Abtak Media Google News

ધો.12 સાથે ગુજકેટની પણ માર્કશીટ આપવામાં આવશે

ગુજરાતના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને 21 મે શનિવારથી શાળાઓમાં ધોરણ 12 સાયન્સ તેમજ ગુજકેટના પરિણામની માર્કશીટ આપવામાં આવશે, અને 23 મે સુધી શાળાઓમાંથી માર્કશીટ આપવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. ગુજરાત સેક્ધડરી એન્ડ હાયર સેક્ધડરી એજ્યુકેશન બોર્ડે 12 મેના રોજ ધોરણ 12 સાયન્સના પરિણામની જાહેરાત કરી હતી. જો કે, પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવી ન હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્કશીટ તૈયાર થઈ રહી હતી, તે સમયગાળામાં જ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, હવે માર્કશીટ તૈયાર થઈ ગઈ છે અને બોર્ડ હવે આ માર્કશીટને ડીઈઓની ઓફિસ મોકલશે અને ત્યારબાદ ત્યાંથી 20 મે સુધીમાં શાળાઓમાં આ માર્કશીટ પહોંચાડવામાં આવશે.

શનિવારથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ પોતાની શાળાઓમાંથી આ માર્કશીટ લઈ શકશે. 12 મેના રોજ જાહેર કરાયેલાં ધોરણ 12 સાયન્સનું 72 ટકા પરિણામ આવ્યું હતું. પરિણામમાં ગુજરાતી, હિન્દી, મરાઠી ફર્સ્ટ લેંગ્વેજમાં 100 ટકા વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે ઈંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજમાં 98.80 ટકા વિદ્યાર્થી પાસ થયા હતા. ગુજરાતી સેક્ધડ લેંગ્વેજ હોય તેવા વિદ્યાર્થીઓનું પરિણામ 96.67 ટકા રહ્યું હતું.

મેથ્સમાં 79.61 ટકા, કેમેસ્ટ્રીમાં 68.84 ટકા, ફિઝિક્સમાં 69.18 ટકા, બાયોલોજીમાં 80.97 ટકા, સંસ્કૃતમાં 97.75 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એક વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 940 હતી. જ્યારે બે વિષયમાં 9460, ત્રણ વિષયમાં 10,911, ચાર વિષયમાં 4550 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. પાંચ વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 699 હતી.

જિલ્લાવાર પરિણામ પર નજર કરીએ તો, અમદાવાદ શહેરનું 70.80 જ્યારે ગ્રામ્યનું 75.38 ટકા પરિણામ આવ્યું હતું. અમરેલી જિલ્લાનું 77.94, કચ્છનું 74.48 ટકા, ખેડાનું 59.88 ટકા, જામનગરનું 83.45 ટકા, જુનાગઢનું 80.26 ટકા પરિણામ આવ્યું હતું. રાજકોટનું સૌથી વધુ 85.78 ટકા પરિણામ રહ્યું હતું, જ્યારે 40.19 ટકા પરિણામ સાથે દાહોદ સૌથી છેલ્લા ક્રમે હતું. રાજ્યમાં 64 સ્કૂલોનું પરિણામ 100 ટકા આવ્યું હતું, જ્યારે 61 સ્કૂલો 10 ટકાથી ઓછું પરિણામ લાવી હતી.

અ1 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 196, જ્યારે અ2 ગ્રેડ સાથે 3,303 સ્ટૂડન્ટ પાસ થયા હતા. ગ્રુપ અનુસાર પરિણામ જોવામાં આવે તો, એ ગ્રુપના 78.40 ટકા, જ્યારે બી ગ્રુપના 68.58 ટકા વિદ્યાર્થી પાસ થયા હતા, જ્યારે એબી ગ્રુપના સ્ટૂડન્ટ્સનું પરિણામ 78.38 ટકા રહ્યું હતું. લાઠી કેન્દ્રનું સૌથી વધુ 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.