Abtak Media Google News

પાની…રે પાની… તેરા રંગ કૈસા…

નેવાના પાણી મોભે પહોંચાડવા જેવુ કઠીન કામ વિજયભાઈ રૂપાણીની દુરંદેશીના કારણે સાકાર થયું: નેતૃત્વ ક્ષમતાથી પૂર્વ મુખ્યમંત્રીએ ‘સૌની’ને કોઈની જાગીર નહીં પણ ખરા અર્થમાં ‘સૌની’ બનાવી!!

સૌરાષ્ટ્રમાં એક સમયે પાણીની કારમી તંગીના કારણે લોકોએ હીજરત કરવી પડતી હતી આજે વર્ષમાં બબ્બે વખત નર્મદાના નીરથી ડેમને છલકાવી દેવાય છે

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્ર માટે સંજીવની બનેલી “સૌની” યોજના મારા કારણે સાકાર થઈ હોવાના દાવાઓ અલગ અલગ નેતાઓ દ્વારા ભારે બુમબરાડા સાથે કરવામાં આવી રહી છે. પાણીમાં પણ રાજકારણનો ડહોળો રંગ ભળી ગયો છે. વાસ્તવમાં પાણી પુરવઠા મંત્રી અને ત્યારબાદ મુખ્યમંત્રીપદે રહી વિજયભાઈ રૂપાણીની દુરંદેશી અને કોઠાસુઝના કારણે સૌની યોજનાનો સાક્ષાત્કાર થયો છે. નપાણીયા સૌરાષ્ટ્રને પાણીદાર કરવા તેઓએ આ યોજનાને સાકાર કરવા જીવ રેડી દીધો જેના કારણે આ વર્ષે ચોમાસાની સિઝનમાં બે મહિના વરસાદ ખેંચાયો છતાં સૌરાષ્ટ્રમાં ક્યાંય પાણીની હાડમારી ન સર્જાઈ, રાજકોટ જેવા મહાનગરમાં દુષ્કાળ ભુતકાળ થઈ ગયો. માત્ર ચોમાસામાં જ નહીં શિયાળો કે ઉનાળામાં પણ ડેમો ઓવરફલો થવા સક્ષમ બની ગયા.

સૌરાષ્ટ્રની ગણના નપાણીયા પ્રદેશ તરીકે થતી હતી. ઉનાળાનો આરંભ થતાની સાથે જ સૌરાષ્ટ્રમાં બેડા યુદ્ધ જામે, ટેન્કરો દોડવા લાગે, એક એક બેડા પાણી માટે મહિલાઓએ કિલોમીટરના કિલોમીટર સુધી રઝળપાટ કરવી પડે, ખુન-ખરાબા થાય. સૌરાષ્ટ્રવાસીઓને પાણી પૂરું પાડવા માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલે નર્મદાના નીર આપવાનો મહત્વકાંક્ષી પ્રોજેકટ હાથ પર લીધો. વિશ્ર્વ બેન્કે આ ભગીરથ કાર્ય માટે અબજો રૂપિયાની લોન પણ આપી પરંતુ ઝડપથી જશ ખાટી લેવાની મેલી મુરાદના કારણે યોજનાને ધારી સફળતા ન મળી. વિશ્ર્વ બેન્કે સ્પષ્ટતા કરી હતી કે નર્મદાના પાણી સૌરાષ્ટ્રના ગામે ગામ સુધી પહોંચાડવા માટે ઓપન કેનાલના બદલે બંધ કેનાલો અથવા પાઈપ લાઈન બીછાવવાની તાકીદ કરી હતી. છતાં સરકારે ખુલ્લી કેનાલો બનાવી જેના કારણે સૌરાષ્ટ્રને ધાર્યા પરિણામો ન મળ્યા.

2012 વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટના હેમુગઢવી હોલ ખાતેથી એવી ઐતિહાસિક જાહેરાત કરી કે, સૌરાષ્ટ્રના 115 ડેમોને નર્મદા નીરથી ભરી દેવા સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન (સૌની) યોજના શરૂ કરવામાં આવશે. પ્રારંભમાં આ વાત થોડી કાલ્પનીક લાગી. 2014માં નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન પદે સત્તારૂઢ થતાં તેઓએ ગુજરાતની ગાદી છોડી અને રાજ્યની કમાન આનંદીબેન પટેલના હાથમાં આપી સૌની યોજના સાકાર થશે કે કેમ તેની સામે સવાલો ઉભા થવા લાગ્યા. આવા સમયે વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ બનતા રાજકોટમાં ખાલી પડેલી વિધાનસભાની બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં વિજયભાઈ રૂપાણીનો વિજય થયો. તેઓને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા અને પાણી પુરવઠા વિભાગનો હવાલો સોંપાયો. તેઓએ સૌપ્રથમ “સૌની” યોજનાને ફરી વેગવંતી બનાવવા માટેની કામગીરી હાથ પર લીધી. ઢાંકી પમ્પીંગ સ્ટેશન સૌરાષ્ટ્રનું પાણીયારૂ બન્યું અને નપાણીયુ કહેવાતું સૌરાષ્ટ્ર હવે પાણીદાર બનવા લાગ્યું.

Sauni Yojana

વર્ષ 2016માં વિજયભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બનતાની સાથે જ સૌની યોજનાને ખૂબ જ વેગ મળ્યો. સૌરાષ્ટ્રના મોટાભાગના ગામોમાં નર્મદાના નીર પહોંચી ગયા. નેવાના પાણી મોભે ચઢાવવા જેવું કઠીન કામ વિજયભાઈએ સાકાર કર્યું. રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા આજી, ન્યારી અને ભાદર ડેમને સૌની સાથે જોડી દુષ્કાળને કાયમી માટે જાકારો આપી દીધો. ચોમાસાની સીઝનમાં ભારે વરસાદમાં પણ પાંચ વર્ષે એકવાર ઓવરફલો થતો આજી ડેમમાં હવે બારે માસ જળ વૈભવ જોવા મળે છે. આ વર્ષે જુલાઈ અને ઓગષ્ટ માસમાં વરસાદ ન પડ્યો હોવા છતાં વિજયભાઈની દુરંદેશીના પ્રતાપે જ સૌરાષ્ટ્રવાસીઓએ પાણીની હાડમારી કે પાણીકાપ જોવો પડ્યો નથી.

રાજ્યના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ એવી ડંફાશો હાંકી રહ્યાં છે. સૌની યોજના માટે તેઓએ ફાળવેલા નાણાના કારણે યોજના સાકાર થઈ. તેઓએ નાણામંત્રીના હોદ્દાની રૂએ નાણા ફાળવ્યા હતા. વાસ્તવ આ યોજનાને સાકાર કરવા માટે તેઓએ રતિભાર પણ રસ લીધો નથી કે કષ્ટ ઉઠાવ્યું નથી.

એકમાત્ર વિજયભાઈ રૂપાણીની દુરંદેશી અને કોઠાસુઝના કારણે સૌની યોજના સાકાર થઈ છે તેવું કહેવામાં આવે તો પણ જરા પણ અતિશયોક્તિ નથી. અગાઉ નર્મદાના નીર સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવા માટે 17 ટકાના તોતીંગ વ્યાજ સાથે બોન્ડ બહાર પડાયા હતા. નર્મદાના પાણી રાજ્યના ગામે ગામે પહોંચે તે માટે ખૂબ જ મોટી કિંમત રાજ્યની જનતાએ ચૂકવી છે.

વર્ષોથી કાગળ પર જ ચાલતી કલ્પસર યોજનામાં આજે જે થોડી-ઘણી પ્રગતિ જોવા મળે છે તેનો જશ પણ વિજયભાઈને આપવો રહે. સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ર્નને કાયમી જીવતો રાખી મત હાંસલ કરવાની ગંદી રાજનીતિ તમામ નેતાઓએ ચલાવી હતી. નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજના અમલમાં મૂકી સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવા માટેનો પાયો ખોદયો તેના પર મજબૂત ઈમારતનું નિર્માણ વિજયભાઈ રૂપાણીએ કર્યું. રાજ્યના મુખ્યમંત્રી પદે પાંચ વર્ષથી વધુ સમય રહેનારા વિજયભાઈએ “સૌની” સાક્ષાત્કાર કરાવી નપાણીયા સૌરાષ્ટ્રને પાણીદાર બનાવી દીધુ.

રાજકારણમાં પોતાની લાઈન લાંબી કરવા અને વજન વધારવાનું બંધ કરી ‘સૌની’ના ખરા હકકદારની સરાહના કરવી જોઈએ: રાજકોટમાં પણ નર્મદા મૈયાના આશિર્વાદથી દુષ્કાળ ભૂતકાળ બન્યો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.