Abtak Media Google News

અબતક, રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદો રદ કરવાની ગઈકાલે ગુરુનાનક જયંતીના પાવન પ્રસંગે જાહેરાત કરી છે. પણ હવે પ્રશ્ન એ છે કે કૃષિ કાયદો રદ કરવાથી પંજાબના ખેડૂતો માની જશે ? હવે 700થી વધુ ખેડૂતોના મોત, સંખ્યબંધ ખેડૂતો ઉપર નોંધાયેલા ગુના સહિતના મુદાઓ ચગશે તેવી પ્રબળ સંભાવનાઓ છે. આ સમયે કેપ્ટનની ” કેપ્ટન ઇનિંગ્સ”ની ભાજપને તાતી જરૂરિયાત રહેશે.

700થી વધુ ખેડૂતોના મોત, સંખ્યાબંધ ખેડૂતો ઉપર નોંધાયેલા ગુના સહિતના મુદ્દાઓ પણ ચગશે

છેલ્લા એક વર્ષથી કેન્દ્રના નવા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો આંદોલન ચલાવી રહ્યા હતા. આ આંદોલને અનેકવાર ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું હતું. આંદોલનમાં 700થી વધુ ખેડૂતોના જીવ પણ ગયા હોવાના અહેવાલો હતા. આ આંદોલનનો મુદ્દો અનેકવખત સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. ખેડૂતોના ભારે વિરોધ બાદ અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુરુનાનક જયંતીના રોજ આ ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી.

કૃષિ કાયદો રદ કરવાથી પંજાબના ખેડૂતો માની જશે ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ જણાવ્યું હતું કે ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે સંસદમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સામે ખેડૂત સંગઠનના નેતાએ એવી જાહેરાત કરી કે આ આંદોલન ત્વરિત સમેટી લેવામાં આવશે નહિ. ભલે કાયદા રદ કરવાની જાહેરાત થઈ પણ જ્યાં સુધી સંસદમાં કાયદો રદ નહિ થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. હવે પ્રશ્ન એ સર્જાયો છે કે માત્ર કાયદા રદ કરવાથી આ આંદોલનને પૂર્ણ કરી શકાશે ? કાયદો રદ થયા બાદ ખેડૂતોના મોત અને તેમના પર નોંધાયેલા ગુનાઓ સહિતના મુદાઓ પણ ચગી શકે છે.

બીજી તરફ વાત કરીએ કેપ્ટનની તો પંજાબના રાજકારણના ખેરખા ગણાતા અમરીંદર સિંઘની હજુ કોઈ ભૂમિકા રહી જ નથી. તેઓની ભૂમિકા હવે શરૂ થશે. કેન્દ્ર સરકારે કાયદા પાછા ખેંચી લીધા છે પણ વાત આટલેથી અટકે એવું નથી. હવે આંદોલન સમાપ્ત કરાવવા કેપ્ટનની “કેપ્ટન ઇનિંગ્સ”ની ભાજપને જરૂર પડશે.

નવા કાયદા રદ થતા કૃષિ ક્ષેત્રને ફટકો, ખેડૂતોની ગરીબી યથાવત રહેશે : નિષ્ણાંતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ કાયદા રદ થતાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એક દાયકો પાછો ધકેલાઈ ગયો છે. ખેડૂતો સારી દાનથી રજૂ થયેલા કાયદા સમજી શક્યા નહીં.નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કૃષિ કાયદા મુદ્દે વધતા રાજકીય વિરોધ અને ખેડૂત આંદોલનના કારણે કૃષિ કાયદા પરત લેવાનો નિર્ણય કરવો પડયો. મોદી સરકારે આ નિર્ણય દુઃખી મનથી લીધો હશે. હકીકતમાં આ કાયદા સારી દાનથી લાવવામાં આવ્યા હતા. આ કાયદા પાછા ખેંચાવાથી સંભવતઃ દેશના વિકાસને એક મોટો ફટકો ફટકો પહોંચ્યો છે. આ પગલાંની અસર એ થશે કે આગામી સરકારો પણ હવે કૃષિ અને મજૂરો માટે મોટા સુધારાત્મક નિર્ણયો લેવાથી બચશે. વધુમાં નિષ્ણાંતો એવું જણાવી રહ્યા છે કે હવે 50 વર્ષ સુધી કોઈ સરકાર કૃષિ વિકાસ માટે નવા કાયદાઓ લાવવાનું વિચારશે પણ નહીં. જેથી ખેડૂતોની ગરીબી યથાવત જ રહેશે.

ભાજપ સાથેનું જોડાણ 110 ટકા : કેપ્ટન

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘે કહ્યું હતું કે હવે કૃષિ કાયદા પાછા ખેંચાઈ જતાં એ પંજાબમાં ભાજપ સાથે ગઠબંધન કરીને આગામી વિધાનસભાની ચૂંટણી લડશે.કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની વડાપ્રધાને જાહેરાત કરી તે પછી પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘે કહ્યું હતું કે હવે તેને પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરવામાં કોઈ જ સમસ્યા નથી. અગાઉ પંજાબમાં ભાજપ અને અમરિંદર સિંઘનું ગઠબંધન થશે એવી અટકળો થતી હતી. એ વખતે અમરિંદર સિંહે કહ્યું હતું કે કૃષિ કાયદા પાછા ખેંચાય જશે તો એ ભાજપ સાથે ગઠબંધન કરશે. તેઓએ ખેડૂતોને સલાહ આપતા ઉમેર્યું હતું કે વડાપ્રધાને કર્યું એટલું બીજું કોઈ કરી શકે નહીં,ખેડૂતોએ આંદોલન સમેટીને ઘરે જવું જોઈએ. કેપ્ટને ખેડૂતોને એવી પણ ભલામણ કરી હતી કે વડાપ્રધાને નેશનલ ટીવી ઉપર માફી માગી લીધી છે એટલે તેમને માફ કરી દેવા જોઈએ. વિપક્ષો તો માત્ર વિરોધ કરવા ખાતર કરે છે આ ઐતિહાસિક નિર્ણયનું સ્વાગત કરવું જોઈએ એવું તેમણે ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.