Abtak Media Google News

ઝુના આરએફઓએ વિડીયો અંગે રદીયો આપ્યો

જૂનાગઢના સક્કરબાગમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો વહેતો થયેલ વિડિયો  સફારી પાર્કનો છે અને આ વીડિયો પ્રતિબંધિત વિસ્તારનો નથી. તેમ સકરબાગ ઝૂના આર.એફ. ઓ. એ રદિયો આપ્યો છે. અને જણાવ્યું છે કે, સકરબાગમા ગેરકાયદેસર સિંહ દર્શન થયું નથી.તાજેતરમાં જૂનાગઢના સકરબાગ ઝૂમાં ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવાતું હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો અને આ વીડિયો મોટા પ્રમાણમાં વાયરલ થતાં સિંહ પ્રેમીઓમાં નારાજગી ફેલાઈ હતી અને આ વીડિયોએ ભારે ચકચાર મચાવી હતી.

દરમિયાન સકરબાગના આરએફઓ નીરવ મકવાણાના જણાવ્યા અનુસાર, સકરબાગ ઝુમા ગેરકાયદેસર સિંહદર્શન કરવાતો હોવાની વાત તદ્દન ખોટી છે અને જે વિડીયો વાયરલ થયો છે તે વિસ્તાર જંગલ સફારી પાર્કનો છે, જે પ્રતિબંધિત વિસ્તાર નથી, આ વિસ્તારમાં પ્રવાસી રૂ. 50 ની ટીકીટ લઈને જઈ શકે છે. તદુપરાંત જે વિડીયો વાયરલ થયો છે તેમાં કશું વાંધાજનક નથી કે એ વીડિયોમાં પશુને બાંધ્યો હોય કે મારણ કરાવાતું હોય કે સિંહની પજવણી થતી હોવાનું ક્યાંય વીડિયોમાં નજરે પડતું નથી અને વિડીયોમાં જે ગાડી દેખાય છે તેવી થાર કાર જૂનાગઢ સકરબાગના 3 અધિકારીઓ પાસે છે. અને આ વિડીયો અંગે તપાસ કરતાં આવી ગાડી લઈને મિટના કોન્ટ્રાક્ટર જતા હોવાનું જણાયું છે.

ત્યારે સક્કરબાગમાં ગેરકાયદેસર સિંહ દર્શન થયું નથી.અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં જ મેંદરડા નજીક એક ખાનગી ફાર્મમાં ગેરકાયદેસર સિંહ દર્શન થતો હોવાનો એક વિડિયો વાયરલ થતાં સનસનાટી મચી જવા પામી હતી અને આ પ્રકરણમાં વન વિભાગે ઝીણવટ ભરી તપાસ કરી, પાંચ આરોપીને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે જ જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય માં ગેરકાયદેસર સિંહ દર્શન થતું હોય તેવી વાતો અને વિડિયો વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. પરંતુ હાલમાં તો સકરબાગ ઝુના આર.એફ.ઓ. દ્વારા આ બાબતોને રદિયો અપાયો છે અને ગેરકાયદેસર સિંહ દર્શન ન થતો હોવાનો ખુલાસો સામે આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.