Abtak Media Google News

અગાઉ 5 ખેતરોનો કબ્જો લેવાઈ ગયો, 3 ખેતરોમાં ઉભો પાક હોવાથી જમીન ખાલી કરવા ખેડૂતોને મુદત અપાઈ હતી

ખેડૂતો સંપાદન મામલે હાઇકોર્ટમાં પણ પહોંચ્યા છે, વિરોધના એંધાણ

અબતક, રાજકોટ

અમદાવાદ- રાજકોટ હાઇવે ઉપર માલિયાસણ ટોલનાકાના નિર્માણ માટે 8 જેટલા ખેડૂતોની જમીનની સંપાદન પ્રક્રિયામાં કલેક્ટર તંત્ર દ્વારા 5 ખેડૂતોની જમીનનો કબ્જો લઈ લેવામાં આવ્યો હતો. જો કે 3 ખેતરોમાં ઉભો પાક હોવાથી જમીન ખાલી કરવા મામલતદાર કચેરીની ટીમે મુદત આપી હતી. આ મુદત બાદ આજે આ જમીનનો કબ્જો લેવા માયે કલેક્ટર તંત્રએ કવાયત હાથ ધરી છે.રાજકોટ-અમદાવાદ હાઈવે પર સતત વધી રહેલા ટ્રાફિકના પગલે આ હાઈવેને ફોરલેનમાંથી સિક્સલેન કરવાની કામગીરી પોણા બે વર્ષથી શરૂ છે. રાજકોટ-અમદાવાદ હાઈવેને ફોરલેનમાંથી સિક્સલેન કરવાની કામગીરી ત્રણ તબક્કાના ફેઈઝમાં ચાલી રહી છે.અમદાવાદ-બામણબોર-રાજકોટ માર્ગને સિક્સલેન કરવા રૂ. 3488 કરોડથી વધુનો ખર્ચ કરવામા આવ્યો છે. આ હાઇવે રસ્તો કુલ 201 કિ.મી. જેટલો લાંબો છે.  જેમાં બગોદરા, લીંબડી, સાયલા, બામણબોર સહિતના શહેરોને સાંકળવામાં આવ્યા છે. આ હાઇવેનું કામ વહેલાસર પૂર્ણ કરવા તંત્ર કમર કસી રહ્યું છે.

આ પ્રોજેક્ટમાં માલીયાસણ ટોલનાકુ બનાવવા  8 ખાતેદારોની જમીનનું ખાસ જમીન સંપાદન અધિકારી દ્વારા કલેકટર તંત્રની મદદથી સંપાદન કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં આ આઠેય ખાતેદારોના એવોર્ડ પણ મંજુર કરવામાં આવ્યા હતા. પણ ખાતેદારોએ વળતર સ્વિકારવાની મનાઈ ફરમાવી દીધી હતી. ખાતેદારોએ એવી માંગણી કરી હતી કે તેઓને રૂડાની 60/40 સ્કીમ હેઠળ અન્ય જગ્યાએ જમીન આપવામાં આવે. જો કે આ માંગણી થયે સંપાદનની સમય મર્યાદા પૂર્ણ થતી હોય તંત્ર દ્વારા વળતરની રકમ નિયમ મુજબ મામલદારના ખાસ ખાતામાં જમા કરી દીધી હતી. આ મામલો હાઇકોર્ટમાં પણ પહોંચ્યો હતો. પણ ત્યાંથી ખેડૂતોને નિરાશા મળી હતી.હવે આ પ્રોજેક્ટમાં નેશનલ હાઇવે ઓથોરિટીને ટોલનાકા નિર્માણનું કામ શરૂ કરવાનું હોય કલેક્ટર તંત્રને આ જમીનનો કબ્જો આપવા જણાવ્યું હતું. જેને પગલે મામલતદાર તંત્રએ ખાતેદારો સાથે બેઠક કરી હતી.

જેમાં 4 ખેડૂતો તો પોતાની જમીન સોંપવા સ્વૈચ્છિક રીતે તૈયાર થઈ ગયા હતા. એક ખેડૂત જમીનનો કબ્જો સોંપવા તૈયાર ન હતા. જો કે સમજાવટ બાદ મામલો થાળે પડતા તેઓની જમીનનો કબ્જો પણ મામલતદાર તંત્રએ મેળવી લીધો હતો.બીજી તરફ ત્રણ ખેડૂતો એવા હતા કે જેમના ખેતરમાં ઉભો પાક હોય, તેઓએ તંત્રને રજૂઆત કરતા તેને ધ્યાને લઇ ખેડૂતોને નુકસાન ન જાય તે માટે  મુદત આપવામાં આવી હતી. ત્યારબાદ આજે તંત્રની ટિમ આજે સ્થળ ઉપર પહોંચી હતી. તેઓએ સ્થળ ઉપર પહોંચીને જમીનનો કબ્જો મેળવવા માટે કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.