ.

અનામત આંદોલન ના એપી સેન્ટર મહેસાણામાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ ડો.ઋત્વિજ પટેલના અભિવાદન સમારોહ અંતર્ગત યોજાયેલી બાઇક રેલીમાં મોઢેરા ચાર રસ્તા પાસે આવ્યા ત્યારે પાસના એક ચુસ્ત ટેકેદારે ટોળામાં ધસી જઇને તેમના પર હુમલો કરી તમાચો ઝીંકી દીધો હતો. ઋત્વિજની સાથે રહેલા યુવા મોરચાના કાર્યકરોએ તેને ઝડપી લઇ તેની ધોલાઇ કરી હતી. દરમિયાન પોલીસે ધસી જઇને તમાચો મારનાર યુવાન અને તેના કેટલાક સાથીદારોને પકડી લીધા હતા. ગયા મહિને સુરતના વરાછામાં પણ ડો.ઋત્વિજને પાસ કાર્યકરોએ ધક્કે ચડાવી લાફા માર્યા હતા.

બાદમાં ઋત્વિજ પટેલે લાફો મારવાની ઘટના કોંગ્રેસનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો હતો અને લાફો મારનાર પાટીદાર યુવકને ભગવાન સદબુધ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી. મોઢેરા સર્કલ પાસે પાટીદારો જય સરદાર ના સૂત્રો સાથે રેલીમાં ધસી આવ્યા હતા અને થોડા સમય માટે તંગદિલી ફેલાઈ ગઈ હતી. પોલીસે સુત્રોચાર કરી ધસી આવેલા પાટીદારો ની અટકાયત કરી હતી. જો કે આ ઘટના બનવા છતાં ડો. ઋત્વિજ પટેલે બાઇક રેલી કાઢી હતી અને મોઢેરા સર્કલે પહોંચીને ત્યાંની સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ રેલી મહેસાણાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા પાટીદાર આંદોલનકારો અને ખાસ તો હાર્દિક પટેલ અને તેના સાથીઓનો વિરોધ કરવા કાઉન્ટર પ્રતિકાર રૂપે લડાયક મિજાજ ધરાવતા ડો. ઋત્વિજ પટેલને ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. પરંતુ હાર્દિક પટેલના સંગઠન દ્વારા ડો. ઋત્વિજનો વિરોધ કરવાનો વ્યૂહ રચ્યો હોય એમ તેમની સામે પ્રતિકાર કરવાની તક તેઓ છોડતા નથી

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.