Abtak Media Google News

ભાજપ, કોંગ્રેસ અને આપના 15 નગરસેવકોના 32 પ્રશ્ર્નો: શાસકો વિપક્ષને ભરી પીવા સજ્જ

રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે 11:00 કલાકે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં તાજેતરમાં કોંગ્રેસનો હાથ છોડી આપના ઝાડુ પકડનાર નગરસેવિકા કોમલબેન ભારાઇ પ્રજાલક્ષી પ્રશ્ર્ને સભાને ગજવશે. ભાજપ, કોંગ્રેસ અને આપના 15 નગરસેવકોએ 32 પ્રશ્ર્નો સભાગૃહ સમક્ષ રજૂ કર્યા છે. પ્રશ્ર્નોત્તરી કાળ તોફાની બની રહે તેવી શક્યતા પણ હાલ વર્તાઇ રહી છે.

કોર્પોરેશનમાં કાલે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં સૌપ્રથમ વોર્ડ નં.15ના નગરસેવિકા કોમલબેન ભારાઇના પ્રશ્ર્નની ચર્ચા થશે. લાંબા સમય બાદ વિપક્ષને જનરલ બોર્ડમાં બોલવાનો મોક્કો મળશે. સામાન્ય રીતે શાસક પક્ષના કોર્પોરેટરોનો જ પ્રશ્ર્ન હમેંશા પ્રથમ હોવાના કારણે એક પ્રશ્ર્નની ચર્ચામાં સમગ્ર પ્રશ્ર્નોત્તરી કાળ વેડફાઇ જતો હોય છે. કાલે આપના કોર્પોરેટરો પ્રજાલક્ષી પ્રશ્ર્નની ચર્ચા કરવા માટે કટીબદ્વ છે. બીજી તરફ કાલે સૌરાષ્ટ્ર ઝોનની કોંગ્રેસની કારોબારી રાજકોટ ખાતે મળી રહી હોય આવામાં કોંગ્રેસના કોર્પોરેટર માત્ર હાજરી પૂરાવવા માટે બોર્ડમાં દેખાય તેવું લાગી રહ્યું છે. પ્રશ્ર્નોત્તરી કાળ લંબાવવા માટે વારંવાર માંગણી કરવામાં આવે છે પરંતુ તેનો સ્વીકાર કરવામાં આવતો નથી. આવામાં જોવાનું રહ્યું કે શાસકો વિપક્ષના આક્રમણને કેવી રીતે ખાળશે.

જનરલ બોર્ડની બેઠકમાં અલગ-અલગ 9 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી બે શોક ઠરાવ પણ પસાર કરવામાં આવે તેવી  પણ સંભાવના જણાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.