Abtak Media Google News

નિવૃત્તિના બે કલાક પૂર્વે  સ્ટાફના બેંક ખાતામાં પી.એફ. સહિતના નાણાં જમા થઈ ગયા

રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવી છે અને તેનો અમલ ગઈકાલથી શરૂ કરી દેવામાં આવતા અધિકારી-કર્મચારી સમૂહમાં આનંદની લાગણી પ્રસરી છે અને આ નવી ઉમદા પહેલ માટે કમિશનર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

ગઈકાલે  નિવૃત્ત થયેલા સ્ટાફ સદસ્યોમાં ગાર્ડન એન્ડ પાર્ક્સ શાખાના ડાઈરેક્ટર ડો. કે.ડી.હાપલિયા, ટેક્સ બ્રાંચ(ઈસ્ટ ઝોન)નાં સિનિયર ક્લાર્ક  જીતેન્દ્રભાઈ કાંતિલાલ જોશી, આરોગ્ય શાખાના ડ્રાઈવર જેરામભાઈ છગનભાઈ વીરસોડીયા, ગાર્ડન શાખાના સ્વીપર લેબર મંજુલાબેન ખીમજીભાઈ મકવાણા, સ્પેશિયલ ક્ધઝર્વન્સીનાં લેબર વિઠ્ઠલભાઈ ભીખુભાઈ ચૌહાણ અને સુરક્ષા વિભાગના વોચમેન રાજુભાઈ ગોવિંદભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.

ગઈકાલે  સાંજે   યોજાયેલા નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનર  અમિત અરોરાના વરદ હસ્તે અધિકારી / કર્મચારીઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ તેમણે નિવૃત થયેલા સભ્યોને તંદુરસ્ત દીર્ઘાયુની શુભેચ્છા પણ પાઠવી હતી અને નિવૃત્તિ વિદાયમાન શુભેચ્છા પત્ર પણ અર્પણ કરવામાં આવ્યો હતો.બે કલાક પૂર્વે 4 વાગ્યે નિવૃત સ્ટાફના બેંક ખાતામાં પી.એફ. સહિતના નાણાં જમા કરી દેવાયા હતાં. ગ્રેચ્યુઈટીની રકમ તા.5-10-2021 સુધીમાં જમા થઇ જશે અને પેન્શન સંબંધી પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવેલી છે.

આ અવસરે કમિશનરે  કહ્યું હતું કે,  મહાપાલિકાનાં હાથપગ સમા અધિકારીઓ અને કર્મચારીઓ તેમના જીવનનાં અતિ મહત્વના વર્ષો મહાનગરપાલિકાને આપે છે. નિવૃત્ત થયેલ મનપાનાં સદસ્યોએ તેમની જિંદગીનો મહત્વનો જે સમય મનપા અને રાજકોટને આપ્યો છે તે બદલ તંત્ર તેમનો આભાર વ્યક્ત કરે છે. બીજી મહત્વની બાબત એ છે કે, નિવૃત્ત થતા અધિકારી અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા હક્ક રજા સહિતના લાભો મળી જાય એ સુનિશ્ચિત થાય એ પણ એટલું જ જરૂરી છે. મહાનગરપાલિકાએ હવેથી આ પ્રણાલી શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.