Abtak Media Google News

ચકી ચોખા ખાંડે છે, મોર પગલાં પાડે છે…..

 

અંગ્રેજી માધ્યમની શાળાઓએ આપણાં બાળકોમાં અંગ્રેજી ગીતો અને કવિતાનું ચલણ વધારી દીધું છે, પણ હવે બધાએ કકો-બારાક્ષરી તો ફરજીયાત શીખવા પડશે: ધો.5 સુધી તો બધાએ ગુજરાતીમાં ભણવું પડશે

ઘરનું 100 ટકા ગુજરાતી વાતાવરણ હોય ને બાળક અંગ્રેજી માધ્યમમાં હો તો ક્યાંથી મેળ પડે: દેખાદેખીમાં જ આપણે આપણાં બાળકનો વિકાસ રૂંધી નાખ્યો છે: ર્માંની ભાષા એટલે જ માતૃભાષા, ઘરમાં બોલાતી ભાષામાં બાળક ભણે તો જ તે હોંશિયાર બની શકે

એક ગુજરાતી તરીકે છોકરાઓને ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતી ભાષાનો ખ્યાલ હોવો જ જોઇએ. પણ છેલ્લા દોઢ દાયકામાં અંગ્રેજી માધ્યમોના ભણાવવાના ક્રેઝ કારણે મા-બાપોએ સંતાનોને નહીં ગુજરાતીને નહીં અંગ્રેજી એમ બે વચ્ચે ટીંગાડી દીધા છે. આજે હજારો બાળકો ગુજરાતીમાં દુકાનનાં બોર્ડ વાંચી નથી શકતા. પણ હવે નવી શિક્ષણ નિતીમાં ધો.5 સુધી ફરજીયાત માતૃભાષામાં જ શિક્ષણ લેવું પડશે. અંગ્રેજી માધ્યમોની શાળાઓએ આપણાં બાળકોને અંગ્રેજી કવિતા અને ગીતોનું ચલણ વધારી દીધું છે. ઘરનું વાતાવરણ 100 ટકા ગુજરાતી હોયને બાળક અંગ્રેજીમાં ક્યાંથી મેળ પડે, દેખાદેખીમાં આપણે જ આપણાં બાળકોનો વિકાસ રૂંધી નાખ્યો છે.

શિક્ષણ હમેંશા માતૃભાષામાં જ હોય એની સાથે પહેલા આપણી રાષ્ટ્રભાષા હિન્દી અને પછી અંગ્રેજી આવે. અંગ્રેજીનું ચલણ વધારે છે પણ આપણે તે શિખીને પણ વિકાસ કરી જ શકીએ. કાંઇ નથી આવડતું તે પણ મોબાઇલના સ્માર્ટ ફોનમાં બધું કરી જ લે છે. ર્માં ની ભાષા એટલે માતૃભાષા. ઘરમાં બોલાતી ભાષામાં બાળક ભણે તો જ તે હોંશિયાર થઇ શકે છે.

‘શિક્ષણ’- જ્ઞાન તે શાળા સિવાય ઘરમાંથી કે આજુબાજુના વાતાવરણમાંથી મળી શકે છે. વાસ્તવમાં શિક્ષણ અવલોકનનો વિષય છે. શાળા તેમાં સેતુ બને છે. સ્વઅધ્યયનથી બાળક લાંબુ ટકી શકે તેવું શીખી છે. આપણાં પરિવારની પ્રથામાં દાદા-દાદીનો હિસ્સો બાળઉછેરમાં મા-બાપ જેટલો જ છે. તેમની પાસેથી સંભળાતી વાર્તા, ગીતો , પ્રસંગો જ બાળકને જીવંત બનાવે છે. આપણી પ્રાદેશિક સંસ્કૃતિ તેમના ગીતો આંગણાના પશુ-પંખીઓ, કુદરત અને આજુબાજુનું પર્યાવરણ જ આપણાં સંતાનોને શિક્ષણ આપે છે. વર્ષો પહેલાનાં “નાની મારી આંખ, જોતી કાંક કાંક” આપણાં શરીરનાં અંગોની ઓળખ અને તેમનું કાર્ય બાળકોને રમતા-રમતાં શરીર વિજ્ઞાન શીખવે છે. વિવિધ પ્રાર્થનાઓ સાથે સંસ્કૃતિ અને સંસ્કાર મળે તો બાળગીતો, અભિનય ગીતોથી આનંદમય શિક્ષણ સાથે ઘણુ બધું બાળકોને શીખવા મળે છે.

હાથીભાઇ તો જાડા, મામાનું ઘર કેટલે, મેં એક બિલાડી પાડીતી, બા મને ચપટી વગાડતા આવડી ગઇ, ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા અને મારી વાડીમાં પોપટ આવે છે જેવા બાળગીતોથી શિક્ષણ રસમય બને છે. જેને કારણે આ બધા ગીતો આજે પણ આવડે છે. રસ વગરનાં શિક્ષણ કરતાં રસ સાથેનું શિક્ષણ જ ચિરંજીવી બને છે. આ બધા બાળગીતો શાળા છૂટતા પહેલા અડધો કલાક પહેલા બધા બાળકો વર્ગના સમુહમાં ગાય તેથી અવાજની લયબધ્ધતાને કારણે બાળકોને બધા બાળગીતો મોંઢે થઇ જતાં હતાં. આ બધા બાળગીતોનું શિક્ષણમાં ખૂબ જ મહત્વ હતું. આને કારણે બાળકોને ઘણું જ્ઞાન મળતું જે આજે ક્યાંય ગવાતા જ નથી. કેટલીક શાળામાં તો ફિલ્મી ગીતોની અંતકડી રમાડાય છે, ખરેખર તો શબ્દોની અંતકડી કે નામ, શહેર, ગામ કે ભારતના રાજ્યોની અંતાક્ષરી રમાડાય તો બાળકો રમતાં-રમતાં ભણેને શિક્ષણ મેળવે પણ આવું કોણ વિચારશેએ પ્રશ્ર્ન છે.

બાળશિક્ષણમાં બાળગીતોનું મહત્વ સાથે દાદા-દાદીની વાતો પણ શિક્ષણમાં ખૂબ જ ઉપયોગી છે. બાળગીતો ઉપર બાળકો અભિનય  કરે ને સાથે બોલે ત્યારે બોડી લેંગ્વેજ, હાવભાવ વિગેરે પરત્વે સજાગ રહેતા તેનામાં એકાગ્રતા, ટાઇમીંગ જેવા વિવિધ ગુણો ખીલે છે. નાના બાળકો નાટક કે અભિનય કરતાં હોય ત્યારે લીડરશીપ સાથે એકબીજાને સમજાવવાની કલા આપણે સૌએ જોઇ છે. બાળગીતોથી શિક્ષણ, સિંચન અને સંસ્કાર બાળકોમાં રેડે છે. નકારાત્મક અને હકારાત્મક સાથે સારી ટેવો અને ખરાબ ટેવોની સમજ પણ આપે છે. ઘણા બાળગીતો બાળકોને મૂલ્ય શિક્ષણ પણ આપે છે. શિક્ષણમાં બાળકોને ગીત સાથે જ્ઞાન માત્રને માત્ર બાળગીતો જ આપી શકે છે.

સાત વારના નામ, મહિનાઓ કે ઋતુઓના બાળગીતો થકી બાળકોને દ્રઢિકરણ થવાથીને રસથી ગાતા તરત જ યાદ રહી જાય છે. બાળગીતો સાથે બાળવાર્તાનો સમન્વય આવી જ જાય છે. તેથી બંનેમાં જો થોડી અભિનય કલા, હાવ-ભાવનો ઉમેરો થઇ જાય તો બાળકોને અઘરૂં પણ સરળતાથી શિરાની જેમ સહેલાયથી ગળે ઉતારી શકાય. આજે તો સતત ભણાવને ભણાવ કરીને બાળકને આવી બધી જાદુઇ શિક્ષણ કલાથી શિક્ષકો જ વંચિત રાખી રહ્યા છે. પંચતંત્રની બાળવાર્તાથી બાળકોને ખૂબ જ બોધ પાઠ મળે છે. દરેક મા-બાપે જૂના બાળગીતો પેનડ્રાઇવમાં સેવ કરીને નિયમિત બાળકોને સંભળાવવા જ પડશે. આ બધાથી જ તેનો સંર્વાંગી વિકાસ શક્ય બનશે.

જુના બધા બાળગીતોમાં સંખ્યા જ્ઞાન, પશુ-પક્ષી, તહેવારો, ફળ-ફુલને શાકભાજી જુદા-જુદા આકારો, ગણતરી અને પર્યાવરણ જેવી તમામ બાબતોનો સમાવેશ થઇ જ જતો હોવાથી બાળક રસ-રૂચિથી ભણતા હતા આજે આ ટેકનીક જ લુપ્ત થઇ ગઇ છે. તેથી બાળકને ભાર લાગે છે. પહેલા તો આ દ્વારા જ બધુ જ શીખી લેતો હતો. આજે તો ગુજરાતીમાં આ બધા ગીતો એનિમેટેડ પણ આવે છે પણ બાળકોને બતાવે કોણ? આપણી ગુજરાત ભાષામાં કેટલાય નામી-અનામી સાહિત્યકારોએ બાળગીતો લખ્યા છે. બાળગીતો એટલે બાળકો માટે જ લખાયેલા ગીતો, બાળગીતોની મધુરતા અને લયબધ્ધા માટે તેને અચુક સાંભળવા પડે તો જ આજના મા-બાપના તેની સાચી સમજ મળશે.

પહેલા તો બાલવાડી, ફૂલવાડી જેવા નામો શાળાનાં હતાં. આજે શાળા કે સ્કૂલ થઇ ગઇ. પહેલા સરસ્વતીના ધામને આજે ભણતરનાં ભાર સાથે ચાલતા નાનકડી જગ્યાનાં મસમોટા નામથી ચાલતા સંકુલો. દિશાની અઘરી સમજ નાનકડું બાળગીત પળવારમાં બાળકને સમજાવવાની તાકાત રાખે છે. શનિવારની બાલસભામાં બાળકો દ્વારા ગવાતા બાળગીતો ખૂબ જ સુંદરને શ્રેષ્ઠ હોય છે. ‘મારી વાડીમાં પોપટ આવે છે’ આ બાળ ગીતમાં પોપટ વિશેની તમામ સમજ સાથે વાડીનો માહોલ બાળકોને મળે તો ‘મારી શેરીમાં શાકવાળી આવે છે’માં બધા શાકના નામ કલર તેના ગુણ આવી બધી વાતો બાળકો બાળગીતમાંથી શીખે છે, લીંબુ ખાટુંને મરચું તીખુ સાથે વિવિધ શાકભાજીના નામ અને તેનું વર્ગીંકરણ જેવી અઘરી બાબત પણ આજ બાળગીતથી બાળક શીખે છે.

નાના ભૂલકાં સાથે બાળક જેવા થઇને રહેવું, નાચવું, ગાવું અને રમવું એના જેવી બીજી કોઇ મઝા નથી. આપણાં સાહિત્યમાં બાળગીતોનો વિશાળ ખજાનો છે. દરેક મા-બાપને અનુરોધ કે તમારા સંતાનોને જ્યારે ટાઇમ મળે ત્યારે બાળગીતો બાળવાર્તા કહો એના દ્વારા જ તેનો વિકાસ થઇ શકશે. શાળા કરે કે ન કરે પણ તમે જરૂર કરજો.

બાળગીતો જ બાળકોને પર્યાવરણ સાથે જોડી રાખે

એક જમાનામાં બાળગીતો શિક્ષણનું અભિન્ન અંગ હતું. જે બાદમાં વિસરાતા શિક્ષણ નબળું પડ્યું. બાળકના રસ-રૂચિ વધારવા માટે બાળગીતો સક્રિય ભાગ ભજવતા હતા. તરંગ-ઉલ્લાસ કે આનંદમય શિક્ષણ બાળગીતો દ્વારા જ આપી શકાય છે. બાળકો બાળગીતો દ્વારા ઘણું બધુ શિખી શકે છે. સુંદર બાળગીતો બાળકો અને મોટેરા પણ ગાતા હોય છે. બાળગીતો જ બાળકોને પર્યાવરણ સાથે જોડી રાખે છે અને શિક્ષણ જીવંત રાખે છે. બાળકોને વિવિધ પ્રાણીઓની તથા પરિવારની સમજ બાળગીતો દ્વારા જ મળી જાય છે.

જુનાને જાણિતા બાળગીતો

  • મામાનું ઘર કેટલે…..દિવો બળે એટલે……..
  • અડકો દડકો, દહીંનો દડકો……
  • મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહું રૂપાળી છે……
  • વારતા રે વારતા, ભાભો ઢોર ચારતા…….
  • મારા પ્રભુ તો નાના છે, દુનિયાભરનાં રાજા છે……
  • ચકીબેન ચકીબેન, મારી સાથે રમવા આવશો કે નહિં?…….
  • ભાઇ મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો……
  • ચાંદો સુરજ રમતા’તા, રમતાં રમતાં કોડી જડી……
  • દિવાળી આવી દિવાળી આવી……
  • એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો……
  • નાની મારી આંખ, એ તો જોતી કાંક કાંક…..
  • આવરે વરસાદ, ધેબરીયો પરસાદ……
  • દાદાનો ડંગોરો લીધો, એનો તે મેં ઘોડો કીધો…..
  • અંતર મંતર જંતર…. હું જાણું છું એક મંતર…..
  • રજા પડી ભાઇ રજા પડી, રમવાની મઝા પડી…..
  • સાયકલ મારી સરરરર જાય, ટીન ટીન ટોકરી વગાડતી જાય…..
  • છુક છુક કરતી ગાડી ચાલી……
  • બા મને ચપટી વગાડતા આવડી ગઇ……
  • ચાંદા પોળી ઘીમાં જબોડી
  • ચકી ચોખા ખાંડે છે, મોર પગલા પાડે છે……

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.