Abtak Media Google News

તૈયાર થયેલો પાક પાણીમાં પલળતા ખેડૂતોને ફરી ફટકો પડયો : માર્કેટ યાર્ડમાં પણ નુકસાની 

અબતક, રાજકોટ : મેઘરાજાના પાછોતરા પ્રહારથી જગતાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ અચાનક મેઘરાજા વરસ્યા હતા. જેને કારણે તૈયાર થયેલા પાકને નુકસાની થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે.

આ ચોમાસામાં મેઘરાજાએ ઓચિંતાના અનહદ કૃપા વરસાવી હોય પીવાના પાણીની સમસ્યા તો દૂર થઈ છે. પણ સામે ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે. અતિવૃષ્ટિના કારણે અનેક ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. ભાદરવા માસમાં પાછોતરા વરસાદને લઈને પાકો સડી તેમજ નિષ્ફળ જવા પામ્યા છે. સૌરાષ્ટ્રભરમાં ભાદરવા માસના પાછોતરા વરસાદને કારણે અતિવૃષ્ટિ,લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ છેલ્લા એક અઠવાડિયા જેવી વરાપ નીકળતા ખેડૂતોને બગડેલા ફરીથી સારા થવાની આશા બંધાણી હતી.

જેને લઈને ખેડૂતોએ મગફળી સહિતના પાકને લણવાની શરૂઆત કરી હતી અને મગફળીના પાકના પાથરા પોતાના ખેતરમાં કર્યા હતા પરંતુ ગઈકાલે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને ભારે વરસાદ વરસ્યો હતો જેમને લઈને ખેડૂતોએ પાક ઊપર આવેલ મગફળીના પાકને લણવાની શરૂઆતમાં જ મગફળીના પાકના પાથરા વરસાદી પાણીમાં પલળી ગયા હતા અને ખેતરોમા વરસાદી પાણી ભરાયા હતા જેમને લઈને મગફળીનો પાક સંપૂર્ણ પણે નિષ્ફળ જવાની દહેશત સર્જાઈ છે.

આ ઉપરાંત ગઈકાલે તડકો દેખાયો હોય અસહ્ય ઉકળાટ ફેલાયો હતો. એવો અંદાજ પણ ન હતો કે વરસાદ વરસશે. જેને કારણે વિવિધ યાર્ડમાં પણ કોઈ તકેદારી રખાઈ ન હોય અચાનક પડેલા વરસાદને કારણે યાર્ડને પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગીર પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે વડીયા-કોડીનારમાં એક ઇંચ તથા રાણાવાવ, જૂનાગઢ, ગોંડલમવા એક ઇંચ વરસાદ ઉપરાંત ભાણવડ, ખાંભા, ઉપલેટા, જેતપુર, તલાળા, પોરબંદર, વંથલી, માણાવદર સહિતના વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા.

સૌરાષ્ટ્રમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના

રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે

પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં 5.8 કિ.મી.ની ઉંચાઇ પર એક સાયક્લોનીક સરક્યુલેશન સર્જાયું છે. જેની અસર તળે સૌરાષ્ટ્રમાં આજે પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની સિઝન હવે વિદાય લઇ રહી છે. સૌરાષ્ટ્રમાં રેકોર્ડ બ્રેક વરસાદ વરસી ગયો હોવા છતા હજી વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થતો નથી. અસહ્ય ઉકળાટનો અનુભવ લોકો કરી રહ્યાં છે. હજી બે દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર નૈઋત્યનું ચોમાસુ હાલ વિદાય લઇ રહ્યું છે. ચોમાસાના પવનો મોતીહારી ગયા, અંબિકાપુર, મંડલા, ઇન્દોર, ગાંધીનગર, રાજકોટ અને પોરબંદર પરથી પરત ફરી રહ્યાં છે. અરબી સમુદ્રમાં દરિયાઇ સપાટી પરથી 5.8 કિ.મી. ઉંચાઇ  પર એક સાઇક્લોનીક સરક્યુલેશન સર્જાયુ છે. જેની અસર તળે આજે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સૌરાષ્ટ્રમાં રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે.

આવતીકાલ પણ અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે તેવી શક્યતા રહીલી છે.આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. વલસાડના કપરાડામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગરના ઉમરાળા દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. વડીયામાં એક ઇંચ, જૂનાગઢમાં એક ઇંચ, ઉપલેટામાં પોણો ઇંચ, જામકંડોરણામાં પોણો ઇંચ, રાણાવાવમાં પોણો ઇંચ, ગોંડલ, વંથલી, લોધિકામાં અર્ધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

આ ઉપરાંત કાલાવડ, ભાણવડ, ખાંભા, ધોરાજી, જસદણ, માંગરોળ, તાલાલા, માણાવદર, જેતપુર, પોરબંદર અને મેંદરડામાં પણ ઝાંપટા પડ્યા હતાં. આજ સુધીમાં ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં 96.26 ટકા, કચ્છમાં 112.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 71.92 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 84.06 ટકા, સૌરાષ્ટ્રમાં 115.62 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 94.49 ટકા વરસાદ પડ્યો છે. આજે સવારથી અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.