Abtak Media Google News

માણાવદરના નાંદરખા ગામે 10 ઇંચ વરસાદથી ખેતરોમાં ઘોવાણ

જુનાગઢ જિલ્લામાં પડી રહેલા સાર્વત્રિક વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના લગભગ 8 જેટલા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે જિલ્લાના 4 ડેમો ઓવર ફ્લો થઈ રહ્યા છે. આ સાથે ગઈકાલે માણાવદરમાં માત્ર 3 કલાકમાં પ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અને ધેડ પંથક પાણીથી તરબતર બન્યુ છે. માણાવદર પંથકના અનેક ગામો અને રસ્તાઓ ઉપર પાણી જોવા મળી રહ્યા છે. તો કોડવાવ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. આ સાથે કોઠારીયા ગામે આવેલા બેઠા પુલ ઉપર પાણી ફરી વળ્યું હતું. તો માણાવદરના નાદરખા ગામે 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી પડતા ખેતરોમાં ધોવાણ થયું હોવાના વાવડ મળી રહ્યા છે. આ સિવાય માળીયાની મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને મેંદરડાની મધુવતી નદી પણ અકળે ઠાઠ જઈ રહી છે. તો જુનાગઢ શહેરમાં પણ હળવાથી ભારે ઝાપટા ચાલુ રહ્યા છે. અને ગિરનાર તથા દાતારના જંગલોમાં પણ વ્યાપક પ્રમાણમાં વરસાદ પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Screenshot 2020 08 16 19 40 15 221 Com.whatsapp

જુનાગઢ શહેર સહિત જુનાગઢ જિલ્લામાં આ વર્ષે વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ પાણી પાણી કરી દીધું છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક પખવાડિયાથી પડી રહેલ વ્યાપક વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના નાના-મોટા તમામ ડેમોમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. ત્યારે ગઈકાલે વિસાવદરના આંબાજળ ડેમના 2 દરવાજા, વિસાવદર ધ્રાફડ ડેમના 3 દરવાજા, બાટવાના ખારા ડેમના 3 દરવાજા, ઓજત સાપુરના 10 દરવાજા, ઓજત વંથલીના 12 દરવાજા, માળિયાના સાબલી ડેમનો 1 દરવાજો, તથા ઓજત ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે, આ સાથે ઓજત આનંદપુર તથા કેરાળાનો ઉબેણ ડેમ, જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ અને માણાવદર નજીકનો રસાલા ડેમ અવર ફ્લો થઈ રહ્યા હોવાના સત્તાવાર રિપોર્ટ મળી રહ્યા છે.

Screenshot 2020 08 16 19 37 26 484 Com.whatsapp

દરમિયાન ગઈકાલે માણાવદર પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો અને બપોરના 3 કલાકમાં પ ઇંચ જેટલો વરસાદ ખાબકતા માણાવદર ટાઉન પાણી પાણી થઈ જવા પામ્યુ હતું. આ ઉપરાંત ઓજત નદીના કાંઠાના ગામો કોઈલાણા, મટીયાણા, આંબલીયા સહિતના ઘેળ પંથકના ગામો અને રસ્તાઓ ઉપર પાણીનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો હતો. જ્યારે સારંગ પીપળી, નાંદરખા, કોઠારીયા, ભાલચડા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. તો નાંદરખા ગામે 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું ગામ લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે.

આ સાથે માળિયા પંથકમાં અવિરત વરસાદ પડવાને કારણે મેઘલ નદીમાં ગઈકાલે ફરી એક વખત પૂર આવ્યું હતું જ્યારે મેંદરડાની મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. તો જિલ્લાની લગભગ તમામ નદીઓમાં ભરપૂર વહી રહી છે તો અમુક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

જુનાગઢના જંગલ વિસ્તારમાં પણ અવિરત વરસાદ પડી રહ્યા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. તે સાથે ગઈકાલે જુનાગઢમાં દોઢ ઇંચ, ભેસાણમાં દોઢ ઇંચ, મેંદરડામાં દોઢ ઇંચ, માંગરોળમાં સવા ઇંચ, માળિયામાં પોણા ચાર ઇંચ, વંથલીમાં અઢી ઇંચ, વિસાવદરમાં એક ઇંચ અને માણાવદરમાં માત્ર 3 કલાકમાં પ ઇંચ જેટલો વરસાદ સતાવાર રીતે નોંધાયો છે. આ સાથે આજે સવારથી જ જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી વાદળાઓ છવાયા છે. અને હવામાન વિભાગ દ્વારા જુનાગઢ શહેર સહિત જિલ્લામાં આજે અને આવતીકાલે છૂટો છવાયો વરસાદ થાય તેવી વ્યાપક સંભવના પણ દર્શાવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.