Abtak Media Google News

સૌની યોજનાના કાર્યપાલક ઇજનેરે કોર્પોરેશનને પત્ર લખી કરી કડક ઉઘરાણી: તાત્કાલીક પૈસા ચૂકવવા તાકીદ

રાજકોટ જળ જરૂરિયાત સંતોષતો આજી ડેમ આગામી 7મી જુલાઇ આસપાસ ડૂકી જાય તેમ છે. વરસાદ ખેંચાય અને જળાશયમાં સંતોષકારક માત્રામાં પાણીની આવક ન થાય આવા કપરા સંજોગોમાં રાજકોટવાસીઓએ પીવાના પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે મ્યુનિ.કમિશનર દ્વારા સરકારને પત્ર લખી સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં વધુ 180 એમસીએફટી નર્મદાના નીર ઠાલવવાની માંગણી કરવામાં આવી છે. કોર્પોરેશનનો પત્ર મળતાની સાથે જ સૌની યોજનાના કાર્યપાલક ઇજનેરે કોર્પોરેશન પાસે રૂ. 105.24 કરોડની ઉઘરાણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. તાત્કાલીક રકમ ભરપાઇ કરવા પણ તાકીદ કરવામાં આવી છે. કોર્પોરેશનની આર્થિક સ્થિતિ હાલ એવી નથી કે આ રકમ ભરપાઇ કરી શકે, દરમિયાન જૂનું લેણું હાલ પુરતું યથાવત રાખી તાત્કાલીક અસરથી સૌનીના પાણી આપવા માટે સરદાર સરોવર નિગમને પણ પત્ર લખ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત વર્ષ-2017થી રાજકોટને નર્મદાના નીર આપવામાં આવી રહ્યા છે. જેમાં પ્રતિલીટર પાણી 18 પૈસા લેખે આપવામાં આવે છે. દર વર્ષે કોર્પોરેશનને બે વખત આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી પુરું પાડવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી મેળવનાર કોર્પોરેશને અત્યાર સુધી એક રૂપિયો પણ સરકારમાં જમા કરાવ્યો નથી. આજી-1 ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવા પેટે રૂ.79.26 કરોડ  રૂપિયા બાકી નીકળે છે. જ્યારે ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવા પેટે રૂ.25.98 કરોડ લેણાં નીકળે છે. મ્યુનિ.કમિશનરે તાજેતરમાં સૌની યોજના અંતર્ગત 180 એમસીએફટી પાણી આજી ડેમમાં ઠાલવવાની માંગણી કરતાની સાથે જ સૌની યોજનાના રાજકોટ સ્થિત કાર્યપાલક ઇજનેરે મ્યુનિ.કમિશનરને વળતો પત્ર લખી રૂ.105.24 કરોડ રૂપિયાનું બાકી લેણું તાત્કાલીક અસરથી ભરપાઇ કરવા જણાવ્યું છે. સાથોસાથ આડકતરી એવી પણ તાકીદ કરવામાં આવી છે કે જો આ રકમ ભરપાઇ કરવામાં નહિં આવે ત્યાં સુધી સૌની યોજના અંતર્ગત રાજકોટને હવે નર્મદાનું પાણી આપવામાં આવશે નહિં.

કોર્પોરેશનની આર્થિક સ્થિતી એવી નથી કે 105.24 કરોડ રૂપિયા તાત્કાલીક અસરથી જમા કરાવી શકે. દરમિયાન મ્યુનિ.કમિશનર દ્વારા સરદાર સરોવર નિગમના એમ.ડી.ને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જુનું બાકી લેણું હાલ યથાવત રાખી નવેસરથી રાજકોટને નર્મદાના નીર આપવા માટે મંજૂરી આપવામાં આવે તેવી માંગણી કરી છે. આ ઉપરાંત સૌની યોજનાના કાર્યપાલક ઇજનેરે પણ સરદાર સરોવર નિગમને પત્ર લખી જાણ કરી છે કે રાજકોટ મહાનગર પાલિકા પાસે એક અબજથી પણ વધુનું લેણું બાકી નીકળે છે. આવા કિસ્સામાં નવું પાણી આપવું કે કેમ તે અંગે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.