Abtak Media Google News

રાજ્યમાં 98 ટકાથી વધુ વરસાદ: આજથી ત્રણ દિવસ ઉત્તર ગુજરાતમાં અતિ ભારે, સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

મધ્યપ્રદેશમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન સવારથી ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં વાદળર્છાંયુ વાતાવરણ છવાયું છે. રાજ્યમાં 98 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. હજી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોય 100 ટકાથી વધુ વરસાદ વરસી જશે. રાજ્યના અલગ-અલગ 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 96 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ બે ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. દરમિયાન મધ્યપ્રદેશમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં સવારે બે કલાકમાં સુપડાધારે અઢી ઇંચ વરસાદ વરસી જતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. આ ઉપરાંત પાટણમાં બે ઇંચ અને રાધનપુરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના પાટણ ઉપરાંત અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર સહિત તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યાના અહેવાલો મળી રહ્યા છે.

આજે બનાસકાંઠા, પાટણ, સાંબરકાંઠા, અરવલ્લી, મહેસાણામાં અતિભારે જ્યારે અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ફરી મેઘાવી માહોલ જામશે. રાજ્યમાં સિઝનનો 98.13 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં 151.94 ટકા, ઉત્તર ગુજરાતમાં 98.94 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 81.10 ટકા, સૌરાષ્ટ્રમાં 88.81 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.15 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. ચાલુ સપ્તાહે જ રાજ્યમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી જશે.

  • નર્મદા ડેમની સપાટી 135.95 મીટરે પહોંચી
  • ડેમના 23 દરવાજા 2.15 મીટર ખોલાયા: 412547 ક્યુસેક પાણીની જાવક

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની ધીંગી આવક થઇ રહી છે. ડેમના 30 પૈકી 23 દરવાજાઓ 2.15 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. 4,12,547 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. ડેમની સપાટી 135.93 મીટરે પહોંચી જવા પામી છે.

એમપી સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 10 દિવસથી ડેમના દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 412841 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમના 23 દરવાજા 2.15 મીટર સુધી ખૂલ્લા રાખી 412547 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે.

138.68 મીટરે ઓવરફ્લો થતા નર્મદા ડેમની સપાટી આજે સવારે 135.93 મીટરે પહોંચી જવા પામી છે. હવે ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 2.75 મીટર જ બાકી રહ્યો છે. જો ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવે તો ગમે ત્યારે ડેમ ઓવરફ્લો થઇ જાય તેવી સ્થિતિમાં છે. દરમિયાન ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા હોય હેઠવાસના ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે.

  • ભાદર, આજી અને ન્યારી સહિત 19 જળાશયોમાં પાણીની આવક
  • ભાદર ડેમ છલકાવામાં માત્ર 3.70 ફૂટ જ છેંટુ: ન્યારી પણ ઓવરફ્લો થવાની બંધાતી આશા

સૌરાષ્ટ્રમાં છેલ્લા ચારેક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. છતા છલકાતા નદી-નાળાઓના કારણે જળાશયોમાં નવા નીરની આવક ચાલુ છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા મુખ્ય ત્રણ સહિત 19 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. ભાદર ડેમ હવે ઓવરફ્લો થવામાં માત્ર 3.70 ફૂટ જ બાકી રહ્યો છે. જ્યારે ન્યારી-1 ડેમ પણ ઓવરફ્લો થાય તેવી આશા બંધાય છે.

રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમ સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવુ 0.26 ફૂટ પાણીની આવક થવા પામી છે. 34 ફૂટે ઓવરફ્લો થતા ભાદરની સપાટી હાલ 30.30 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમમાં 4996 એમસીએફટી પાણી સંગ્રહિત છે. ભાદર ઉપરાંત આજી-1 ડેમમાં પણ 0.20 ફૂટ પાણીની આવક થવા પામી છે. 29 ફૂટે છલકાતા આજીની સપાટી 22.90 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમમાં 546 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જ્યારે ન્યારી-1 ડેમમાં નવુ 0.16 ફૂટ પાણી આવ્યું છે. 25.10 ફૂટની ઉંડાઇ ધરાવતા ન્યારી-1ની સપાટી 21.80 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમમાં 944 એમસીએફટી પાણી સંગ્રહિત છે.

આ ઉપરાંત ગોંડલીમાં નવુ 0.49 ફૂટ, ઇશ્ર્વરિયામાં 0.16 ફૂટ, કરમાલમાં 0.33 ફૂટ, ઘેલો સોમનાથમાં 1.31 ફૂટ, મચ્છુ-1 ડેમમાં 0.39 ફૂટ, ડેમી-1માં 0.13 ફૂટ, ડેમી-2માં 0.33 ફૂટ, બ્રાહ્મણી-2માં 0.33 ફૂટ, ડેમી-3માં 0.33 ફૂટ, વર્તુ-2માં 0.33 ફૂટ, વેરાડી-2માં 0.16 ફૂટ, મીણસારમાં 0.16 ફૂટ, વઢવાણ ભોગાવો-1માં 0.10 ફૂટ, વઢવાણ ભોગાવો-2માં 0.10 ફૂટ, વાંસલમાં 0.66 ફૂટ અને સાંકરોલીમાં 0.10 ફૂટ પાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.