Abtak Media Google News

સોરઠની વિભૂતિ એવા ગૌસ્વામી કિશોરચંદ્રજી મહારાજની આજે ઓચિંતી વિદાય થઈ છે. એકાએક મહાન વિભૂતિની વિદાયથી સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય શોકમય બની ગયો છે. ગૌસ્વામી કિશોરચંદ્રજી વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ મોટું નામ ધરાવતા હતા. તેઓ વલ્લભાચાર્યની 16મી પેઢીના વંશજ છે. કિશોરચંદ્રજી મહારાજ નિત્યલીલામાં પધારતા સમગ્ર વૈષ્ણવ સમાજ શોકમગ્ન થયો છે.

જુનાગઢ જેવી પવિત્ર અને ઐતિહાસિક નગરીની મધ્યમાં આવેલ પંચહાટડી ચોકમાં સ્થિત મોટી હવેલીની ગાદી પર બિરાજમાન ગોસ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજની વિદાય સાથે જાણે એક મહાન યુગ આથમી ગયો છે. આધિભૌતિક -આધ્યાત્મિક, આધિદૈવિક સાક્ષાત્કાર થયેલ ગૌસ્વામી કિશોરચંદ્રજી મહારાજે કળીયુગના જીવોના ઉધ્ધાર માટે સમગ્ર જીવન વ્યતીત કર્યું હતું. વિજ્ઞાન સાથે જોડાયેલ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ધર્મનો સંદેશો આપતા તેઓએ શુધ્ધશ્વેતનાના સિધ્ધાંતો ધ્યાનમાં રાખી વૈષ્ણવ સંપ્રદાયને સતત માર્ગદર્શિત કર્યો છે.

 

ગૌસ્વામી કિશોરચંદ્રજી મહારાજના કલ્યાણ, સત્ય, દયા, સરળતા વગેરે ગુણોના આચરણ થકી જ લોકોને તત્ત્વબોધ મળી જતો હતો. તેઓએ સાચા અર્થમાં “આચાર્ય“ની પદવી શોભાયમાન કરેલી. તેઓ દ્વારા દુકાળના વર્ષોમાં ગૌધન માટેની તન-મન-ધનની જહેમત કે પછી પુરૂષોતમલાલજી ગૌશાળામાં થતું પુણ્યકાર્ય અદ્રિતિય છે. તેઓ દ્વારા 190 જેટલા ગામ-શહેરોમાં 290થી વધુ પુષ્ટિસંસ્કાર શાળાઓ અને સમય સાથે કદમ મિલાવતા ‘ઓનલાઈન’ ઉદ્દબોધનોથી અનેક સંસ્કારબીજ વવાયાં છે.

દુષ્કાળમાં પોતાની ખાનગી સંપત્તિ વહેંચી નાખી પશુઓને નિરણની વ્યવસ્થા પુરી પાડી હતી

Sorath

ગોસ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજના પિતાશ્રી ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજે આજ ગાદી પર બિરાજીને સ્વતંત્રતા વખતે તેમજ દુષ્કાળ દરમ્યાન રાષ્ટ્રહિતના કાર્યો કર્યા હતા. જેણે જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યવાસીઓ આજે પણ યાદ કરે છે. વર્ષ ૧૯૮૭ના સમયમાં દુષ્કાળ દરમ્યાન કિશોરચંદ્રજી મહારાજે ગોસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે પોતાની ખાનગી સંપત્તિ વહેચીને પણ સમગ્ર સોરઠમાં ગામડે ગામડે કેટલ કેમ્પ ખોલીને દરેક પશુને માટે નીરણની વ્યવસ્થા લાંબા સમય સુધી કરી આપી હતી. જે ક્યારેય વિસરી શકાય તેમ નથી.

જગતગુરુ શ્રી વલ્લભાચાર્યની 16મી પેઢીના વંશજ શ્રી કિશોરચંદ્રજી મહારાજ

જગતગુરુ શ્રી વલ્લભાચાર્યની 16મી પેઢીમાં શ્રી કિશોરચંદ્રજી મહારાજનું પ્રાગટ્ય થયું હતું. તેમનું બાળપણ કચ્છના માંડવીમાં વીત્યું હતું. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ અર્થે બોમ્બે ગયા હતા. તેઓ બી.એ. સુધીની પદવી ધરાવે છે. તેઓએ શાસ્ત્રો, વેદો, ઉપનિષદો અને ભાગવત વગેરે જેવા શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હતો.

ગૌ. કિશોરચંદ્રજી મહારાજની આજ્ઞાથી પ્રકાશિત થયેલા અનેક પુસ્તકો,સામાયિકો અને ઉત્સવોથી અનુપસ્થિતિમાં પણ ચારિત્ર્ય નિર્માણ થતું જ રહેશે. આવતી પેઢીઓમાં ધર્મ અને સંસ્કૃતિને નિખારાવવા નિર્ધારેલ વિશાળ સપનું ‘પુષ્ટિ સંસ્કારધામ’ માટે ભાવિકોને નિશ્રામાં રહેવાનો અનન્ય લાભ પ્રાપ્ત થયેલ છે. તેમના દ્વારા દાખવેલ જ્ઞાન, કર્મ અને ભક્તિમાર્ગ સૌ વૈષ્ણવોને સદીઓ સુધી પ્રેરિત કરતા રહેશે. ગૌસ્વામી કિશોરચંદ્રજી મહારાજશ્રીના ચરણોમાં અનંત વંદન કર્યા છે. અગિયારસ પાવન દીને તેઓ નિત્યલીલામાં પધાર્યા છે. આજરોજ બપોરે અંતિમયાત્રા મોટી હવેલી જુનાગઢ ખાતેથી નિકળી હતી. જેમાં અશ્રુભીની આંખે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.