Abtak Media Google News

ભાજપે તમામ પેજ પ્રમુખો અને પેજ સમિતિના કાર્યકરોને નમો એપ સાથે જોડાવા તૈયારી આદરી

અબતક, નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાથે 5 રાજ્યોમાં ચૂંટણી બ્યૂંગલ ફૂંકાઈ ગયું છે. તમામ પાર્ટીઓએ પોતાની રણનીતિ બનાવવાની શરૂ કરી દીધી છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની નજર સતત બીજીવાર સત્તા મેળવવાની છે. તો સમાજવાદી પાર્ટી પણ સત્તામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય બહુજન સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરશે. ત્યારે ગુજરાત ભાજપના કેટલાક નેતાઓને યૂપી ચૂંટણીની જવાબદારી મળી છે.

આ ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, તેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. હવે આજે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના કાર્યકરો સાથે ચર્ચા કરવાના છે અને તેઓ નવા જુસ્સા સાથે કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકશે. પીએમ મોદી ભાજપના પેજ પ્રમુખો અને પેજસમિતિના કાર્યકરો સાથે ચર્ચા કરવાના છે. જેના કારણે ગુજરાતમાં ભાજપે તમામ પેજ પ્રમુખોને નમો એપ સાથે જોડાવા તૈયારી કરી છે.

આગામી સપ્તાહે પીએમ મોદી ગુજરાત ભાજપના કાર્યકરો સાથે વર્ચ્યુઅલ સંબોધન કરશે. પેજ પ્રમુખોને પીએમ મોદી સંબોધન કરશે. ભાજપે તમામ જિલ્લા-શહેર પ્રમુખો, હોદ્દેદારોને અત્યારથી સૂચના આપી દીધી છે. આ સપ્તાહના અંત સુધીમાં તમામ પેજ પ્રમુખોને નમો એપ સાથે જોડાવા સૂચના આપી છે. જાણવા મળી રહ્યું છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિત તમામ આગેવાનો પણ જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.