Abtak Media Google News

રાજકોટ જિલ્લા ભાજપની કારોબારીમાં પૂર્વ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા સહિતના દિગ્ગજોની ઉપસ્થિતી

રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી બેઠક આજે સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે યોજાઈ હતી. જેમાં આગામી 19મી ડિસેમ્બરના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની ચુંટણીમાં ભાજપ પ્રેરીત ઉમેદવારો તોતીંગ લીડ સાથે વિજેતા બને તે માટેની પ્રારંભીક વ્યુહરચના ઘડી કાઢવામાં આવી હતી. આવતા વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચુંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દેવા કાર્યકરોને હાંકલ કરવામાં આવી હતી.

વિધાનસભા 2021ની ચૂંટણીની ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. આજે રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી હતી. કારોબારી બેઠકમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અને આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના પૂર્વ મંત્રી અને કોળી સમાજના નેતા કુંવરજીભાઈ બાવળિયાએ પણ મોટું નિવેદન આપ્યું હતું.

જેમાં તેઓએ જણાવ્યું હતું કે “અમને જે જવાબદારી સોપાશે તેને નિષ્ઠા પૂર્વક નિભાવીશું. તમામ અધિકારીઓ સંકલનમાં આવતા હોય જેથી મેં અલગ અલગ પ્રશ્નો મુક્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મંત્રી હતા ત્યારે પણ કામ થતા અને હવે પણ કામ કરવામાં આવશે.” જેથી પૂર્વ મંત્રી ભાજપના નેતા કુંવરજીભાઇ બાવળીયાના સુર બદલાયા લાગ્યા હતા.

આ અંગે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું હતું કે પહેલા પ્રદેશ ભાજપની કારોબારી યોજાય છે. જેમાં 15 દિવસમાં પ્રદેશમાં જે નિર્ણયો લેવાયા હોય એની ચર્ચા માટે જિલ્લા ભાજપની કારોબારી મળે છે. આજે રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી છે. આ કારોબારીમાં જિલ્લામાં આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. સરપંચની ચૂંટણીમાં પાર્ટી સીધી રીતે ઇન્વોલ્વ થતી નથી, પણ સમરસ થાય તેવા પ્રયત્નો કરતા હોઇએ છીએ. મિશન-2022 માટે સંપૂર્ણ બહુમત મેળવવા પેજ કમિટીની રચના કરવા પૂર્વ તૈયારીઓના કામની ચર્ચા કરવામાં આવશે.

રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં આજે પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠિયા, રાજકોટ યાર્ડના પૂર્વ ચેરમેન ડી.કે. સખિયા સહિત મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. કાર્યકરો અને નેતાઓના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે કારોબારી બેઠક યોજાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.