Abtak Media Google News

આજનો યુવાન દિશાહીન થઇ ગયો છે આ પ્રશ્ર્ન સૌના મનની ચિંતા છે, મા-બાપો માટે આ એક પેચિદો પ્રશ્ર્ન છે. વિશ્ર્વમાં સૌથી વધુ યુવાનો આપણાં દેશમાં છે ત્યારે તેની ચિંતા અને ચિંતન યુધ્ધના ધોરણે કરવું છે. તરૂણોના વિવિધ મુંઝવતા પ્રશ્ર્નો સાથે જીવન કૌશલ્યોનો બરોબર વિકાસ ન થવાથી યુવા જીવનમાં આજે પારાવાર મુશ્કેલી જોવા મળે છે. યુવાધનનો સંર્વાંગી વિકાસ બરાબર થાય તો જ દેશનો પૂર્ણ વિકાસ થઇ શકે. આજના યુવાનોમાં ઘણી બધી બદીઓ હોવાથી તે પૂર્ણ રીતે ખીલી શકતો નથી.

ચોમેર દિશાએ આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે. 21મી સદીમાં ‘જ્ઞાન’ની સાથે ઇન્ફરમેટીવ, નેટ માધ્યમો થકી સૌ વિકાસ તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે આપણા દેશની 135 કરોડની વસ્તીનો સૌથી મોટો વર્ગ લગભગ 60 કરોડ યુવાનો છે, જે દેશની લગભગ 47 ટકા જેટલી વસ્તી છે. એનો ચોક્કસ દિશા તરફનો વિકાસ થાય તો જ આપણો દેશ સાચા અર્થમાં વિકાસની હરણફાળ ભરી શકે એમ છે. પણ આપણી કમનશીબી એ છે કે આપણું યુવાધન ભટકી રહ્યું છે. તેનો પથદર્શક કોણ બનશે?

વ્યસનોના ગુલામ બની ગયેલા યુવાનનાં પથદર્શક કોણ?

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ યુવાધન માટે 10 લાઇફ સ્કીલ અર્થાત જીવન કૌશલ્યો આપ્યા છે. જેમાં સ્વની ઓળખ, સમસ્યા ઉકેલ જેવા વિવિધ થાય છે. આજનો યુવા વર્ગ જો આ કૌશલ્યો પ્રાપ્ત કરે તો તેના વિકાસ કરી શકે છે. સારા-નરસાની પરિભાષા સમજવી આજના યુવાનને ખાસ જરૂર છે. વિદેશી સંસ્કૃતિનાં આંધળા અનુકરણથી તે ભટકી રહ્યો છે. યુવાનોના પરિવારે તેમને સમજવાની સાથે પ્રેમ, હૂંફ, લાગણી જેવા વર્તાવ બાબતે જાગૃત થવાની જરૂર છે.

દેશનું યુવાધન આપણી તાકાત છે: શિક્ષણ,
રોજગાર જેવા તેના વિવિધ પ્રશ્ર્નો સાથે મુંઝવતા પ્રશ્ર્ને માર્ગદર્શન આપવાની જરૂરીયાત

તરૂણોને તારૂલ્ય શિક્ષણમાં શાળા સંકુલે માવજત કરીને તેનો ઉછેર કરવાની જરૂર છે. વ્યસનોથી થતી હાની વિશે તે જાગૃત થાય અને તે તેના સંર્વાંગી વિકાસ બાબતે કાર્યરત થાય તે જરૂરી છે. આજે દેશમાં યુવાધનને સાચે માર્ગે વાળવા માટે કોઇ સાચા કાઉન્સીલર નથી. શિક્ષણની સાથે સહઅભ્યાસિક પ્રવૃતિનું મહત્વ જરૂરી છે. કારણ કે લક્ષ્ય આધારિત તેના કાર્યોમાં સમાજનાં દરેક વર્ગે મદદ કરવી પડશે. આજે તેનો આઇકોન, રોલ મોડેલ બની શકે એવો કોઇ હોય તેજ સાચે માર્ગે વાળી શકે છે. આજે તો ફિલ્મસ્ટારો યુવાધનના આઇકોન છે એ પણ થોડા દિવસ બાદ બદલી જાય છે.

ભૂતકાળમાં વિવેકાનંદજી જેવા તેજસ્વી યુવાને કેટલાય યુવાનોના જીવન બદલી નાખ્યા હતાં. આજે કેટલા યુવાનોનો આઇકોન સ્વામી વિવેકાનંદજી છે !! આજનો યુવાન ટીવી, ફિલ્મ, નેટ, સોશ્યલ નેટવર્ક માધ્યમથી ઘણા આડા રસ્તે ચડી ગયો છે. કેટલાક તો ડ્રગ્સના દૂષણમાં સપડાયને જીંદગી બરબાદ કરીને મા-બાપને જીવનભર દુ:ખની ખીણમાં નાખી દીધા છે. ભણ્યા બાદ નોકરી ન મળવાથી આર્થિક મુશ્કેલીમાં આપઘાત પણ યુવાન કરવા લાગ્યો છે. ધો.10 કે ધો.12 પછી તેના રસ, રૂચિ, વલણો આધારિત વિવિધ કોર્ષોમાં એડમિશન મળે છે? ફી કેટલી બધી ભરવી પડે, મા-બાપની ગરીબી જેવી વિવિધ બાબતોથી હતાશ યુવાનને સાંત્વના ન મળતા તે શોર્ટકટથી પૈસા કમાવવા માટે ગમે તેવા કૃત્યો કરવા તૈયાર થઇ જાય છે.

સરકારે પણ સ્કીલ બેઇઝ એજ્યુકેશનનો ઢાંચો બનાવીને દેશની લગભગ અડધી વસ્તી જેટલા યુવાનોને કામ આપવું જ પડશે અને જો કામ ન મળે તો નવરો યુવાનો ગમે તેમ કરીને પૈસો કમાવવા ગેરકાનૂની કામ કરવા લાગશે. ભણી-ગણીને પણ આજે રોજગારીની સમસ્યા છે ત્યારે યુવાનોના સાચા વિકાસના મસિહા કોણ બનશે? તે એક યક્ષ પ્રશ્ર્ન છે.

“યે દેશ હૈ વિર જવાનો કા” વર્ષો પહેલા આવેલી નયા દૌર ફિલ્મના શબ્દો આજે આપણા દેશના યુવાનો માટે કહેવાયા છે. હસતો-ગાતો, દેશ માટે બલીદાન આપતો યુવાન ખરા અર્થમાં કુટુંબ-પરિવાર માટે મહેનત કરવા તૈયાર જ છે, પણ માર્ગદર્શનના અભાવે તથા કામ ન મળવાને કારણે હતાશ થઇ જાય છે. આજે કારમી મોંઘવારીને પવર્તમાન કોરોના મહામારીને મંદિના માહોલમાં બે ટંકનો રોટલો ભેગો કરવા ઘણું જ કઠિન કાર્ય છે ત્યારે યુવાનોને કામ આપીને તેને શ્રેષ્ઠ નાગરિકનું ઘડતર કરીને આવનારૂં ભારતનું શ્રેષ્ઠ નિર્માણ કરવાના કાર્યોમાં સરકાર સાથે સમાજમાં તમામ વર્ગે કાર્ય કરવું પડશે.

સમાજથી આપણે નથી, આપણાથી સમાજ છે. આ સમાજને કેવો બનાવો એ આપણા હાથમાં છે. યુવાધન આપણાં દેશની તાકાત છે. તેનો વિકાસ એ દેશનો વિકાસ  છે. આપણે સૌ એ આપણા યુવાનોના તમામ પ્રશ્ર્ને તેનો સાથ-સહકાર આપીને હકારાત્મક વિચારો સાથે તેની મુંઝવણમાં સાચુ માર્ગદર્શન આપીને તેનો વિકાસ કરવાનો છે. જો આમા કશી કચાશ રહેશે તો આપણું યુવાધન ગેરમાર્ગે વળી જશે.

આપણા દેશમાં 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતિના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાય છે. 1985થી આ દિવસની ઉજવણી થાય છે. આજે 35 વર્ષે પણ યુવાધન સક્ષમ બન્યુ છે? પ્રશ્ર્નનો જવાબ તમે જ વિચારજો !! આપણા યુવાધન માટે આધુનિક માનવના આદર્શ પ્રતિનિધિ કોણ બનશે એ ચિંતનનો વિષય છે.

આજના યુવાનો ઘણી સમસ્યાઓ છે તેમાં થોડી મદદ તેના વિકાસમાં આગળ વધવા મદદરૂપ થાય છે. ઘણા ખરા યુવાનોના માર્ગદર્શન જ મળતું નથી. જો તેને સાચી દિશા બતાવનાર મળી જાય તો તેનામાં તાકાત તો અખુટ ભંડાર છે. જેના દ્વારા તે હિમાલય પણ ચડી શકે છે. એક વાત એ પણ છે કે આજનો યુવાન પોર્નોગ્રાફીના ખરાબ દૂષણો, વ્યસનો, ડ્રગ્સ જેવા ભયંકર કાર્યો તરફ વળ્યો છે. તેને સાચે રસ્તે લાવવાની જવાબદારી મા-બાપો, શાળા-કોલેજો અને સમાજ સેવકોની છે.

યુવાધનને ગેરમાર્ગે દોરનારા પણ સમાજમાં છે. યુવાવર્ગને સારા-નરસાની પરિભાષા સમજાવીને તેનાં જીવન કૌશલ્યોનો વિકાસ કરાવીએ તો તે સકારાત્મક વિચારોથી ખરાબ માર્ગે જશે નહીં.

શાળા-કોલેજમાં વિવિધ પ્રવૃતિથી યુવા વિકાસ

NCC – NSS જેવી પ્રવૃતિથી શાળા-કોલેજમાં યુવાધન સંર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃતિ પ્રોજેક્ટ થાય છે. જેમાં તેના ચારિત્ર્ય નિર્માણ સાથે શ્રેષ્ઠ નાગરિક ઘડતરના પાઠો ભણાવીને વિવિધ ગુણોનું સિંચન કરાય છે. સ્કાઉટ ગાઇડ, રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા કેમ્પ દરમ્યાન ગ્રામ્ય વિસ્તારોમાં જઇને એક સપ્તાહ સુધી વિવિધ પ્રવૃતિ પ્રોજેક્ટ કરાય છે. આજનો યુવાન સેવાભાવી હોવો જોઇએ. યુવાન પોતાના જ્ઞાન, કાર્યો થકી શ્રેષ્ઠત્તમ પ્રગતિ કરીને ભારત દેશનું નામ રોશન કરે એ જરૂરી છે. જો કે આઇ.ટી. ક્ષેત્રે ભારતીય યુવાનોની વિશ્ર્વભરમાં બોલબાલા છે. ઘણા યુવાનો શાળા-કોલેજમાં દરેક પ્રવૃતિમાં જોડાઇને શ્રેષ્ઠત્તમ દેખાવ કરીને ઇનામો પણ મેળવ્યા છે.

વિશ્ર્વમાં સૌથી યુવાધન ધરાવતો દેશ ભારત છે: પશ્ર્ચિમી સંસ્કૃતિમાં ઓતપ્રોત થયેલો યુવાવર્ગ આપણી સંસ્કૃતિને વિસરી ગયો છે: વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ યુવાધન માટે 10 લાઇફ સ્કીલ અર્થાત જીવન કૌશલ્યો આપ્યા છે, જેમાં સ્વની ઓળખ, સમસ્યા, ઉકેલ અને નિર્ણયશક્તિ જેવા મુખ્ય કૌશલ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.