Abtak Media Google News

અબતક,રાજકોટ

રાજય સરકાર દ્વારા આગામી એક પખવાડીયામાં ગુજરાત વાસીઓને કોરોનાથી સુરક્ષીત  કરવા માટે ઘર ઘર  દસ્તક  અભિયાન હેઠળ રોજ 75 ગામોમાં વેકિસન આપવામાં આવશે.  ટીમો બનાવવામાં આવી છે તેમ રાજય સરકારના પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતુ. પ્રવક્તા મંત્રી અને શિક્ષણ મંત્રી  જીતુભાઇ વાઘાણીએ  વધુમાં ઉમેર્યું હતુ  કે, રાજ્યના નાગરિકોને કોરોનાથી રક્ષિત કરવા માટે વેક્સીન અમોધ શસ્ત્ર પુરવાર થઇ રહ્યુ છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઘર ઘર દસ્તક અભિયાન હાથ ધરીને ઘરે ઘરે વેકસીન આપવામાં આવનાર છે જે અંતર્ગત રાજ્યમાં આગામી 15 દિવસમાં દરરોજ 750 થી 800 ટીમો બનાવી 75 ગામોમાં જઇને વેક્સીનેશન કામગીરી હાથ ધરાશે.

ગઈકાલે  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાગરિકોની સુખાકારી માટે અનેકવિધ નિર્ણયો કરાયા છે એ માટે મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને સૂચનાઓ પણ આપી દીધી છે. મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, રાજ્યમાં આગામી નવ દિવસમાં ઘરે ઘરે જઇને વેક્સીનેશનની કામગીરી હાથ ધરાશે. જેમાં દરેક જિલ્લામાં 75 ટીમો બનાવાશે અને રોજના 75 ગોમોને આવરી લેવાશે.

800 જેટલી ટીમો બનાવવામાં આવી: બીજો ડોઝ લેવામાં બાકી 10 લાખ લોકોને શોધી રસી

અપાશે: નવી શિક્ષણ નીતિના  રાજયવ્યાપી અમલ માટે રોડ મેપ તૈયાર: જીતુભાઈ વાઘાણી

તેમણે કહ્યુ કે, રાજ્યમાં 65 લાખ નાગરિકોને બીજો ડોઝ લેવાનો બાકી હતો તેમને શોધીને 55 લાખ લોકોને બીજો ડોઝ આપી દેવાયો છે અને બાકીના 10 લાખ લોકોને સત્વરે બાકીનો ડોઝ આપી દેવાશે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં નાગરિકોને આરોગ્ય સવલત પુરી પાડવા માટે નિરામય યોજના કાર્યાન્વીત કરી છે. જે હેઠળ એક જ દિવસમાં 66 હજારથી વધુ નાગરિકોનું સ્ક્રીનીંગ કરાયુ છે. 20 હજારથી વધુ લોકોને લેબોરેટરીની સુવિધા આપી છે. 5 હજારને હેલ્થ કાર્ડ અપાયા તથા 14 હજાર લોકોને ઙખઉંઅઢ-મા કાર્ડ એનાયત કરાયા છે.

આગામી સમયમાં વધુને વધુ નાગરિકોનું સ્ક્રિનિંગ થાય એ માટે સમયબદ્ધ આયોજન કરાયુ છે. મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, રાજ્યમાં આજથી આત્મનિર્ભર ગ્રામ યાત્રા શરૂ થઈ છે. જે હેઠળ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે.  આ ત્રણેય દિવસ યોજાનારી યાત્રામાં અંદાજે રૂા.2000 કરોડથી વધુ રકમના 42 હજારથી વધુ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. જે ગ્રામ્ય સ્તરે ઐતિહાસિક પૂરવાર થશે.

પ્રવક્તા મંત્રી  વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યનું પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાપુતારા કે જયાં ખીણ વિસ્તાર છે ત્યાં રાજ્ય અને રાજય બહારથી અનેક પ્રવાસીઓ આવતા હોય છે. તેમને અકસ્માતથી બચાવવા માટે રૂા.10.15 કરોડના ખર્ચે અત્યાધુનિક પદ્ધતિથી માર્ગ સુવિધાના કામો હાથ ધરાશે.એટલું જ નહિ ચોમાસા દરમિયાન ભારે વરસાદથી ઘણા ગામો સંપર્કવિહોણા બને છે. તેવા સમયે બાળકોના શિક્ષણ પર પણ અસર થતી હોય છે. આવા ગામોમાં શિક્ષણ સુવિધા અટકે નહિ એ માટે અંદાજે રૂા.1000 કરોડથી વધુ રકમના કોઝ-વે નદીનાળા પરના બાયપાસના વિવિધ કામોની મંજૂરી આપી દેવાઇ છે. જેમાં  રૂા. 461 કરોડના ખર્ચે કોઝ-વે તથા 12 જિલ્લામાં 452 કરોડના ખર્ચે બાયપાસના કામો હાથ ધરાશે. એ જ રીતે દર્દીઓને તકલીફ ન પડે એ માટે રૂા.236  કરોડના નદીનાળા પરના બાંધકામ માટેના કામો પણ મંજૂર કરાયા છે. મંત્રીએ ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અમલી બનાવાઇ છે એ સંદર્ભે પણ ગુજરાત સરકારે રોડ મેપ તૈયાર કરી દીધો છે અને આગામી દશ વર્ષમાં તબક્કાવાર સંપૂર્ણ રીતે નીતિ અમલી બને એ માટેના સંનિષ્ઠ પ્રયાસો કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.